કિકબોક્સિંગ જેવી ખતરનાક રમત ફેમસ થઈ રહી છે: ચાલુ સ્પર્ધામાં ખેલાડીનું મોત
કિકબોક્સિંગની મેચમાં કોઈનું મોત થયાની પહેલી ઘટના
બેંગલુરુ, કિકબોક્સિંગ જેવી ખતરનાક રમત આજકાલ ખાસ્સી ફેમસ થઈ રહી છે. જાેકે, કર્ણાટકમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ચાલુ કોમ્પિટિશનમાં ૨૩ વર્ષના કિકબોક્સર નિખિલ સુરેશનું ચહેરા અને માથામાં થયેલી ઈજા થતાં સેકન્ડોમાં જ મોત થયું છે.
કિકબોક્સિંગની ચાલુ મેચમાં કોઈનું મોત થયું હોય તેવી કદાચ દેશની આ પહેલી ઘટના છે. નિખિલ કર્ણાટક સ્ટેટ લેવલ કિકબોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ રહ્યો હતો. રવિવારે થયેલી મેચમાં મોઢા પર મુક્કો વાગતા તે રિંગમાં જ ફસડાઈ પડ્યો હતો.
મોઢા પર પંચ વાગ્યા બાદ મેટ પર જ ફસડાઈ પડેલા નિખિલની અંતિમ ક્ષણોનો વિડીયો પણ ખાસ્સો વાયરલ થયો છે. મૃતક છેલ્લા બે વર્ષથી કિકબોક્સિંગની પ્રેક્ટિસ કરતો હતો. તેના અંતિમ ક્ષણોના વિડીયોમાં જાેઈ શકાય છે કે નિખિલ કોઈ હલનચલન કર્યા વિના રિંગમાં પડ્યો છે, અને રેફરી ફાઈટની પૂર્ણાહુતિ જાહેર કરી રહ્યા છે.
ફસડાઈ પડેલો નિખિલ કેટલીક ક્ષણો સુધી હલનચલન કર્યા વિના જ પડ્યો રહેતા કંઈક અજુગતું થયું હોવાની શંકા જતાં લોકો રિંગમાં ધસી આવ્યા હતા. તેમણે નિખિલને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે કોઈ રિસ્પોન્સ નહોતો આપી રહ્યો. તેને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો, જ્યાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો.
નિખિલને ખૂબ જ ગંભીર હાલતમાં હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. તેને વેન્ટિલેટર સપોર્ટ પર રખાયો હતો. તેને બચાવવા ડૉક્ટરોએ તમામ કોશીશ કરી હતી, પરંતુ બુધવારે તેનું મોત થયું હતું. નિખિલના પિતા પી સુરેશે આ મામલે ટુર્નામેન્ટનું આયોજન કરનારા લોકો તેમજ અન્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
તેમનો આક્ષેપ છે કે તેમની બેદરકારીને લીધે નિખિલનું મોત થયું છે. જાેકે, પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તમામ આરોપી ગાયબ થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે. નિખિલના ૬૨ વર્ષના વૃદ્ધ પિતા પોતાનો દીકરો ગુમાવ્યા બાદ હવે લોકોને અપીલ કરી રહ્યા છે કે તેઓ પોતાના બાળકોને કિકબોક્સિંગ જેવી ખતરનાક રમતોથી દૂર રાખે.