Western Times News

Gujarati News

કોમ્પિટિશન જીતવા માટે ખેલાડીઓને કમિટમેન્ટ અને કન્ટિન્યૂટીનો મંત્ર આપતા વડાપ્રધાન

નવલી નવરાત્રિમાં ગરબાની રમઝટ સાથે નૅશનલ ગેમ્સનો રંગારંગ પ્રારંભ-રમતના મેદાનમાં ખેલાડીઓની જીત અને દમદાર પ્રદર્શન જીવનના અન્ય ક્ષેત્રમાં પણ જીતનો માર્ગ કંડારે છે : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી

વડાપ્રધાનશ્રીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ૩૬મી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો

વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં નેશનલ ગેમ્સના મેસ્કોટ “સાવજ”નું લાઇવ પરફોર્મન્સ

ગુજરાતની યજમાનીમાં યોજાઈ રહેલી ૩૬મી નેશનલ ગેમ્સનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે શાનદાર શુભારંભ થયો હતો. ગુજરાતમાં નવરાત્રિમાં ગરબાની રમઝટ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા, અમદાવાદ ખાતે દેશના સૌથી મોટા રમતોત્સવનો રંગારંગ પ્રારંભ થયો.

નેશનલ ગેમ્સનો શુભારંભ કરાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, દેશની પ્રગતિ અને વૈશ્વિક ફલક પર સન્માનનો રમત–ગમત સાથે સીધો સંબંધ છે. યુવાનો રાષ્ટ્ર ઘડતરમાં મહત્વનું યોગદાન આપે છે જ્યારે સ્પોર્ટ્સ યુવાનોમાં ઊર્જા અને ઉત્તમ જીવનનિર્માણનો પ્રમુખ સ્ત્રોત બની રહે છે.

વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે વિકાસમાં ઉચ્ચ સ્થાને રહેલા દેશો રમત ગમત અને આંતરરાષ્ટ્રીય રમતોમાં મેડલ વિજેતામાં પણ અગ્રેસર રહે છે. ખેલના મેદાનમાં ખેલાડીઓની જીત અને દમદાર પ્રદર્શન અન્ય ક્ષેત્રોમાં પણ જીતનો રસ્તો બનાવે છે. સ્પોર્ટસ પાવર દેશની ઓળખ ઉભી કરવામાં  મહત્વની ભૂમિકા ભજવે છે.

વડાપ્રધાનશ્રીએ આઝાદીના અમૃત કાળનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, સ્ટાર્ટ્સ વિથ એક્શન એટલે કે કોઇપણ કાર્યની શરૂઆત કરીને તે પથ પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા સતત ચાલતા રહેવાના જુસ્સા સાથે જ નવા ભારતની શરૂઆત કરી છે. દેશ અને દુનિયામાં રમાતી વિભિન્ન રમતો વર્ષો સુધી ભારતીય માટે ફક્ત સામાન્યજ્ઞાન સુધી સિમીત રહી હતી, પરંતુ છેલ્લાં આઠ વર્ષમાં રમત-ગમત ક્ષેત્રે દેશ અને યુવાનોનો મિજાજ બદલાયો છે. 8 વર્ષ અગાઉ દેશના રમતવીરો 100 જેટલી જ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટમાં જ ભાગ લઇને જૂજ રમતોમાં સહભાગી બનતા હતા, જ્યારે આજે દેશના યુવા રમતવીરો 300થી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટમાં ભાગ લઇ ને 40થી વધુ રમતો રમતા થયા છે. જેના પરિણામે ભારતના મેડલની સંખ્યા સાથે દેશની ચમક પણ વધી છે.

