Western Times News

Gujarati News

ગુજરાતમાં રમત ગમત વિભાગનું બજેટ વર્ષ ૨૦૦૨માં રૂ. ૨.૫ કરોડ હતું તે વધીને આજે રૂ. ૨૫૦ કરોડે પહોંચ્યુ છે

The budget of sports department in Gujarat in the year 2002 was Rs. 2.5 crore has increased to Rs. 250 crore has reached

ગુજરાતમાં વ્યાપક ફલક ઉપર સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું થયું છે- મુખ્યમંત્રીશ્રી

આંતરરાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધાઓ-ઓલિમ્પિક ગેઇમ્સ જેવી મેગા સ્પોર્ટસ ઇવેન્ટના આયોજન માટે ગુજરાત સંપૂર્ણ સુસજ્જ છે :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Ø  સેલિબ્રેટીંગ યુનિટી થ્રુ સ્પોર્ટસ”ની થીમ સાથે રાજ્યમાં નેશનલ ગેઇમ્સની તૈયારીઓ શરૂ

Ø  ગુજરાતના યજમાન પદે યોજાનારી ૩૬મી નેશનલ ગેઇમ્સનો આકર્ષક લોગો લોંચ કરાયો

Ø  નેશનલ ગેઇમ્સ -૨૦૨૨: સફળ આયોજન માટે ત્રિપક્ષીય MOU પર હસ્તાક્ષર કરાયા

Ø  ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે ૩૬ રમતોમાં સ્પર્ધા કરવા માટે ૩૬મી નેશનલ ગેઇમ્સનું ગૌરવપૂર્ણ આયોજન

Ø  નેશનલ ગેઇમ્સના ઇતિહાસમાં આ વર્ષે સૌથી વધુ ૩૬ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ “ખેલ મહાકુંભ”ના માધ્યમથી શરૂ કરેલી મુહિમે આજે ગુજરાતના રમતવીરોને વૈશ્વિક સ્તરે ખ્યાતિ અપાવી છે : મંત્રી શ્રી હર્ષ સંઘવી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ નિર્ધાર વ્યકત કર્યો છે કે ગુજરાતમાં યોજાનારી ૩૬મી નેશનલ ગેઇમ્સ-રાષ્ટ્રીય રમતોત્સવને ભવ્ય સફળતાપૂર્વક  ગુજરાત પાર પાડશે

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ૭ વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાઇ રહેલા ૩૬માં રાષ્ટ્રિય રમોત્સવનું યજમાન બનવાનું ગુજરાતને સૌભાગ્ય મળ્યું છે.

રાજ્યમાં ખેલાડીઓ-ખેલપ્રેમીઓ અને વિવિધ સંગઠનો સહિત નાગરિકોમાં પણ દેશભરમાંથી આ રમતોત્સવ માટે ગુજરાત આવનારા ખેલાડીઓને આવકારવાનો અદમ્ય ઉત્સાહ છે.

આગામી તા.ર૭ સપ્ટેમ્બરથી તા.૧૦ ઓક્ટોબર દરમ્યાન યોજાનારી ૩૬મી નેશનલ ગેઇમ્સના લોગોનું લોન્ચીંગ તેમજ આ ગેઇમ્સના સફળ આયોજન માટે ગુજરાત સરકાર, ઇન્ડીયન ઓલિમ્પિક એસોસિયેશન તથા ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિયેશન વચ્ચે ત્રિપક્ષીય સમજૂતીકરાર MoU ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં મહાત્મા મંદિર ખાતે સંપન્ન થયા હતા.

શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું કે, નેશનલ ગેઇમ્સના ભવ્ય આયોજનને પાર પાડવા આ MoU આધાર સ્થંભ બની રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારતમાં ખેલકૂદ ક્ષેત્રનો સુવર્ણ કાળ આવ્યો છે. ભારતમાં સ્પોર્ટિંગ કલ્ચર, સ્પોર્ટિંગ કોમ્યુનિટી અને ડિસિપ્લિન વિકસી રહ્યા છે. ફીટ ઇન્ડિયા જેવા અભિયાન ચલાવીને વડાપ્રધાનશ્રીએ દેશમાં સ્પોર્ટસ અને ફિટનેસ એક જુવાળ ઉભો કર્યો છે.

વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતે વ્યાપક ફલક પર સ્પોર્ટસ  ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. ગુજરાત આંતરરાષ્ટ્રીય કક્ષાની રમત સ્પર્ધાઓ અને ઓલિમ્પિક જેવી મેગા સ્પોર્ટસ  ઈવેન્ટ્સ યોજવા માટે સજ્જ બની રહ્યું છે તેમાં આ ૩૬મી નેશનલ ગેઇમ્સ પૂરક બનશે.

