Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદી કાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મોટી જાહેરાત કરે તેવી શક્યતા

File

(પ્રતિનિધિ) અમદાવાદ: દેશના લોખંડી પુરૂષ અને ગુજરાતના પનોતા પુત્ર સરદા વલ્લભભાઈ પટેલની તા.૩૧મી ઓકટોબરે જન્મ જયંતિ હોવાથી દેશભરમાં તેની ઉજવણી કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તા.૩૦મીના રોજ મોડી સાંજે અમદાવાદ આવી પહોંચવાના છે અને આવતીકાલે કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે પહોંચી સરદાર વલ્લભભાઈને શ્રધ્ધાસુમન અર્પણ કરશે. આ ઉપરાંત આવતીકાલે વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે.

અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવતીકાલ તા.૩૧મીના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડિયા કોલોની ખાતે આકાર પામેલા વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે. સાઉદી અરેબિયાના પ્રવાસેથી આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી આવી પહોંચ્યા છે અને દિવસભર તેમના કામકાજ બાદ મોડી સાંજે વડાપ્રધાન હવાઈ માર્ગે અમદાવાદ હવાઈ મથકે આવી પહોંચવાના છે.

એરપોર્ટ પર રાજયપાલ, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો તેઓનું ભવ્ય સ્વાગત કરવાના છે. સમગ્ર એરપોર્ટ વિસ્તારમાં પોલીસનો સવારથી જ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોડી સાંજે હવાઈ મથકે આવી પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદી સીધા જ ગાંધીનગર રાજભવન ખાતે પહોંચી જશે અને ત્યાં રાત્રી રોકાણ કરવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન ખાતે કેટલીક મહત્વપૂર્ણ મિટીંગો યોજે તેવી ચર્ચા ચાલી રહી છે. આવતીકાલે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા જ કેવડીયા કોલોની ખાતે જવા રવાના થવાના છે. સરદાર વલ્લભભાઈ પટેલના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટિના લોકાર્પણને એક વર્ષ પૂર્ણ થવાનું છે. કેવડીયા કોલોની ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટિ એક વર્ષમાં પ્રવાસન માટે નવુ સ્થળ બની ગયું છે અને અહીયા વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી પહોચ્યા છે. આવતીકાલે સરદાર પટેલ જયંતિ નિમિતે આ સ્થળ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ખાસ ઉપસ્થિત  રહેવાના છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરે તેવુ જાણવા મળી રહયું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.