વડાપ્રધાનશ્રીએ કોરોનાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે કોરોનાના કપરા સમયગાળામાં પણ  સરકારે ખેલાડીઓનું મનોબળ તૂટવા દીધું નથી. કેન્દ્ર સરકારે યુવાનોને રમત ગમત માટેનાં તમામ સંસાધનો આપ્યા છે. દેશમાં સ્પોર્ટ્સ સ્પિરિટની સાથે સ્પોર્ટ્સના ડેવપલમેન્ટ માટે કામ કર્યું, જેના પરિણામે જ તાજેતરમાં રમાયેલા ઓલમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સૌથી વધુ મેડલ જીત્યા છે. તદ્ઉપરાંત તાજેતરની પેરાઓલ્મિપકમાં 47 જેટલા રેકોર્ડ બ્રેક મેડલ જીત્યા છે. રમત ગમતમાં દેશની દીકરીઓ પણ ખભેથી ખભા મિલાવીને ભાગીદાર બનીને તિરંગાની શાન વધારી રહી છે, એવું વડાપ્રધાન શ્રીએ ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું કે આજે છેલ્લાં 8 વર્ષમાં યુવાનોમાં સ્વપ્નને સાકાર કરી શકવાનો વિશ્વાસ વધ્યો છે. સરકાર હવે રમત ગમત માટે માત્ર યોજનાઓ બનાવતી નથી, બલકે યુવાનોની સાથે કદમથી કદમ મિલાવીને આગળ વઘી રહ્યો છે. જેના પરિણામે ખેલાડીઓને વધુમાં વધુ સંસાધનો અને અવસર પ્રાપ્ત થઇ રહ્યા છે. છેલ્લાં 8 વર્ષમાં રમતગમત ક્ષેત્રનું બજેટ 70 ટકા વધ્યું છે. ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા આજે જન આંદોલન બન્યાં છે, તેમ વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું.

સ્પોર્ટસ અને રમતો ભારતીય સંસ્કૃતિ અને સંભ્યતા નો અભિન્ન હિસ્સો હોવાનું જણાવી વડાપ્રધાન શ્રીએ કહ્યું કે, આપણી વિરાસતના ગર્વ સાથે ખેલની પરંપરાને પુનર્જીવિત કરવામાં આવી રહી છે. કલારીયપટ્ટું અને યોગાસન જેવી પ્રાચીન ભારતીય રમતોને આ નેશનલ ગેમ્સમાં સામેલ કરીને  હજારો વર્ષોની પરંપપરાને આગળ વધારીને ખેલ જગતના ભવિષ્યને નેતૃત્વ આપ્યું છે.

અમદાવાદના ડ્રોન શો નો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રી એ જણાવ્યું હતુ કે, અમદાવાદમાં જે પ્રકારનો શાનદાર અને ભવ્ય શો યોજાયો તે જોઇને દરેક ભારતીય ગૌરવપૂર્ણ ઘટના બની રહી. ડ્રોન ટેકનોલોજી જેવો શ્રેષ્ઠ ઉપયોગ ગુજરાત અને ભારતને  નવી વૈશ્વિક ઉંચાઇઓ પર લઇ જશે જેમાં બેમત નથી.

સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રી એ જણાવ્યું કે, આ કોમ્પલેક્ષમાં ફુટબોલ, હોકી, બોક્સિંગ, બાસ્કેટબોલ, કબડ્ડી જેવી અનેક રમતોની સુવિધાઓ એક સાથે ઉપલ્બધ જે તે સમગ્ર દેશ માટે એક મોડલરૂપ બની રહેશે.

દેશનાં 36 રાજ્યો /કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 7000થી વધુ ખેલાડીઓ, 35,000થી વધુ કૉલેજ-યુનિવર્સિટીઓના 50 લાખથી વધુ વિદ્યાર્થીઓ નેશનલ ગેમ્સમાં સીધા સહભાગી બનીને 36મી નેશનલ ગેમ્સના ‘જુડેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા’ એન્થમને સાકાર કર્યું છે, તેમ વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું.

વડાપ્રધાનશ્રીએ માહોલ જોઈને જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સના શુભારંભ પ્રસંગે સર્જાયેલ દૃશ્યો, તસ્વીર અને માહોલ અવિસ્મરણીય છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં, વિશ્વનો સૌથી યુવા દેશ, દેશના સૌથી મોટા ખેલ ઉત્સવનું આયોજન અદભુત અને અદ્વિતીય હોય ત્યારે તેની ઊર્જા પણ એવી જ અસારધારણ હોવાની તેવું તેમણે સ્પષ્ટપણે કહ્યું હતુ.

વડાપ્રધાનશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને સમગ્ર ટીમ ગુજરાતને ખૂબ જ ટૂંકાગાળામાં નેશનલ ગેમ્સનું શ્રેષ્ઠ આયોજન કરવા બદલ પ્રશંસા કરીને અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૩૬મી નેશનલ ગેમ્સનું ભવ્ય આયોજન ત્રણ જ મહિનાના ટુંકાગાળામાં ગુજરાતે પાર પાડયું છે.