મુખ્યમંત્રીશ્રીએ ૩૬મી નેશનલ ગેઇમ્સ ના લોગો સંદર્ભે કહ્યું કે, ગુજરાતની આગવી ઓળખ એવા ગિરના સિંહ અને વિવિધ રમત ચિન્હોને આ લોગોમાં સ્થાન મળ્યું છે. ગુજરાતની અસ્મિતા, ખમીર સાથે-સાથે ખેલકૂદનું ઝનૂન આ લોગોમાં ઝળકી રહ્યું છે. ૩૬મી નેશનલ ગેઇમ્સ નો લોગો રમતવીરોમાં નવી ઊર્જા, નવા ઉત્સાહનો સંચાર કરશે એવી અપેક્ષા તેમણે દર્શાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેલકૂદ-સ્પોર્ટસ ના માધ્યમથી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નો સંકલ્પ સુપેરે સાકાર થઈ શકે છે. સ્પોર્ટસ  ટીમ-સ્પિરિટ જગાવે છે. સ્પર્ધા દરમિયાન ખેલાડીનું પરફોર્મન્સ મહત્વનું હોય છે. ખેલાડીની ભાષા, પ્રદેશ, નાતજાત વગેરેનું કોઈ જ મહત્વ હોતું નથી.

તેમણે વધુમાં કહ્યું કે, આઝાદી બાદ નાના-મોટા રજવાડા, પ્રોવિન્સને એક કરીને એક ભારતનો ધ્યેય ગુજરાતના સપૂત સરદાર સાહેબે પાર પાડેલો. એ જ ગુજરાતમાં જ્યારે ૩૬મી નેશનલ ગેઇમ્સ  યોજાતી હોય ત્યારે તેની ટેગ લાઈન એકતાનો મંત્ર જ આપતી હોવી જોઈએ. ‘સેલિબ્રિટીંગ યુનિટી થ્રુ સ્પોર્ટસ’ આ ટેગ લાઈન એકદમ પરફેક્ટ છે એમ તેમણે ઉમેર્યુ હતું.

રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી શ્રી હર્ષ સંઘવીએ નેશનલ ગેઇમ્સ નું યજમાનપદ ગુજરાતને મળવા બદલ ગૌરવ વ્યક્ત કરતા કહ્યુ કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં દ્રઢ ઇચ્છાશક્તિથી દેશના યુવાઓ અને રાજ્યના રમતવીરોને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પુરૂ પાડવાના ઉદ્દેશ સાથે ભારતીય ઓલમ્પિક એસોસિએશન, ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકારના સહયોગથી ગુજરાતમાં નેશનલ ગેઇમ્સ -૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યુ છે.

નેશનલ ગેઇમ્સ  માટેનુ આયોજન સામાન્ય રીતે ત્રણ વર્ષ જેટલો સમય માંગી લેતો હોય છે ત્યારે માત્ર ત્રણ માસ જેટલા ખુબ જ ટુંકા સમયગાળામાં ગુજરાતે આ આયોજન કરી બતાવ્યુ છે જે સમગ્ર ટીમ ગુજરાત માટે ગૌરવરૂપ બાબત છે. નેશનલ ગેઇમ્સ માં સહભાગી થનાર તમામ રમતવીરોનું ગુજરાતમાં અનોખી રીતે સ્વાગત કરાશે.

મંત્રી શ્રી સંઘવીએ ઉમેર્યુ કે, નેશનલ ગેઇમ્સ નું આટલા ટુંકા ગાળામાં આયોજન એટલા માટે શક્ય બની શક્યુ છે કે રાજ્યમાં અગાઉ વર્ષ ૨૦૦૨માં જે રમત ગમત વિભાગ માટેનુ બજેટ રૂ.૨.૫ કરોડ હતુ તે વધીને આજે રૂ.૨૫૦ કરોડએ પહોંચી ગયુ છે. એટલુ જ નહિ, ખેલાડીઓને ખેલકૂદ માટે શ્રેષ્ઠ અધ્યતન આંતર માળખાકિય સુવિધાઓના સ્વરૂપે શ્રેષ્ઠ સ્ટેડિયમ્સ અને મેદાનો ગુજરાતે તૈયાર કર્યા છે. રાજ્યના વિવિધ જિલ્લા-શહેરોમાં સ્પોર્ટસ  ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવ્યુ છે.

આ ઉપરાંત રાજ્યના સાડા છ કરોડ નાગરિકોનો સહયોગ આ નેશનલ ગેઇમ્સ ના આયોજનમાં પ્રાપ્ત થશે. આ તમામ બાબતોને પરિણામે જ નેશનલ ગેઇમ્સ -૨૦૨૨નું ગુજરાતમાં થઇ રહેલુ આયોજન માત્ર ત્રણ મહિનાના ટુંકા ગાળામાં સર્વોત્તમ રીતે શક્ય બનશે.

