Western Times News

Gujarati News

બ્રેઇનડેડ થયેલા દ્વારકાના હમીરભાઇની બે કિડની અને એક લીવરનું દાન મળ્યું

પવિત્ર શ્રાવણ માસમાં દાનનો મહિમા અનેરો છે ત્યારે દેવોની ભૂમિ દ્વારકાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું અંગદાન

શ્રાવણ માસના શરૂઆતની પૂર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૮૨મું અંગદાન

૨૯ મી જીલાઇ થી ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆત થશે. શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોળાનાથની ભક્તિ , પૂજા અને આસ્થાનો મહિનો. શ્રાવણ મહિનામાં દાનનો મહિમા પણ અનેરો છે.

શાસ્ત્રોમાં કોઇપણ પ્રકારના દાનને પુણ્યનું કાર્ય ગણવામાં આવ્યું છે જ્યારે દાન કરનારને યોદ્ધા જેવું સન્માન મળે છે.  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શ્રાવણ મહિનાની પૂર્વ સંધ્યાએ દેવોની ભૂમિ દ્વારકાથી અંગદાન થયું છે.

દેવભૂમિ દ્વારકાના 60 વર્ષીય હમીરભાઇ ગોરીયાને 25 મી જુલાઇના રોજ માર્ગ અકસ્માત થતાં સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા હમીરભાઈને સારવાર દરમિયાન તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. હમીરભાઇ બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી.

હમીરભાઇનાં અંગોના રીટ્રાઇવલમાં બે કિડની અને એક લીવરનું દાન મળ્યું. જેને અમદાવાદ સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ જરૂરિયાતમંદ પીડિત દર્દીમાં પ્રત્યારોપણ કરીને નવજીવન બક્ષવામાં આવ્યું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડ્ન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, શ્રાવણ મહિનાના પ્રારંભે અમદાવાદ સિવિલમાં 82મું અંગદાન થયું છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં થયેલ 82 અંગદાનમાં 259 અંગોને પ્રોક્યોર કરવામાં આવ્યા છે. જેમાં 134 કિડની, 70 લીવર, 21 હૃદય, 9 સ્વાદુપિંડ, 6 હાથ, 9 ફેફસાં અને 1 નાના આંતરડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 44 આંખ પણ ડોનેશનમાં મળી છે. આ તમામ અંગોના પ્રત્યારોપણથી 236 લોકોને નવું જીવન આપવામાં સફળતા મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.