Western Times News

Gujarati News

ઉત્કર્ષ યોજનાઓના 427 લાભાર્થીઓને 6.15 કરોડનું ધિરાણ અપાશે

પ્રતિકાત્મક

ગુજરાતમાં છેવાડાના માનવીનો સર્વાંગી વિકાસએ રાજ્ય સરકારનો નિર્ધાર-રાજ્યમાં સમરસતા લાવવા અને અનુ. જાતિ પૈકીના અંત્યોદય  વર્ગનું આર્થિક સ્તર ઊંચું લાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ -સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારના હસ્તે ગાંધીનગર ખાતેથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા અમલી વિવિધ આર્થિક ઉત્કર્ષ યોજનાઓના લાભાર્થીઓની પસંદગી માટે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરાયો હતો. જેમાં વિવિધ યોજનાઓ હેઠળ ૪૨૭ લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. જેમને રૂ. ૬૧૫ લાખનું ધિરાણ આપવામાં આવશે.

મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સબળ નેતૃત્વમાં સમગ્ર રાષ્ટ્ર વિકાસના પથ પર સતત આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં વસતા છેવાડાના માનવીઓના સર્વાંગી વિકાસના મક્કમ નિર્ધાર સાથે છેલ્લા બે દાયકાથી વંચિતોના આર્થિક ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. છેલ્લા બે દાયકાથી ચાલતી અવિરત વિકાસ યાત્રાના ભાગ રૂપે નિગમને મળેલ અરજીઓમાંથી કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા પસંદગી યાદી તૈયાર કરવામાં આવી છે.

મંત્રીશ્રી પરમારે ઉમેર્યું કે સરળ, સહજ અને સૌમ્ય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની સરકાર ગુજરાત રાજ્યને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવાના અવિરત અથાક પ્રયાસો આદરી રહી છે. ત્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ પણ એ જ  દિશામાં અનુસૂચિત જાતિઓ પૈકીની અતિ પછાત જાતિઓના લોકો આર્થિક રીતે પગભર થઈ સમાજમાં માનભેર ઉન્ન્ત જીવન જીવી શકે તે માટે સતત પ્રયત્નશીલ છે.

મંત્રીશ્રીએ આ પારદર્શી પ્રક્રિયા દ્વારા પસંદગી પામેલ તમામ લાભાર્થીઓને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે `આઝાદીના હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા હતા. અને આત્મ નિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નરેન્દ્રભાઇ મોદીજીના સ્વપ્નને સાકાર કરવામાં આપ પણ સહભાગી થઈ રાષ્ટ્રના વિકાસમાં સક્રિય યોગદાન આપવા બદલ પસંદગી પામેલ તમામ લાભાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના માધ્યમથી સરકારે રાજ્યના અંત્યોદય વર્ગના લોકોના આર્થિક ઉત્કર્ષ માટે નાના ધંધા, વ્યવસાય ધિરાણ યોજના, પશુપાલન ધિરાણ યોજના, પેસેન્જર વાન ધિરાણ યોજના, પેસેન્જર ઑટોરીક્ષા ધિરાણ યોજના મહિલા સમૃદ્ધિ યોજના,  માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ ધિરાણ યોજના અને મોબાઇલ ફુડ કોર્ટ વાન ધિરાણ યોજના અમલમાં મૂકી છે. જેમાં રૂ. ૫૦૦૦૦/- થી લઈ મહત્તમ રૂ।. ૭,૦૦,૦૦૦/- સુધીનું નજીવા વ્યાજના દરે ધિરાણ આપવામાં આવે છે.

છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીને કારણે સરકાર આ ધિરાણ યોજનાઓનો અમલ કરી શકી ન હતી. જેને પરિણામે ચાલુ વર્ષે ઉક્ત વર્ષોના બાકી રહેલ લક્ષ્યાંકોને પહોંચી વળાય તે હેતુસર નિગમ પાસેની મંજૂર કરવા પાત્ર અરજીઓ પૈકી ૨૦૩ લાભાર્થીઓ ,પશુપાલન ધિરાણ યોજના માટે ૧૬૯ લાભાર્થીઓ અને પેસેન્જર વાન ધિરાણ યોજના માટે ૫૫ લાભાર્થીઓને મળી કુલ ૪૨૭ લાભાર્થીઓને રૂ. ૬૧૫ લાખનું ધિરાણ આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.