Western Times News

Gujarati News

મ્યુનિ. ટેક્ષ ભર્યા વિના દોડતી જનમાર્ગની ૧પ૦ બસઃ ‘રેવડી’માટે અરજી

Files Photo

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટેક્ષ વિભાગ દ્વારા મિલ્કતવેરાની વસુલાત માટે નાના વેપારીઓની મિલ્કતો સીલ કરવામાં આવે છે. જયારે વ્હીકલ ટેક્ષ વિભાગ દ્વારા પણ મ્યુનિ. હદની બહાર રહેતા વાહનચાલકોને ટેક્ષ ભરપાઈ કરવા માટે નિયમ મુજબ નોટિસો આપવામાં આવી છે

પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે મ્યુનિ. કોર્પોરેશનના જ અભિન્ન અંગ સમાન અમદાવાદ જનમાર્ગ લીમીટેડની ૧પ૦ ઈલેકટ્રીક બસો છેલ્લા એક-દોઢ વર્ષથી વ્હીકલ ટેક્ષ ભર્યા વિના જ સડકો પર દોડી રહી છે. મ્યુનિ. વ્હીકલ ટેક્ષ વિભાગ દ્વારા આ મામલે નોટિસ ફટકારવામાં આવતા બસ કંપની દ્વારા “રેવડી” માટે અરજી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના આરટીઓમાં રજીસ્ટ્રેશન થતા તમામ વાહનો માટે મ્યુનિ. ટેક્ષ ભરપાઈ કરવો ફરજીયાત છે, મ્યુનિ. કોર્પોરેશન તરફથી કેટલાક વાહનો કે નાગરીકોને છુટછાટ આપવામાં આવી છે તે અલગ બાબત છે. અન્યથા રજીસ્ટ્રેશન નંબર ઈસ્યુ કરતા પહેલા મ્યુનિ. ટેક્ષ ભરવામાં આવ્યો હોય તે જરૂરી છે,

પરંતુ આ નિયમનું મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાકટરો જ ઉલ્લંઘન કરી રહયા છે, તેમજ અંદાજે રૂા.ત્રણ કરોડનો વ્હીકલ ટેક્ષ ભરપાઈ કરવામાં આવ્યો ન હોવા છતાં જનમાર્ગ લીમીટેડ દ્વારા બસો દોડાવવામાં આવી રહી છે, પ્રદુષણ અને પેટ્રોલથી બચવા માટે તંત્ર દ્વારા ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહયુ છે,

જે અંતર્ગત ર૦ર૦-ર૧ અને ર૦ર૧-રર માં ઈલેકટ્રીક ટુ-વ્હીલરને ૧૦૦ ટકા રાહત આપવામાં આવી હતી જયારે ર૦રર-ર૩ના બજેટમાં તમામ પ્રકારના ઈલેકટ્રીક વાહનોને ૧૦૦ ટકા વેરા-મુક્તિ આપવા જાહેરાત કરવામાં આવી છે જેનો ગેરલાભ લેવા માટે ૧પ૦ ઈલેકટ્રીક બસના સપ્લાયર દ્વારા અરજી કરવામાં આવી છે.

મ્યુનિ. સુત્રોએ જણાવ્યા મુજબ જનમાર્ગ લીમીટેડ દ્વારા ૩૦૦ ઈલેકટ્રીક બસ ખરીદવા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે જે પૈકી ર૦ર૦-ર૧ અને ર૦ર૧-રર માં ૧પ૦ બસોના રજીસ્ટ્રેશન કરી તેને શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ ૧પ૦ બસોનો ટેક્ષ ભર્યા વિના જ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે, જેને બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે.

વ્હીકલ ટેક્ષ વિભાગમાં રજીસ્ટ્રેશન થયા હોય પરંતુ વેરો ભરવામાં આવ્યો ન હોય તેવા ર૦ હજાર કરતા વધુ વાહનોને વેરા માટે નોટિસો આપવામાં આવી રહી છે, જે અંતર્ગત ૧પ૦ ઈલેકટ્રીક બસ માટે વીટી ઈમોબીલીટી પ્રા.લી. કંપનીને પણ ઓકટો-ર૦ર૧થી માર્ચ- ર૦રર સુધી ચાર અલગ-અલગ નોટિસો આપવામાં આવી છે,

એક અંદાજ મુજબ ૧પ૦ બસના વેરાની રકમ રૂા.ત્રણ કરોડ થાય છે. મ્યુનિ. વ્હીકલ ટેક્ષ વિભાગ તરફથી નોટિસ મળ્યા બાદ બસ સપ્લાય કરનાર કંપની દ્વારા તમામ વેરો માફ કરવા માટે સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ અરજી કરવામાં આવી છે. જેના માટે ર૦રર-ર૩ ના બજેટની દુહાઈ આપી છે,

અત્રે નોંધનીય છે કે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦ર૦ અને ર૦ર૧માં માત્ર ઈલેકટ્રીક સ્કુટરને જ ૧૦૦ ટકા વેરા મુક્તિ આપવામાં આવી હતી આ સમયગાળા દરમ્યાન અન્ય ઈલેકટ્રીક વાહનો પાસેથી નિયમ મુજબ ટેક્ષ વસુલ કરવામાં આવ્યો હતો. પરંતુ જનમાર્ગમાં બસ સપ્લાય કરનાર સંસ્થાએ ઓપરેટરો દ્વારા વેરો ભરવામાં આવશે

તેવી ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતું તેમજ ૧પ૦ બસ પેટે રાતીપાઈ ભર્યા વિના જ તમામ વાહનોના રજીસ્ટ્રેશન કરાવ્યા હતા જેને એક ગુનાહિત કૃત્ય પણ માનવામાં આવે છે. જનમાર્ગની ઈલેકટ્રીક બસ સપ્લાયરની સાથે સાથે અધિકારીઓએ પણ બેદરકારી દાખવી છે. સપ્લાયર તરફથી ૧પ૦ બસો મળ્યા બાદ વીમા સહીતની વિગતો તપાસી હતી,

પરંતુ વ્હીકલ ટેક્ષ ભરપાઈ કર્યા છે કે કેમ? તેની ચકાસણી કરવામાં ઉદાસીન રહયા હતા. મ્યુનિ. કોર્પોરેશનમાં ભાડે લેવામાં આવતા તમામ વાહનોમાં પણ વ્હીકલ ટેક્ષની તપાસ થતી નથી જેના કારણે ૧પ૦ ઈલેકટ્રીક બીલ જેવી ગેરરીતિઓ થાય છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.