Western Times News

Gujarati News

ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ બે ગણો વરસાદ નોંધાયો

SEOC, ગાંધીનગર ખાતે  રાહત કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઇ

ચોમાસા દરમિયાન ચાલુ સિઝનમાં સર્વત્ર વરસાદના પરિણામે ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ ૬૭.૮૪ ટકા એટલે કે ગત વર્ષ જુલાઇ-૨૦૨૧ની સરખામણીએ ડબલ-બેગણો વરસાદ થયો છે તેમ આજે ગાંધીનગર ખાતે રાહત કમિશનરશ્રી પી.સ્વરૂપે જણાવ્યું હતું.

રાહત કમિશનરશ્રી પી.સ્વરૂપના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.

રાહત કમિશનરશ્રીએ સંબંધિત અધિકારીઓ સાથે વરસાદની સ્થિતિમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મુખ્ય ડેમ-જળાશયમાં પાણીની આવક-જાવક અને વર્તમાન સ્ટોરેજની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત ગુજરાતમાં વધુ વરસાદવાળા જિલ્લામાં થયેલી રાહત સહિતની કામગીરી સંદર્ભે વિગતો મેળવી ચર્ચા-વિચારણા પણ કરી હતી.

હવામાન વિભાગના નિયામક શ્રી મનોરમા મોહંતીએ ચાલુ સિઝનમાં અત્યાર સુધી રાજ્યમાં થયેલા વરસાદના આંકડા તેમજ આગામી સમયમાં વરસાદની સ્થિતિ અંગેની વિગતો રજૂ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ હાલમાં ૧૨૮.૬૮ મીટર એટલે કે ૫૯.૯૫ ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના ૫૪ ડેમ-જળાશય હાઇ એલર્ટ, ૭ એલર્ટ અને ૧૬ જળાશયોમાં વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

આ બેઠકમાં રાહત નિયામકશ્રી સી.સી. પટેલ, ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, બાયસેગ, પંચાયત વિભાગ, ફિશરીઝ, પશુપાલન, ફોરેસ્ટ, GMB, GSDMA સહિતના અઘિકારીઓ હાજર રહી જરૂરી વિગતો આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.