Western Times News

Gujarati News

ગાંધીનગરમાં ૧૧માં એગ્રી એશિયા પ્રદર્શન ખુલ્લું મુકાયું

ખેતીમાં ટેક્નોલોજીયુકત અભિગમથી પાકવૃદ્ધિ અને કિસાન સમૃદ્ધિની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની નેમમાં ગુજરાત ખેતીને પ્રાથમિકતા આપી અગ્રેસર છે

રાજ્ય-કેન્દ્ર સરકારની કૃષિ કલ્યાણ યોજનાઓનું વિશેષ પેવેલિયન પ્રદર્શનના મુખ્ય આકર્ષણો

ભારતમાં કૃષિ અને પશુપાલન વર્ષોથી એકબીજાના પૂરક રહ્યા છે ત્યારે ‘એગ્રી એશિયા પ્રદર્શન’ તેમાં વધુ પ્રોત્સાહક બળ પૂરું પાડશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ૧૧માં એગ્રી એશિયા પ્રદર્શનને ખૂલ્લું મુકતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ખેતીમાં સમયાનુકુલ અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી પાકવૃદ્ધિ અને કિસાન સમૃદ્ધિની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની નેમ સાકાર કરવામાં ગુજરાત ખેતીને પ્રાથમિકતા આપીને અગ્રેસર રહ્યું છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ખેડૂતોની આવક બમણી કરી કૃષિ અર્થતંત્રને મજબૂત બનાવવા વડાપ્રધાનશ્રીએ જે કિસાન હિતકારી યોજનાઓ દેશને આપી છે તેનો સુચારૂ અમલ ગુજરાતમાં થઇ રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં ખેતી, ગામડુ, છેવાડાના માનવીના સર્વગ્રાહી વિકાસ માટેનો મજબૂત પાયો નાંખ્યો છે. ગુજરાત આજે કૃષિ, ઉદ્યોગ, એક્સપોર્ટ, નાણાંકીય વ્યવસ્થાપન, કોવિડ મેનેજમેન્ટ સહિત સર્વાંગી ક્ષેત્રે દેશમાં રોલમોડેલ બન્યું છે તેના મૂળમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલી વિકાસની રાજનીતિ અને સૌના કલ્યાણનો મંત્ર છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ખેતી ક્ષેત્રે ટેક્નોલોજીનો ઉપયોગ થાય તે સાથે પોષણયુકત ખેતી માટે નેચરલ ફાર્મીંગ-પ્રાકૃતિક ખેતીનો પણ વ્યૂહ સરકારે અપનાવ્યો છે. રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ઉપરાંત ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગથી ખેતી ક્ષેત્રના સમ્યક વિકાસ માટે ખેતીને પ્રાથમિકતા આપે છે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતે કૃષિક્રાંતિ, વાયબ્રન્ટ સમિટથી ઔદ્યોગિક રોકાણોની વ્યાપક સફળતા, એફ.ડી.આઇ મેળવવામાં અગ્રીમસ્થાન અને નીતિ આયોગના ગુડગર્વનન્સ તેમજ ફાયનાન્સિયલ મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં અગ્રેસર રહેવાની પરંપરા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વ અને માર્ગદર્શનમાં જાળવી રાખી છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોને વિશ્વના પ્રવાહ અનુરૂપ પાક પદ્ધતિ અને કૃષિ જ્ઞાન-વિજ્ઞાન ઘર આંગણે પૂરા પાડવામાં આવા પ્રદર્શનો ઉપકારી બનશે.

તેમણે પ્રદર્શનીના જર્મની પેવેલિયન, પ્રાકૃતિક ખેતી વિષયક પેવેલિયન-ડ્રોન પેવેલિયન સહિતના વિવિધ પેવેલિયન અને સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી.

