ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી વધતાં તંત્ર એલર્ટ
ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવતા તંત્ર દ્વારા ૮૦૦ થી વધુ લોકો અને પશુધનનું સ્થળાંતર.
સરદાર સરોવર નર્મદા ડેમ માંથી પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી વધતાં તંત્ર એલર્ટ.
(વિરલ રાણા) ભરૂચ,સરદાર સરોવર નર્મદા ડેમ માંથી ૫.૪૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી ૨૫ ફૂટથી વધુ પહોંચતા જીલ્લામાંથી કુલ ૮૦૦થી વધુ લોકો અને પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.સાથે પૂર્વ પટ્ટી વિસ્તારના ગામોના લોકોનું પણ સ્થળાંતર કરાયું હોવાની માહિતી સાંપડી રહી છે.ભરૂચમાં નર્મદા નદીમાં સતત સપાટીમાં વધારો થતા તંત્ર પણ એલર્ટ રહ્યું છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સતત ડેમોની અંદર પાણીની આવક વધી રહી છે.જેના પગલે સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે.સૌપ્રથમ કરજણ ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યા બાદ હવે સરદાર સરોવર ડેમમાંથી પાણીનો પ્રવાસ સતત અવિરત પાણી છોડવામાં આવી રહ્યો છજેના પગલે નર્મદા નદીમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થયું છે.નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સાથે કેટલાય લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે.સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે.
ગતરોજ ૨ લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.જેને પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરાયા હતા, ત્યારે આજરોજ ડેમમાંથી ૫.૪૫ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું.જેના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે.ગતરોજ રાતે નદીની વોર્નિંગ લેવલ સપાટી વધી હતી, ત્યારે આજે નદીની સપાટીમાં સતત વધારો થયો છે.
નદીની સપાટી વધીને ૨૫ ફૂટ ઉપરથી વધુ પહોંચી છે.જેના પગલે ભરૂચ ઉપર પુરનું સંકટ ઉભું થતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું.ભરૂચ જિલ્લાના નદી કાંઠાના નિચાણવાળા વિસ્તારોમાં વસતા ૫૩ જેટલા કુટુંબના ૧૮૬થી વધુ અને પશુધનનું સ્થળાંતર કરાયું છે.જે લોકોને દાંડિયા બજાર મિશ્ર શાળા ક્રમાંક-૬ ખાતે સ્થળાંતર કરી તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
તો શાળા ખાતે પાલિકા દ્વારા દવા પણ છાંટવામાં આવી હતી.પુરના સંકટ વચ્ચે નગરપાલિકાની રેસ્કયુ ટીમ, સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ તેમજ સ્થાનિક નગરસેવકો સહિત આગેવાનો ખડેપગે રહી સેવાકાર્યમાં જોડાયા છે.જ્યારે અંકલેશ્વર તાલુકાના સરફૂદ્દીન ગામના ૫૦૦ અને ખાલપિયા ગામના ૧૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.જોકે અત્યાર સુધી જીલ્લામાં ૮૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
જોકે સતત હજુ પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે જેના પગલે નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સાથે ખેડૂતોને પણ સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવતા કેટલાક નીચાણવાળા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી મળવાના કારણે ફરી એકવાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને ખેડૂતોના ખેતરોમાં પાણી ફરીવાર ખેતીને મોટું નુકસાન થાય તેઓ ભય ઊભો થયો છે.