Western Times News

Gujarati News

અંતે ‘મહા’ વાવાઝોડું ટળ્યુંઃ ડીપ ડિપ્રેશનને કારણે વરસાદની શક્યતા

અમદાવાદ, અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું મહા વાવાઝોડું ગુજરાત તરફ રિકર્વ થયું છે. 21 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલું વાવાઝોડું ઝડપથી નબળું પડી રહ્યું છે. 7 નવેમ્બરની સવાર સુધીમાં મહા વાવાઝોડું સામાન્ય ચક્રવાતમાં પરિવર્તિત થઈને ડીપ ડિપ્રેશન તરીકે તબદીલ થશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. જો કે હવામાન વિભાગના તાજેતરના બુલેટીન મુજબ વાવાઝોડું નબળું પડ્યું છે જેને પગલે ગુજરાતીઓએ હાશકારો અનુભવ્યો હતો.

હવામાન વિભાગના ડાયરેક્ટ જયંત સરકારે જણાવ્યું હતું કે મહા વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાથી 40 કિમી દૂર જ દરિયામાં સમાધી લઈ લેશે અને તે ડીપ ડિપ્રેશનમાં તબદીલ થઈ શકે છે. જો કે આને પગલે ગુજરાતમાં આગામી બે દિવસ કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

વાવાઝોડાને લીધે બુધવાર અને ગુરુવારે સૂરત સહિત 12 જિલ્લામાં ભારે વરસાદ તેમજ 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન કરતા પણ ઓછા પવનની ઝડપે વાવાઝોડું સામાન્ય બનીને અથડાઈ શકે છે. વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકોને દરિયાકાંઠે નહીં જવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

જો કે લોકોનું સ્થળાંતર કરાયું નથી. ભારત અને બાંગ્વલાદેશ વચ્ચે રાજકોટમાં સાત નવેમ્બરના રમાનારી ટી20 મેચ ઉપર પણ મહા વાવાઝોડાનું સંકટ ઘુમરાઈ રહ્યું છે. મેચમાં વરસાદ વિઘ્નરૂપ બને તેવી સંભાવના રહેલી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જુનાગઢ, ગિર, સોમનાથ, દીવ, અમરેલીમાં 6 નવેમ્બરના 70-90 કિમની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. આ ઉપરાંત ભાવનગર, ભરૂચ, આણંદ, અમદાવાદ, બોટાદ, પોરબંદર જિલ્લામાં 60-70 સુધી અને મહત્તમ 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યા મુજબ વાવાઝોડાને પગલે માછીમારોના જીવ બચાવવા તે પ્રાથમિકતા છે. હવે ગુજરાતના સમુદ્રકિનારા આસપાસની 12600 પૈકી 12000 બોટ પરત આવી ગઈ છે. રાજ્ય સરકાર કેન્દ્રના સતત સંપર્કમાં છે. તમામ જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. એ્નડીઆરએફની 15 ટીમ અગાઉથી ગુજરાતમાં છે અને વધારાની 15 ટીમ બોલાવવામાં આવી છે. કોસ્ટગાર્ડ તેમજ નેવીના જહાજ પણ તૈનાત કરાયા છે. વાવાઝોડું સામાન્ય તીવ્રતાથી દીવથી દ્વારકાની વચ્ચે દરિયાકાંઠે લેન્ડફોલ કરી શકે તેમ છે જો કે તકેદારીને પગલે એલર્ટ યથાવત્ રાખવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.