મત્સ્યોદ્યોગ પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ આ ‘એગ્રી એશિયા’ના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતમાં કૃષિ અને પશુપાલન વર્ષોથી એકબીજાના પૂરક રહ્યા છે ત્યારે આ ત્રિદિવસીય એગ્રી એશિયા અને ૯મું પશુપાલન-ડેરી ટેકનોલોજી પ્રદર્શન તેમાં વધુ પ્રોત્સાહક બળ પૂરું પાડશે.

કોરોનાના કારણે વૈશ્વિક મંદીના માહોલમાં પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વમાં ભારત આજે વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની છે. ભારતીય અર્થ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ગુજરાતની ભૂમિકા પણ અગત્યની રહી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની પશુપાલન હિતલક્ષી નીતિઓ તેમજ પશુપાલકોના પરિશ્રમને પરિણામે ગુજરાતના પશુપાલકો આજે દૈનિક રૂપિયા ૧૫૦ કરોડની માતબર રકમનું દૂધ ભરાવી રહ્યા છે જે દૂધ સહકારી ક્ષેત્રે એક મોટી સિદ્ધિ છે. તેમ શ્રી રૂપાલાએ જણાવ્યું હતું.

મંત્રી શ્રી રૂપાલાએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સૌપ્રથમ ગુજરાતમાં પશુપાલન સાથે જોડાયેલી કામધેનું યુનિવર્સિટીની સ્થાપના અને કૃષિ મહોત્સવ થકી દેશને પશુપાલન અને કૃષિ સંશોધન ક્ષેત્રે નવી દિશા આપી છે. કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના ખેડૂતોને ઝીરો ટકાએ કૃષિ ધિરાણ આપવામાં આવે છે.

વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ભારતભરના ખેડૂતો આજે ડ્રોન ટેકનોલોજી થકી ખેતી કરતાં થયાં છે તેમાં પણ ગુજરાત સરકારે ખેડૂતોને ડ્રોન થકી ખેતીમાં દવાના છંટકાવ પર સબસિડી આપીને દેશને નવો રાહ ચિંધ્યો છે.

કૃષિ-પશુપાલન સંબંધિત વિવિધ સ્ટોલ્સની મુલાકાત તેમજ વિવિધ સેમિનારમાં સહભાગી થવા કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉપસ્થિત ખેડૂત ભાઈ-બહેનોને અનુરોધ કરીને આ સુંદર આયોજન બદલ મુખ્યમંત્રીશ્રી સહિત અધિકારીઓ અને આયોજકોને અભિનંદન આપ્યાં હતા.

આ પ્રસંગે GPDFAના ચેરમેન ડૉ. ભરતભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરીને તા. ૯ સપ્ટેમ્બરથી શરૂ થયેલાં ત્રિદિવસીય ૧૧માં એગ્રી એશિયા અને ૯માં પશુપાલન-ડેરી ટેકનોલોજી પ્રદર્શનની વિસ્તૃત રૂપરેખા આપી હતી.

આ પ્રદર્શનમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ થીમના આધારિત પેવેલિયનની સાથેસાથે અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઈઝર્સ, ઈફકો, GGRC સહિત કૃષિ અને પશુપાલન સંબંધિત ટેકનોલોજી આધારિત વિવિધ કંપનીઓના સ્ટોલ્સનો આ પ્રદર્શનમાં સમાવેશ થાય છે.

આ એક્ઝિબિશન પ્રારંભ પ્રસંગે GCMMFના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ, પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી, મહારાષ્ટ્રના સાંસદ ડૉ. અનિલજી, ગુજરાત એગ્રોના પૂર્વ ચેરમેન અને ભાજપ અગ્રણી શ્રી બાબુભાઈ જેબલિયા, પ્રદર્શનમાં પાર્ટનર કન્ટ્રી જર્મનીના શ્રીયુત્ત સ્ટિફન, ગુજરાતના કૃષિ, ખેડૂત ક્લ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મૂકેશ પુરી, ઉચ્ચ અધિકારીઓ, કૃષિ-પશુપાલન સાથે જોડાયેલાં ઉદ્યોગપતિઓ, પ્રગત્તિશીલ ખેડૂત ભાઈ-બહેનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.