Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મ્યુનિ. કોંગ્રેસે વકરી રહેલ રોગચાળા મુદ્દે ઉગ્ર દેખાવો કર્યાં

ભાજપ ઉજવણીમાં મસ્ત – પ્રજા રોગચાળામાં ત્રસ્ત ઃ કોંગ્રેસ

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં સ્વાઈનફલ્યુ તથા મચ્છરજન્ય રોગોના અનેક કેસો થવા પામેલ અને અનેક ફરિયાદો કરવાં છતાં તંત્ર કે સત્તાધારી પક્ષ દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતાં દિન-પ્રતિદિન રોગચાળો વધુ વિસ્તારમાં પ્રસરવા પામેલ જેને કારણે અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષ દરમિયાન ૯૯૮ કેસો નોંધાયા છે. Ahmedabad Municipal Congress staged fierce protests over the worsening epidemic

તે પૈકી ૯૫૩ કેસો છેલ્લા દોઢ માસમાં નોંધાયા છે માત્ર ચાલુ સપ્ટેમ્બર માસમાં અત્યાર સુધીમાં ૨૧૬ સ્વાઈન ફલ્યુના કેસો મ્યુનિ. હોસ્પિટલોમાં નોંધાયા છે. સ્વાઈનફલ્યુના ૧૦ દર્દીઓ મૃત્ય પામેલ છે. તેમ છતાં તંત્ર અંધારામાં ફાંફા મારે છે અને તંત્ર દેખાવ ખાતર કાર્યવાહી કરી સંતોષ માને છે.

જેને કારણે રોગચાળો કાબુમાં આવતો નથી શાસકપક્ષને આની કોઈ ગંભીરતા જણાતી ન હોઈ તે ઉજવણીમાં મસ્ત છે જેનો ભોગ શહેરના નાગરિકો ભોગવી રહ્યાં છે. આ તમામ મુદ્દે વિપક્ષ કોંગ્રેસ દ્વારા શહેર મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા શહેજાદખાન પઠાણે આ અંગે જણાવ્યું હતું કે આગામી નવરાત્રી, ઈદે-મિલાદ, દિવાળીના તહેવારોને હવે થોડા દિવસની વાર છે ત્યારે નગરજનો કામધંધામાં -વેપાર રોજગારીની ભાગદોડમાં તથા ગૃહિણીઓ ખરીદીમાં, ઘરની સજાવટમાં તથા અન્ય તૈયારીઓમાં વ્યસ્ત હશે.

અન્ય શહેરો તથા નાના ગામડાં માંથી લોકોની આવનજાવનનું પ્રમાણ પણ વધવા પામશે જેથી આ દિવસોમાં રોગચાળો વધુ વકરશે તેવી સંભાવનાને નકારી શકાય નહી.

સામાન્ય રીતે શિયાળો તંદુરસ્તીની સિઝન કહેવાય છે પરંતુ તંત્રની નિષ્કાળજી અને બેદરકારીને કારણે ચાલુ વર્ષે આગામી શિયાળો માંદગીની સિઝન બની રહેવા પામે તેવી ભીતી જણાઈ રહી છે. અમદાવાદ શહેરમાં છેલ્લાં ૧ માસ થી સ્વાઈન ફલ્યુના ૯૯૮ પોઝીટીવ કેસો નોંધાયા છે અને દિનપ્રતિદિન વધતાં જાય તે ગંભીર બાબત છે.

હોસ્પિટલોમાં આઈસોલેટ વોર્ડ નથી તેવી હોસ્પિટલમાં પણ દર્દીઓ દાખલ થાય છે તેમજ ફીલ્ડમાં ફરતાં તથા કચરો સાફ કરતાં કર્મચારીઓને માસ્ક પણ આપેલ નથી અમદાવાદ શહેરમાં સ્વાઈન ફલ્યુ જેવા રોગો વધતાં જાય છે ત્યારે આગોતરા પગલાં રૂપે કોઈ નક્કર કાર્યવાહી થતી નથી.

સ્વાઈન ફલ્યુના રોગચાળાને જાે ગંભીરતાથી નહી લેવામાં આવે તો મોટી સંખ્યામાં જાનહાની થવા પામે તેવી સંભાવનાને કોઈ કાળે નકારી શકાય નહી શહેરના નગરજનો સ્વાઈન ફલ્યુ કમળો, ફાલ્સીપારમ, મેલેરિયા, ડેન્ગયુ જેવા રોગોના શિકાર બને છે.

ચાલુ સપ્ટેમ્બર માસમાં જ મચ્છરજન્ય રોગો તેમાં ડેન્ગયુના ૪૭૦ કેસ મેલેરીયાના ૧૩૫ કેસો ચીકનગુનીયાના ૨૮ કેસો, ફાલ્સીપારમના ૧૩ કેસો તેમજ કમળાના ૬૬૪ કેસો માત્ર મ્યુનિ. હોસ્પિટલમાં જ નોંધાવા પામેલ છે તે તમામ ઇન્ડોર પેશન્ટ તરીકે નોંધાયા છે

તેમાં મોટા ભાગના કેસો પશ્ચિમ વિસ્તારમાં નોોંધાયા છે ત્યારે આઉટડોર પેશન્ટની સંખ્યા ખુબ જ મોટી હોવાની ભીતી છે મ્યુ.કોર્પો દ્વારા કરોડો રૂા. નો ટેક્ષ લેવા છતાં રોગચાળાને કારણે લોકોના મરણ થવા પામે અને અમદાવાદ મ્યુ.કોર્પો માટે શરમજનક બાબત છે.

તે બાબતે તંત્ર ઉંઘતું ઝડપાયું છે. જેને કારણે હાલમાં શહેરમાં બેકાબુ બનેલ રોગચાળાનેે લીધે નગરજનો સ્વાઈન ફલ્યુ ડેન્ગ્યુ, ફાલ્સીપારમ, તથા વાયરલ ફીવરની ઝપટમાં ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે. આ સંખ્યામાં બ્રીડીગ અમદાવાદ શહેરમાં ક્યાં ક્યાં થાય છે? તે બાબતની તંત્રને કંઈ જ ખબર નથી જેથી તંત્ર ઉંઘતું ઝડપાયું છે. અને ખાનગી હોસ્પિટલ કે દવાખાનામાં સ્વાઈન ફલ્યુ, ડેન્ગ્યુના બીજા કેટલાય કેસો હશે તેની પણ તંત્રને કંઈ જ ખબર નથી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers