Western Times News

Gujarati News

એસ.ટી. નિગમે ર.પ૪ લાખ ટિકિટ વેચી- પ.૪૪ કરોડની આવક

File

આ વર્ષે રેકોર્ડબ્રેક ૪ર,૩૧ર મુસાફરોએ મોબાઈલ અને ઓનલાઈન થકી ટિકિટ બુક કરાવી
અમદાવાદ, એસ.ટી. નિગમને દિવાળી ફળી હોય તેમ આ વર્ષે એકસ્ટ્રા સંચાલનમાં પાંચ દિવસમાં જ નિગમને પ.૪૪ કરોડની ધરખમ આવક થવા પામી છે. જે ગત વર્ષની તુલનામાં ર.૧૮ કરોડની વધુ આવક દર્શાવે છે. તા.રર થી ર૬ ઓકટોબર સુધીના ગાળામાં કુલ ર,પ૩,૯૧૧ મુસાફરોએ મુસાફરી કરી હોવાનું નિગમના અધિકારીઓનું કહેવું છે. મોબાઈલ અને ઓનલાઈન ઈ-ટિકિટ બુક કરાવવા ઉપર ૧૦ ટકા વળતર મળતું હોવાથી આ વર્ષે તા.ર૬ ઓકટોબર સુધીના પાંચ દિવસમાં જ ૪ર,૩૧ર લોકોએ તેનો લાભ લીધો છે.

દિવાળીના તહેવારોને ધ્યાને લઈને નિગમ દ્વારા ગત તા.રર ઓકટોબરથી એકસ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરાયું હતું. અમદાવાદ વિભાગમાંથી જ તા.ર૬ ઓકટોબર સુધીમાં ૮પ૦ એકસ્ટ્રા બસો વિવિધ સ્થળોએ દોડાવાઈ હતી. સમગ્ર રાજયમાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન એસ.ટી.ના મુસાફરો બમણા વધ્યા હોવાનું ધ્યાને આવ્યું છે.
આ અંગે અધિકારીઓના જણાવ્યા મુજબ દિવાળીમાં એકસ્ટ્રા બસોનું એકસ્ટ્રા ભાડુ ન વસુલવાના લેવાયેલા નિર્ણયને કારણે મુસાફરો એસ.ટી. બસો તરફ વળ્યા છે.

વળી મોબાઈલ એપ કે ઓનલાઈન ટિકિટ બુક કરાવવા પર ૧૦ ટકા વળતરની રાહત યોજનાએ પણ મુસાફરોને વધુ મોટી રાહત આપી છે. નોંધપાત્ર છે કે તા.રર ઓકટોબરથી ર૬ ઓકટોબર સુધીના સમયગાળામાં ગત વર્ષે એકસ્ટ્રા સંચાલનમાં નિગમને ૩,ર૬ કરોડની આવક થઈ હતી તેની સામે આ વર્ષે પ.૪૪ કરોડની આવક થઈ છે. ગત વર્ષે મોબાઈલ એપથી ૯,ર૮પ ટિકિટ બુક મુસાફરોએ કરાવી હતી તેની સામે આ વર્ષે ૩પ,૬૦૬ મુસાફરોએ મોબાઈલ એપથી ટિકિટ બુક કરાવી છે.

ગત વર્ષે ઓનલાઈન ઈ-ટિકિટ ર૩,રરપ મુસાફરોએ કરાવી હતી તેની સામે આ વર્ષે ૩૯,ર૧૬ મુસાફરોએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી છે. કુલ ટિકિટ બુકિંગની વાત કરીએ તો ગત વર્ષે ૧,૩૮,૮૬પ ટિકિટ બુક થઈ હતી તેની સામે આ વર્ષે ર,પ૩,૯૧૧ ટિકિટ બુક થઈ હોવાનું અધિકારીઓનું કહેવું છે. આમ આ વર્ષે ખાનગી વાહનોના બમણા ભાડા વચ્ચે એસ.ટી. નિગમ દ્વારા મુસાફરોને ભાડામાં અપાયેલી રાહતોને લઈને મુસાફરોએ એસ.ટી.ને વધુ પસંદ કરી છે. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.