આજે દાદરા અને નગર હવેલીમાં મુકિત દિવસ હર્ષોલ્લાસથી ઉજવાશે
(પ્રતિનિધી) સેલવાસ, દાદરા અને નગર હવેલીનો ૬૯ મો મુકિત દિવસ મંગળવારે કલેકટર કચેરી પરિસરમાં ઉજવવામાં આવશે. વરસાદને ધ્યાનમાં રાખીને વોટર પ્રુફ મંડપ તૈયાર કરવામાં આવી રહયો છે. પોલીસ, રિઝર્વ બટાલિયન, હોમગાર્ડ ટીમ અને એનસીસી કેડેટ્સ પરેડની તૈયારીમાં વ્યસ્ત છે.
સરકારી વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય પક્ષોના વડાઓ મુક્તિ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ધ્વજ વંદન પહેલા કલેક્ટર ભાનુ પ્રભા, નગરપાલિકાના સભ્યો અને સરકારી વિભાગીય અધિકારીઓ સાથે ઝંડા ચોક સ્થિત શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરશે.
આ પછી ૯ વાગ્યે મુક્તિ દિવસના કાર્યક્રમમાં કલેક્ટર કચેરી પાસે ધ્વજવંદન થશે. સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તમામ સરકારી કચેરીઓ અન્ય દિવસોની જેમ જ કાર્યરત રહેશે. દાદરા નગર હવેલી ૨ ઓગસ્ટ ૧૯૫૪ના રોજ પોર્ટુગીઝોની ગુલામીમાંથી મુક્ત થઈ હતી. આઝાદી પછી, ૧૯૬૧ માં, તે ભારતીય પ્રજાસત્તાકમાં સંઘ વહીવટ તરીકે સામેલ કરવામાં આવ્યું હતું.