Western Times News

Gujarati News

સાયન્સ સિટી ખાતે બે દિવસીય “સેન્ટર સ્ટેટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્ક્લેવ”

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તા.૧૦મી સપ્ટેમ્બરે કોન્ક્લેવનું ઉદ્ઘાટન વર્ચ્યુઅલી કરશે : વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી

તા.૧૧ સપ્ટેમ્બરે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આ કોન્ક્લેવના સમાપન સમારોહમાં હાજરી આપશે

૨૮ રાજ્યોના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીશ્રીઓ, ૮ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો ઉપરાંત ૨૫૦ થી વધુ ડેલીગેટ્સ આ કોન્ક્લેવમાં જોડાશે

ટેક્નોલોજીના યુગમાં દેશના યુવાનોને વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં જરૂરી પ્લેટફોર્મ પૂરૂ પાડવા ઉપરાંત દેશમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રનાં પડકારો-રાજ્યોની જરૂરિયાતો અને રાજ્યોમાં STI (સાયન્સ ટેક્નોલિજી એન્ડ ઇનોવેશન) માટેના વિઝનને પહોંચી વળવાના ખાસ ઉદ્દેશ્ય સાથે ગુજરાતમાં સાયન્સ સિટી,

અમદાવાદ ખાતે બે દિવસીય “સેન્ટર સ્ટેટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્ક્લેવ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આવતી કાલે તા.૧૦મી સપ્ટેમ્બરે સવારે ૧૦.૩૦ કલાકે વર્ચ્યુઅલી આ બે દિવસીય કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે.

વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ આ કોન્ક્લેવની માહિતી આપતા જણાવ્યુ છે કે, ભારત સરકાર અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આગામી તા.૧૦ અને ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે બે દિવસીય કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યુ છે.

STI વિઝન ૨૦૪૭ સાથે પ્રથમ વખત યોજાઇ રહેલી આ કોન્ક્લેવ અંતર્ગત “અનુસંધાન સે સમાધાન”ની ટેગ લાઇન સાથે વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સંબંધિત નવી ટેક્નોલોજી અને “જીવનની સરળતા”પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ  વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત કાર્યરત ગુજકોસ્ટ તથા સાયન્સ સિટી દ્વારા ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ સાથે સંકલન સાધી આ કોન્ક્લેવનુ આયોજન થઈ રહ્યુ છે.

જેમા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આવતી કાલે તા.૧૦મી સપ્ટેમ્બરે સવારે ૧૦.૩૦ કલાકે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓના આ બે દિવસીય વિજ્ઞાન કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે. જ્યારે તા.૧૧ સપ્ટેમ્બરે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આ કોન્ક્લેવના સમાપન સમારોહમાં હાજરી આપશે.

મંત્રીશ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યુ કે, સમગ્ર કોન્ક્લેવમાં કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં ઉદ્ઘાટન સત્ર, લીડરશિપ સત્ર અને ૯ પ્લેનેરી સત્રો યોજાશે. ઉપરાંત કોન્ક્લેવમાં તમામ ૨૮ રાજ્યોના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓ, ૮ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો હાજરી આપશે. એટલુ જ નહિ, ૨૫૦ થી વધુ ડેલીગેટ્સ આ કોન્ક્લેવમાં જોડાશે. આ તમામ કાર્યક્રમ સાયન્સ સિટી, વિજ્ઞાન ભવન ખાતે યોજાશે.

કોન્ક્લેવના સત્રોમાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર, નીતિ આયોગ સચિવશ્રી, ડીએસટી સચિવશ્રી, ટોચના વૈજ્ઞાનિકશ્રીઓ, વરિષ્ઠ સ્તરના શિક્ષણવિદો અને નીતિ નિર્માતાઓ પણ જોડાશે અને જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.