Western Times News

Gujarati News

જાગરણ મીડિયા ગૃપ દ્વારા ગુજરાતમાં ‘ગુજરાતી જાગરણ’ ન્યૂઝ પોર્ટલનું લોન્ચિંગ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ગુજરાતી જાગરણ’ ન્યૂઝ પોર્ટલના પ્રારંભ

પત્રકારત્વ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે ત્યારે આજે ડિજિટલ માધ્યમો આધુનિક પત્રકારો માટે મહત્વના બની ગયા છે-વિદેશી મૂડી રોકાણ, એક્સપોર્ટ અને ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત નંબર વન બન્યું છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જાગરણ ગ્રૂપના ‘ગુજરાતી જાગરણ’ ન્યૂઝ પોર્ટલનો પ્રારંભ પ્રસંગે જણાવ્યું હતું કે, ઓફલાઇન અને ઓનલાઈન બંને માધ્યમ પર અગ્રેસર રહેલા અખબારી ગ્રુપનો ગુજરાતમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત વતી જાગરણ ગ્રુપને શુભકામના પાઠવું છું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પત્રકારત્વ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે ત્યારે આજે ડિજિટલ માધ્યમો આધુનિક પત્રકારો માટે મહત્વના બની ગયા છે. જાગરણ ગ્રુપ નવ જેટલા વિવિધ પ્લેટફોર્મ દ્વારા દર્શકોને માહિતી અને મનોરંજન પૂરું પાડે છે. એટલુ જ નહી જાગરણ ગ્રુપ દર્શકોને જાગૃત રાખવાનું દાયિત્વ પણ નિભાવે છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિથી દેશની કાયાપલટ કરી છે. આજે ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર છે. વિદેશી મૂડી રોકાણ એક્સપોર્ટ અને ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત નંબર વન બન્યું છે અને આ બધું શ્રી નરેન્દ્રભાઈ મોદીની અર્થાત પરિશ્રમ અને લીડરશીપના કારણે શક્ય બન્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતના વિકાસની વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત થકી ગુજરાતમાં નવો અધ્યાય શરૂ કર્યો છે.  શ્રી નરેન્દ્રભાઈએ વિકાસના એવા પાયા નાખ્યા કે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. આ વિકાસયાત્રાને મક્કમ ગતિથી આગળ વધારવા હું અને મારી ટિમ પ્રતિબદ્ધ છીએ.

ગુજરાતની આ વિકાસગાથાને વિશ્વભરમાં પ્રસરાવવામાં જાગરણ મીડિયા ગ્રુપનું આ નવું ન્યૂઝ પોર્ટલ અને વેબસાઈટ સંવાહક બનશે તેવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

આ અવસરે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપ પરમારે ગુજરાતી જાગરણ વેબ પોર્ટલના લોન્ચિંગ પ્રસંગે અભિનંદન આપતા કહ્યું હતું કે, આ પોર્ટલના માધ્યમથી સમગ્ર ગુજરાતના છેવાડાના લોકો સુધી તટસ્થ માહિતી પહોંચે તેવી આશા રાખીએ છીએ.

રાજ્યમંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, જાગરણ ગ્રુપ વર્ષોથી સમાચારોમાં આગળ રહેલું છે. ત્યારે ગુજરાતમાં જાગરણ ગુજરાતીના લોન્ચિંગ પ્રસંગે સૌને અભિનંદન પાઠવું છું. આ પ્રસંગે કર્ણાવતી મહાનગરના પ્રમુખશ્રી અમિતભાઈ શાહ, સંતો, વરિષ્ઠ પત્રકારો સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.