સામાન્ય રીતે આવા મોટા કાર્યક્રમના આયોજનમાં વર્ષો લાગી જતા હોય છે પરંતુ ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઇએ વિકસાવેલા વર્ક કલ્ચરને પરિણામે માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં નેશનલ ગેમ્સનું આયોજન સંપન્ન થયું છે. દેશમાં સાત વર્ષ પછી નેશનલ ગેમ્સ યોજાઈ રહી છે ત્યારે આ પ્રસંગ ખેલાડીઓ માટે અવિસ્મરણીય બની રહે તેવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ૩૬મી નેશનલ ગેમ્સના શુભારંભ પ્રસંગે ભારતની યુવાશક્તિના ઉત્સાહની ગૂંજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંભળાઈ રહી છે. તેમણે કહ્યું કે, ૩૬મી નેશનલ ગેમ્સ વડાપ્રધાનશ્રીની ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને વધુ મજબૂત કરવાની દિશામાં એક ઉત્તમ પહેલ સાબિત થશે.

પ્રધાનમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિને કારણે ગુજરાતમાં વૈશ્વિક કક્ષાનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટીગ કલ્ચર વિકસ્યું છે એમ તેમણે વધુમા ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ વર્ષ ૨૦૧૦થી શરૂ કરાવેલી ખેલ સંસ્કૃતિને કારણે આજે ગ્રામીણ  ઓલમ્પિક અને દિવ્યાંગજનો માટે વિશેષ ખેલ મહાકુંભના આયોજનની ગુજરાતે જે અભિનવ પહેલ કરી હતી તે હવે વ્યાપક સ્તરે વિસ્તરી છે. આ સંદર્ભે તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાત કોઈપણ ક્ષેત્રના વિકાસ માટે પોલિસી ડ્રીવન સ્ટેટ બન્યું છે.

વડોદરામાં સ્પોર્ટસ યુનિવર્સિટી કાર્યરત થવાની છે. એટલું જ નહિ, થોડા મહિના પહેલા જ વડાપ્રધાનશ્રીના હસ્તે ગુજરાતે પોતાની સ્પોર્ટસ પોલિસી લોન્ચ કરાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે નેશનલ ગેમ્સમાં સહભાગી થવા આવેલા રમતવીરોને ગુજરાતની સંસ્કૃતિ, ખાન-પાન અને નવરાત્રી ઉત્સવનો આનંદ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે ખેલાડીઓને સફળતા અને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ પણ પાઠવી હતી.

IOAના સેક્રેટરી જનરલ શ્રી રાજીવ મહેતાએ સ્વાગત પ્રવચન કર્યું હતુ.

આ અવસરે ૭૫૦થી વધુ કલાકારો દ્વારા ‘જય જય ગરવી ગુજરાતની ગાથા’ પ્રસ્તુત કરવામાં આવી હતી.

ગુજરાતમાં આરંભાયેલ નેશનલ ગેમ્સના પ્રારંભ પ્રસંગે દેશ અને રાજ્યના ખૂણે ખૂણેથી પધારેલા ખેલાડીઓ, રમતવીરો, દર્શકો, એન.સી.સી.ના કેડેસ્,સ્વયંસેવકોમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

આજના રંગારંગ ઉદધાટન સમારંભમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય રમત-ગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રીય રમત-ગમત રાજયમંત્રી શ્રી નિશિથ પ્રામાનિક,  કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજયમંત્રી શ્રીમતી દર્શના જરદોશ, નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીમતી ડૉ. નીમાબહેન આચાર્ય,  ગૃહ અને રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, શ્રી રાઘવજી પટેલ, શ્રી પ્રદીપ પરમાર, શ્રી જગદીશ પંચાલ, શ્રીમતી મનીષા વકીલ, શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, શ્રીમતી નિમિષાબેન સુથાર સહિતના મંત્રી શ્રીઓ, અમદાવાદના મેયર શ્રી કિરીટ પરમાર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. ખેલ જગતના જાણીતા ચહેરાઓ નીરજ ચોપરા, પી.વી.સિંધુ, મીરાંબાઈ ચાનુ, અંજૂ બેબી જ્યોર્જ, ગગન નારંગ સહિતના અનેક ચેમ્પિયન રમતવીરોની હાજરીએ સૌનો ઉત્સાહ વધાર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.