Western Times News

Gujarati News

મોતની છલાંગ લગાવી આપઘાત કરનાર યુવતીને જીવના જોખમે બચાવી પોલીસકર્મીએ

 

ત્રણ મહીનાથી ચાલી રહેલા ઘર કંકાસના કારણે તે પિયેર આમોદ ખાતે ચાલી ગઈ હતી.

કપરી પરિસ્થિતિના કારણે પરિવાર અને પતિ બંનેને પોતાના બોજથી મુક્ત કરવાની હતાશા સાથે તે આત્મહત્યા કરવા પહોંચી હતી ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ખાતે.

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચમાં પોલસીકર્મીએ પોતાના જીવન જોખમે નર્મદા મૈયા બ્રિજ ઉપર લટકી પડેલી યુવતીને બચાવી લીધી છે.યુવતી આત્મહત્યા કરવાના ઈરાદે નર્મદા બ્રિજ ઉપર આવી હતી.જે રેલિંગ ઉપર ચઢી ભયજનક સપાટીથી ઉપર વહેતી નર્મદના ધસમસતા પ્રવાહમાં સમાવા જઈ રહી હતી.ત્યાં અચાનક ભરૂચ સી ડિવિઝન પોલીસ આવી પહોંચી હતી.

ASI શૈલેષ ગોરધનભાઈ નાઈ ની નજર આ યુવતી ઉપર પડતા તેમણે બ્રિજની પેરાપેટ વોલ કૂદી ફૂટપાથ ઉપર પહોંચી ગયા હતા.આ દરમ્યાન યુવતીએ છલાંગ લગાવી દીધી હતી.જે નદીમાં પડે તે પહેલાજ પોલીસકર્મીએ તેનો હાથ પકડી લેતા બ્રિજ ઉપરથી યુવતી લટકી પડી હતી.

બ્રિજ ઉપરથી નદીનો ધસમસતો પ્રવાહ જોવાથી ચક્કર આવી જાય છે તેમાં સંજોગોમાં એક પાઈપના સહારે લટકતી યુવતીને ૫૫ વર્ષીય ASI શૈલેષ નાઈએ પકડી રાખી હતી.એક સમયે ASI પણ નદીમાં પડી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.જોકે નજીકમાં ઉભેલી પોલીસ વાન માંથી દોડી આવેલા અન્ય ત્રણ પોલીસકર્મીઓએ આ બન્નેને બચાવી લીધા હતા.

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમ માંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવી રહયું છે.ડાઉન સ્ટ્રિમમાં નર્મદા નદીમાં પાણીની વધુ આવક હોવાના કારણે નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.લોકો પણ મોટી સંખ્યામાં પૂરના ધસમસતા પાણી જોવા બ્રિજ અને નર્મદા કાંઠે ધસી રહ્યા છે.

કોઈ અનીચ્છીનીય બનાવ ન બને તે માટે ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા ભરૂચ સીટી સી ડીવીઝન પો.સ્ટે.ના પોલીસ ઈન્સ્પેકટર એસ એમ દેસાઈ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને નર્મદા મૈયા બ્રીજ ઉપર સતત પેટ્રોલીંગની સૂચના આપી હતી.પોલીસ નર્મદા મૈયા બ્રિજમાં ઉભેલા લોકોને બ્રિજની બહાર મોકલી રહી હતી ત્યારે બ્રીજ ઉપર એક યુવતી એકલી ઉભેલી નજરે પડી હતી.

જેને બ્રિજની બહાર નીકળવા સૂચના આપવામાં આવતા તે નદી તરફથી રેલિંગ પાસે પહોંચી ગઈ હતી.પોલીસ તેની સાથે કોઈ વાતચીત કરવાનો પ્રયત્ન કરે તે પહેલાજ યુવતીએ રેલિંગ ઉપર ચઢી નદીમાં છલાંગ લગાવવા પ્રયત્ન કર્યો હતો.આ સમયે ASI શૈલેષભાઈ નાઈ એ સતર્કતા દાખવી દોડી યુવતીનો હાથ પકડી લીધો હતો.આ દરમ્યાન યુવતી નદી તરફ હોવાના કારણે લટકી પડી હતી.

હવે એક નહિ પણ બે લોકોના નર્મદા નદીમાં પડી જવાનો ભય દેખાતો હતો.આમ છતાં જાંબાઝ પોલસીકર્મીએ પોતાના જીવની પરવાહ કાર્ય વગર એક હાથથી રેલિંગનો પાઇપ જકડી રાખી બીજા હાથે યુવતીને  પકડી રાખી હતી.નજીકમાં ઉભેલી પોલીસવાન માંથી અન્ય સ્ટાફ દોડી આવ્યો હતો અને ASI સહીત બંને વ્યક્તિઓને સલામત બચાવી લેવાયા હતા.

યુવતીને પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતા તે આમોદની વતની હોવાનું અને લગ્ન નેત્રંગ તાલુકામાં એક વર્ષ અગાઉ થયા હોવાનું જણાવ્યું હતું.આશરે ત્રણ મહીનાથી ચાલી રહેલા ઘર કંકાસના કારણે તે પિયેર આમોદ ખાતે ચાલી ગઈ હતી. કપરી પરિસ્થિતિના કારણે પરિવાર અને પતિ બંનેને પોતાના બીજમુક્ત કરવાની હતાશા સાથે તે આત્મહત્યા કરવા પહોંચી ગઈ હતી જેને પોલીસે બચાવી લીધી હતી.

યુવતીને બચાવ્યા બાદ કામગીરી પૂર કરવાનો સંતોષ ન માની ડિપ્રેશનનો સામનો કરી રહેલી યુવતીનુ પોલીસ ઈન્સ્પેકટર એસ.એમ.દેસાઈ સાહેબ દ્વારા કાઉન્સિલીંગ કરાયું હતું.યુવતીને માતા – પિતાનો સપર્ક કરી સોંપવામા આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.