Western Times News

Gujarati News

જૂની પેન્શન યોજના લાગુ કરવા સંદર્ભે રેલીમાં કર્મચારીઓનું ઘોડાપૂર ઉમટ્યું

સુરત, જૂની પેન્શન યોજના લાગુ કરવા સંદર્ભે છેલ્લાં કેટલાંય દિવસોથી સમગ્ર રાજ્યમાં વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા ઉપવાસ, આંદોલન, ધરણા, રેલી સહિતનાં આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. આવા કાર્યક્રમોનો કોઈ પ્રતિસાદ સરકાર તરફથી ન મળતા હવે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો મેદાનમાં આવ્યો છે.

જેનાં ભાગરૂપે આજરોજ સુરત જિલ્લાનાં માંડવી ખાતે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાનાં સુરત જિલ્લાનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી પિન્ટુકુમાર ગૌસ્વામીની આગેવાનીમાં ઝોન કક્ષાની વિશાળ રેલી યોજાઇ હતી. દક્ષિણ ઝોનની આ રેલીમાં સુરત, તાપી,

વલસાડ, ડાંગ, નવસારી અને ભરૂચ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષકો સહિત અન્ય વિભાગનાં કર્મચારીઓ ખૂબ જ મોટી સંખ્યામાં સ્વયંભૂ જાેડાયા હતાં. માંડવી નગરપાલિકાનાં મેદાનથી શરૂ થયેલ આ રેલીમાં ૧૦,૦૦૦ થી વધુ સંખ્યામાં બેનરો અને પ્લે કાર્ડ સાથે જાેડાયેલા કર્મચારીઓએ પોતાની માંગણીઓનાં સંદર્ભમાં સૂત્રોચ્ચાર કરી વાતાવરણને ગજવી મૂક્યું હતું.

માંડવી નગરનાં મેઈન ગેટ સ્થિત બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર પહેરાવી આ મહારેલી એસ.ટી. ડેપો થઈ પ્રાંત કચેરીએ પહોંચી હતી. જ્યાં ઉપસ્થિત વિવિધ જિલ્લાનાં હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાનાં સુરત જિલ્લાનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે એક વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યનાં પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક શિક્ષકો, અન્ય વિભાગનાં સરકારી કર્મચારીઓ ઉપરાંત જુદા જુદા બોર્ડ નિગમનાં કર્મચારીઓ સહિત લગભગ સાત લાખ જેટલાં કર્મચારીઓ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા સાથે જાેડાયેલા છે.

મોરચાની માંગણી જૂની પેન્શન યોજના લાગુ કરવી ઉપરાંત ફિક્સ પગાર પદ્ધતિ બંધ કરીને પૂરો પગાર ચૂકવવા કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા, કેન્દ્રનાં ધોરણે મોંઘવારી ભથ્થાનાં લાભ આપવા, પ્રાથમિક શિક્ષકો સિવાયનાઓને પણ સળંગ નોકરીનો લાભ આપવાની છે.

તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જાે આવનારા દિવસોમાં અમારી આ માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો અમો સૂચિત રાજ્યવ્યાપી મહા આંદોલનને સફળ બનાવવા સંકલ્પબદ્ધ છીએ અને રહીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારનાં વિવિધ વિભાગોમાં પહેલી એપ્રિલ, ૨૦૦૫ પછી ભરતી થયેલા કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. નવી યોજનામાં કર્મચારીની બેઝિક સેલરી અને મોંઘવારી ભથ્થાનાં ૧૦ ટકા કપાય છે. નિવૃત્તિ બાદ કર્મચારીઓને નિશ્ચિત પેન્શનની ગેરંટી મળતી નથી,

જ્યારે અગાઉ નિવૃત્તિ સમયનાં પગાર ધોરણનાં આધારે પેન્શન મળતું હતું. નવી પેન્શન યોજનાથી નિવૃત્તિ બાદ કર્મચારીઓને આર્થિક સંકડામણ પડશે તેવી દલીલ સાથે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી બળવત્તર બની રહી છે.

રાજસ્થાન અને ઝારખંડ સરકારે જૂની પેન્શન યોજના શરૂ કરતાં ગુજરાતમાં પણ તેનો અમલ કરાવવા કર્મચારીઓએ મોરચો માંડ્યો છે જેનાં સંતોષકારક પરિણામ પર સૌની મીટ મંડાયેલી છે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.