ગુજરાત પહેલેથી જ આ સ્તરના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવા માટે જાણીતું છે અને હાલ અત્યાર સુધીની નેશનલ ગેઇમ્સ  દ્વારા સ્થાપિત કરેલ સ્તરને સર કરવા આત્મવિશ્વાસપૂર્ણ રીતે આગળ વધી રહ્યુ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

મંત્રીશ્રીએ કહ્યુ કે, રાજ્યના ૧૮ હજાર ગામડાઓમાંથી પ્રતિભાશાળી રમતવીરોને શોધી કાઢવા માટેની મુહિમ વર્ષ-૨૦૧૦થી તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ “ખેલ મહાકુંભ”ના માધ્યમથી શરૂ કરી હતી. આ મુહિમે આજે ગુજરાતના રમતવીરોને વૈશ્વિક સ્તરે ખ્યાતિ અપાવી છે. રાજ્યના રમતવીરો નેશનલ જ નહિ પરંતુ ઇન્ટરનેશનલ લેવલે પોતાનું યોગદાન આપશે અને રાજ્યનું ગૌરવ વધારશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનના એક્ટીંગ પ્રેસિડેન્ટ શ્રી અનિલ ખન્નાએ જણાવ્યું કે, ૩૬મી નેશનલ ગેઇમ્સ  માટે ગુજરાત હવે નેશનલ ગેઇમ્સ ની કમાન સંભાળવા તૈયાર છે. દેશનાં ઇતિહાસમાં પ્રથમવાર એવું થવા જઈ રહ્યું છે કે ૩૬મી નેશનલ ગેઇમ્સ માં ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં રમતવીરો ૩૬ વિવિધ રમતોની સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે. નેશનલ ગેઇમ્સ ના ઇતિહાસમાં આ વર્ષે સૌથી વધુ ૩૬ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૭ વર્ષના લાંબા સમય બાદ નેશનલ ગેઇમ્સ  યોજવા જઈ રહી છે અને ગુજરાતે માત્ર ૩ મહિનાથી ઓછા સમયમાં તેનું સફળ આયોજન કરવાના પડકારને સ્વીકાર્યો છે.

ગુજરાત રાજ્ય ઓલમ્પિક એસોસિયેશનના પ્રેસિડેન્ટ શ્રી દેવેન્દ્ર સોલંકીએ કહ્યું કે, નેશનલ ગેઇમ્સ એ ખેલાડીઓ માટે એક સ્વપ્ન છે, જે ખેલાડીઓમાં ખેલદિલી, સૌહાર્દ અને એકતાની લાગણીમાં વધારો કરે છે. ખુબ જ ટૂંકા સમયગાળામાં યોજનાર રમતોનું સ્થળ અને સમય નક્કી કરી દેવામાં આવ્યા છે. સાથો સાથ ખેલાડીઓ માટે સર્વોત્તમ રહેવા-જમવા સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારે કહ્યું કે, આજે આ શુભ અવસર પર દેશના ખૂણે ખૂણાથી ખેલાડીઓ, ખેલ પ્રબંધન સાથે જોડાયેલા લોકો અહી પધાર્યા છે ત્યારે વિવિધતાઓથી ભરેલા ભારત દેશને ઘણી વસ્તુઓ એક સૂત્રથી જોડે છે. રાષ્ટ્રીય એકતા-અખંડિતતાની ભાવના અને પારસ્પરિક મૂલ્યોનાં સન્માનને આપણી સંસ્કૃતિ સાંકળી રાખે છે. તેમાં રમતગમત ક્ષેત્રનું એક વિશિષ્ટ યોગદાન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં રમતગમત ક્ષેત્રના વિકાસને આગવી ગતિ અને નવી દિશા મળી છે તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

આ પ્રસંગે ઇન્ડીયન ઓલમ્પિક એસોસિયેશનના સેક્રેટરી જનરલ શ્રી રાજીવ મહેતા, ગુજરાત રાજ્ય ઓલમ્પિક સંઘના સચિવશ્રી આઈ.ડી.નાણાવટી તથા સ્પોર્ટસ  ઓથોરીટી ઓફ ઇન્ડિયાના સચિવ શ્રી રોહિત ભારદ્વાજ સહિતનાં અધિકારીશ્રીઓ ઉપરાંત રાજ્ય અને જિલ્લા સ્તરના સંગઠનના પ્રતિનિધિઓ, કોચ તથા ટ્રેનરો સહિત પ્રતિભાશાળી ખેલાડીઓ અને ખેલપ્રેમીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.