અંકલેશ્વર ગોડાઉનમાંથી થયેલી મોટર ચોરીનો ભેદ ઉકેલાયો
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર જીઆઈડીસીની ગીરીરાજ હોટલ પાસે આવેલા ગણેશ એફ.આઈ.બી.સી કંપની નજીક આવેલા ત્રિકાલ ઈલેક્ટ્રીક એન્ડ રિવાઈન્ડિંગ વર્કસના ગોડાઉનમાં થયેલી ૫ એચપીની ઈમ્પોર્ટેડ મોટર ચોરીનો ભેદ ઉકેલાયો હતો.જેમાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડી ૨૦ મોટર સાથે એક મોપેડ મળીને કુલ ૧.૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ ૧૭મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર જીઆઈડીસીની ગીરીરાજ હોટલ પાસે આવેલા ત્રિકાલ ઈલેક્ટ્રિક એન્ડ રીવાઈડીગ વર્કસના ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ ગોડાઉનના પાછળના ભાગની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરીને અંદર રહેલી ૫ એચપીની ઈમ્પોટેડ ૨૦ મોટર મળી કુલ ૮૦ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ અંગે પરેશ લાલજી રાદડિયાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વર પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથધરી હતી.તે દરમ્યાન પોલીસે મૂળ કવાંટ અને હાલ પટેલનગર પાછળ ઝૂપડપટ્ટીમાં રહેતા અનવર ઉદેસીંગ રાઠવા,મુકેશ ઠાકોર જાેગી, જીગ્નેશ રણજીત રાઠવા, સુતરેશ વરજુ રાઠવા તેમજ સંતોષ મધુ કરાન્ડેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેમની પાસેથી ચોરી થયેલી ૨૦ નંગ મોટર અને એક મોપેડ કબજે કરી ૧.૨૦ લાખનો મુદ્દામાલ રીકવર કરી વધુ તપાસ હાથધરી છે.