માતર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ) નડિયાદ, જિલ્લાના માતર તાલુકા ખાતે મામલતદાર કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાજર રહેલ તમામ અરજદારોના પ્રશ્નોનો જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ નિકાલ કરી તેઓને જવાબ તથા સહાય હુકમો રૂબરૂ પાઠવ્યા હતા.
અરજદારો દ્વારા વિધવા સહાય, રેશન કાર્ડ, રાષ્ટ્રીય કુટુંબ સહાયના લાભો અંગેની રજૂઆતો કરવામાં આવેલ હતી. જેનો સ્થળ પર જ નિકાલ લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા માતર તાલુકાના પુનાજ ગ્રામ પંચાયતની મુલાકાત લેવામાં આવી.
જે દરમિયાન મનરેગા અંતર્ગત ગ્રામ પંચાયત નિર્માણ તથા પ્રધાનમંત્રી આવાસ ઝડપી પૂર્ણ કરવા સૂચનો આપવામાં આવ્યા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લઇને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરી બાદ કારકિર્દી માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યુ હતું.
સાથે સાથે તેઓએ પુનાજ આંગણવાડી કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. તેઓએ ગામની કિશોરી તથા ગ્રામજનો સાથે ભણતર બાબતે ચર્ચા કરી અને કિશોરીઓને વધુ અભ્યાસ માટે પ્રોત્સાહન તથા માર્ગદર્શન આપ્યું.