Western Times News

Gujarati News

નેશનલ ગેમ્સમાં જનરેટરનો ઉપયોગ ટાળી 37500 કિલો કાર્બન ઉત્સર્જન ઘટાડાયું

સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ડિઝલ જનરેટર સેટના વિકલ્પે એલટી લાઇન લઇ ૫૮૫૦ લિટરના ડિઝલ વપરાશથી ઉત્સર્જિત થતાં ૩૭૫૦૦ કિલો કાર્બન હવામાં જતાં રોકાયો

(આલેખન – દર્શન ત્રિવેદી) વડોદરા, વડોદરામાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયેલી નેશનલ ગેમ્સમાં પર્યાવરણીય સંરક્ષણની બાબતનો પણ સારી ખ્યાલ રાખવામાં આવ્યો છે. વેસ્ટ મેનેજમેન્ટની સાથે કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.

સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ડિઝલ જનરેટર સેટના વિકલ્પે વીજ કંપનીની ઊર્જાનો ઉપયોગ કરી પ્રતિદિન ૭૫૦૦ કિલો કાર્બનનું ઉત્સર્જન ઘટાડવામાં આવ્યું છે. નેશનલ ગેમ્સના પાંચ દિવસમાં કુલ ૩૭૫૦૦ કિલો ગ્રામ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં આવ્યું છે.

સામાન્ય રીતે મોટી ઇવેન્ટમાં પાવર બેકઅપ તરીકે ડિઝલ જનરેટર સેટનો ઉપયોગ કરવામાં આવે છે. ૩૬મી નેશનલ ગેમ્સ માટે સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં ૧૧૦૦ કિલોવોટની જરૂરિયાત હતી. તેની સામે ૭૫૦ કિલોવોટના ડીજી સેટની વ્યવસ્થા કરવામાં આવી હતી.

હવે, પર્યાવરણીય બાબતનો ખ્યાલ  રાખતા ડીઝલ જનરેટરના વિકલ્પે એમજીવીસીએલની એલટી લાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૭૫૦ કિલોવોટ પાવર જનરેટ કરવા માટે પ્રતિદિન ૧૧૭૦ લીટર ડિઝલની જરૂરિયાત રહે !

જીમ્નાસ્ટિક રમતના પાંચ દિવસ દરમિયાન ૫૮૫૦ લિટર ડિઝલની બચત કરવામાં આવી છે. એનો મતલબ કે, આટલા લિટરની રાષ્ટ્રીય સંપતિની બચત કરવામાં આવી છે. સૌથી મોટી વાત તો એ છે કે ૫૮૫૦ લિટર ડિઝલ વપરાશથી ઉત્સર્જિત થતાં ૩૭૫૦૦ કિલો કાર્બન હવામાં જતાં રોકવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.