Western Times News

Gujarati News

પ્રેમીને પામવા પતિની હત્યા કરાવનાર મહિલા- પ્રેમી સહિત સાતને આજીવન કેદ

પ્રતિકાત્મક

બોરસદના કંકાપુરાના યુવાને પરણિતાને પામવા ધુવારણ ગામે રહેતા તેણીના પતિની દોરડું બાંધી કમકમાટી ભરી હત્યા કરી હતી

આણંદ, બે વર્ષ પહેલા બોરસદના કંકાપુરાના યુવાને પરણિતાને પામવા ધુવારણ ગામે રહેતા તેના પતિને બોલાવી તેની હાજરીમાં જ પોતાના પાંચ સાગરીતો સાથે તેના ઘરે દોરડું બાંધી કમકમાટી ભરી હત્યા કરી હતી અને મૃતદેહને મોટી શેરડી ગામે ફેંકી દીધો હતો. અંગેનો કેસ આણંદના સત્ર ન્યાયાધીશ વિક્રમસિંહ બલવંતસિંહ ગોહિલની કોર્ટમાં ચાલી જતાં વિદ્ધાન ન્યાયધીશે તમામ સાત આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

ખંભાત તાલુકાના ધુવારણ ગામના ગુલાબસિંહ ચંદુભાઈ ગોહેલ નામનો યુવાન પોતાની પત્ની દક્ષાબેન તથા પરિવાર સાથે રહેતો હતો. દક્ષાને બોરસદ તાલુકાના કંકાપુરા ગામની ભચુડીયા તલાવડી પાસે રહેતા અર્જુન ઉર્ફે અજીત પ્રભાતસિંહ પરમાર (ઉ.ર૮) સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ દક્ષાનો પતિ ગુલાબસિંહ તેમાં બાધારુપ બનતો હતો

એટલે અજીતે તેનું કાસળ કાઢવાનું નકકી કર્યું હતું જેના ભાગરૂપે તા.૭ સપ્ટે. ર૦ર૦ના રોજ દક્ષાએ પોતાના પ્રેમી અજીત સાથે કાવતરુ ઘડી પતિ ગુલાબસિંહને બપોરના અરસામાં ધુવારણથી બદલપુર લઈ ગઈ હતી ત્યાંથી અજીતે ગુલાબને લોન અપાવવાના બહાના હેઠળ કંકાપુર લઈ ગયો હતો.

જયાં અજીતે રીક્ષામાં ઘનશ્યામ ઉર્ફે ઘનો, લાલજી ઉર્ફે લાલો, કુલદીપસિંહ ઉર્ફે કુદો, અને ધર્મેન્દ્રસિંહ અને ધમાને બેસાડયો હતો ત્યાંથી બોરસદ-ધુવારણ રોડ ઉપર ફેરવી બોરસદની કે.જી. હોટેલેથી પાછી વાળી છીણાપુરા સીમના કોતરોમાં લઈ ગયા હતા જયાં તમામે ગળા પર દોરડું બાંધીને ગુલાબસિંહને મોતને ઘાટ ઉતાર્યો હતો. આઠ વાગે લાશને રીક્ષામાં મુકીને તેનો નીકાલ કરવા નીકળ્યા હતા.

આ દરમ્યાન તેમણે ખોડાભાઈ ઉર્ફે પોટલી પ્રભાતસિંહ પરમાર (ઉ.વ.૩૧)ને પણ બોલાવી લીધો હતો. અને ત્યારબાદ આ લોકોએ મોટી શેરડી જવાના રોડ ઉપર કોશ્ટા તલાવડી પાસે લાશ ફેંકી દીધી હતી અને ભાગી ગયા હતા. બીજા દિવસે લાશ મળતા બોરસદ પોલીસે મૃતદેહ કબજે લઈ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ આરંભી હતી

અને છ હત્યારા તથા લાશ નિકાલમાં સાથ આપનાર પોટલી સહિત સાતને ઝડપી પાડયા હતા. આ કેસ ચાલવા પર આવ્યો હતો. જયાં જિલ્લા સરકારી વકીલ એન.પી. મહિડા હાજર રહ્યા હતા તેમણે ૮ર દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા અને ૩૬ સાહેદો તપાસ્યા બાદ મહિલા સહિત સાત આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.