Western Times News

Gujarati News

ભારતીય રૂપિયો ડોલરની સામે ૮૦.૮૬ની રેકોર્ડ નીચી સપાટીએ

(એજન્સી)મુંબઈ, ભારતીય ચલણ રૂપિયો ડોલર સામે આજે વિક્રમી નીચી સપાટીએ ખુલી સતત નરમ રહી ઈતિહાસમાં ક્યારેય જાેવા મળી હોય એટલી નીચી સપાટીએ બંધ આવ્યો હતો. ફોરેકસ માર્કેટમાં ટ્રેડીંગ બંધ રહ્યું ત્યારે ડોલર સામે રૂપિયો ૮૦.૮૬ની સપાટીએ બંધ આવ્યો હતો જે એક જ દિવસમાં ૮૮ પૈસાનો ઘટાડો સૂચવે છે.

ગુરુવારે ટ્રેડીંગ શરુ થયું ત્યારે ડોલર સામે રૂપિયો ૮૦.૨૮ની વિક્રમી નીચી સપાટીએ ખુલ્યા બાદ થોડી જ પળોમાં વધારે ઘટી ૮૦.૩૭ થઇ ગયો હતો. વૈશ્વિક બજારમાં અમેરિકન ડોલર ઇન્ડેક્સ ૧૧૨ની બે દાયકાની સૌથી ઊંચી સપાટીએ પહોંચતા, ફેડરલ રિઝર્વે વ્યાજના દર વધારતા આજે ડોલર સામે રૂપિયો સતત દબાણમાં રહ્યો હતો.

ભારતની ચાલુ ખાતાની ખાધ વધી રહી છે, દેશની વિદેશી હૂંડિયામણની અનામત ઘટી રહી છે તેની અસર પણ રૂપિયા ઉપર જાેવા મળી રહી છે. ગઈકાલે ફેડરલ રિઝર્વે આજે અમેરિકામાં ફેડ ફંડના દરમાં ૦.૭૫ ટકાના વધારાની જાહેરાત કરી હતી.

આ સાથે વ્યાજનો દર હવે વધી ૩ થી ૩.૨૫ ટકા વધી ગયા છે. આ સાથે અમેરિકામાં આર્થિક વૃદ્ધિ દર ઘટાડી માત્ર ૦.૨૫ ટકા કરવામાં આવ્યો છે. આટલા ઉંચા વ્યાજના દર છેલ્લે ૨૦૦૮માં જાેવા મળ્યા હતા. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ૭૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યા બાદ બેન્ચમાર્ક સૂચકાંકો ૨૨ સપ્ટેમ્બરના રોજ સતત બીજા સત્રમાં નબળા પડ્યા હતા.

છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ૩૩૭.૦૬ પોઈન્ટ્‌સ અથવા ૦.૫૭ ટકા ઘટીને ૫૯૧૧૯.૭૨ પર અને નિફ્ટી ૮૮.૫૦ પોઈન્ટ્‌સ અથવા ૦.૫૦ ટકા ઘટીને ૧૭૬૨૯.૮૦ પર બંધ રહ્યો હતો. યુએસ ફુગાવાને કાબૂમાં લેવા માટે ફેડ દ્વારા દર વધારવાના દબાણને કારણે આજે બજારમાં ટ્રેડિંગ શાંત રહ્યું હતું.

બીજી તરફ ડોલર ઈન્ડેક્સ વીસ વર્ષની ટોચે પહોંચ્યા બાદ રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો હતો. આજના કારોબારમાં લગભગ ૧૭૯૩ શેર વધ્યા, ૧૫૬૫ શેર ઘટ્યા અને ૧૩૭ શેર યથાવત રહ્યા. વીજળી, એફએમસીજી અને ઓટોને બાદ કરતાં અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો એક ટકાથી વધુ ઘટ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.