Western Times News

Latest News from Gujarat India

કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૨માં ગુજરાતના પાંચ યુવાનોએ મેડલ જીતી ગૌરવ વધાર્યું: હર્ષ સંઘવી

નવનિર્મિત ભવન રમતગમત ક્ષેત્રે ગુજરાતને અગ્રિમ હરોળમાં લઈ જશે:  -રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના વહીવટી ભવનનું લોકાર્પણ

૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨નું સુચારું આયોજન આ ભવન ખાતેથી થશે- 

ગુજરાતને રમતગમત ક્ષેત્રે આગળ ધપાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહી છે. ગાંઘીનગર ખાતે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના મુખ્ય વહીવટી ભવનનું લોકાર્પણ કરતા રમતગમત અને યુવક સેવા પ્રવૃત્તિઓના રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ નવનિર્મિત વહીવટી ભવન ગુજરાતના હજારો યુવાનોને રમતગમત ક્ષેત્રે દેશમાં અગ્રિમ હરોળમાં લઈ જશે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અગામી ૨૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓકટોબરમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સ-ર૦રરની યજમાની કરવાની સુવર્ણ તક ગુજરાત રાજ્યને મળી છે ત્યારે રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ વતી નેશનલ ગેમ્સના સુચારુ આયોજન માટે સચિવાલય તરીકે આ  વહીવટી ભવન કાર્ય કરશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૨માં ગુજરાતના પાંચ યુવાનોએ મેડલ જીતી ટીમ ઇન્ડિયા તરીકે સારો ઉત્કૃષ્ટ દેખાવ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આગામી ઓલિમ્પિક રમતો માટે પણ ગુજરાતના વધુમાં વધુ યુવાનો તૈયાર કરવા પ્રયત્નશીલ છે.

ઉલ્લેખનીય છે કે, વહીવટી ભવનના બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા સેક્ટર-૧૩, ગાંધીનગર ખાતે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વિકસાવવા માટે તથા કુલ ૨૫ એકર જમીન ફાળવવામાં આવી છે. જેનો બાંધકામ ખર્ચ રૂ. ૧૩૨૩.૪૦ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સંકુલમાં ખેલાડીઓના નિવાસ માટે ર૦૦ની ક્ષમતાવાળી એરકંડીશનિંગ સહિતની સ્પોર્ટસ હોસ્ટેલનું રૂ. ૮૨૫ લાખના ખર્ચે કામગીરી પૂર્ણતાના આરે છે.

કેમ્પસમાં ૪૦૦ મીટર સિન્થેટિક એથ્લેટિક ટ્રેક તેમજ ફૂટબોલ ગ્રાઉન્ડની કામગીરીનું રૂ. ૭૪૫.૩૩ લાખની કામગીરી પણ કરવામાં આવનાર છે. ભવિષ્યમાં કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાસભર હાઈ-પર્ફોર્મન્સ સેન્ટર તેમજ બાસ્કેટ બોલ કોર્ટ, ટેનીસ કોર્ટ, વોલીબોલ કોર્ટ, હેન્ડબોલ કોર્ટ, ખો-ખો, કબડ્ડી જેવા વિવિધ આઉટડોર કોર્ટ બનાવવાનું પણ આયોજન છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના લિફ્ટ સહિતના ત્રણ માળ ધરાવતા આ વહીવટી ભવનમાં વિવિધ શાખાઓનો સમાવેશ થાય છે.

જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી, પ્રથમ માળે ડાયરેક્ટર જનરલશ્રી, સચિવશ્રી, ચીફ કોચ, વિવિધ શાળાના વડાઓની કચેરી તેમજ કોન્ફરન્સ રૂમની સુવિધા ઊભી કરવામાં આવી છે. બીજા માળે એકાઉન્ટ શાખા,

DLSS શાખા, શક્તિદૂત શાખા, સેન્ટર ઓફ એકસેલન્સ,  ચીફ કોચ શાખા, ટેન્ડર શાખા, એસ.જી.એફ.આઈ. શાખા, ઇન-સ્કુલ શાખા તથા જનરલ રેકોર્ડ રૂમની વ્યવસ્થા તેમજ ત્રીજા માળે પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ, ખેલ મહાકુંભ શાખા તથા કેન્ટીન જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers