Western Times News

Gujarati News

14 અને 15 ઓક્ટોબરે ૩૩ જિલ્લાઓમાં ૩૭ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન

ફાઈલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તા.૧૪મી ઓક્ટોબરે તાપીથી અને તા.૧૫મી ઓક્ટોબરે ગીર સોમનાથથી રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવશે

ગરીબ કલ્યાણ મેળાની ૧૨ રાજ્યવ્યાપી શૃંખલાઓમાં કુલ ૧૫૬૭ ગરીબ કલ્યાણ મેળા થકી ૧.૬૫ કરોડ લાભાર્થીઓને રૂ. ૩૪,૫૯૬ કરોડથી વધુ રકમની સાધન-સહાય પૂરી પાડવામાં આવી

પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે, આગામી તા.૧૪ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનાં ૧૩માં તબક્કાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તા.૧૪મી ઓક્ટોબરે તાપીથી અને તા.૧૫મી ઓક્ટોબરે ગીર સોમનાથથી રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવશે. તે ઉપરાંત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

પ્રવક્તા મંત્રી શ્રી વાઘાણીએ કહ્યુ છે કે,  રાજ્ય સરકારની વિવિધ વ્યકિતલક્ષી સહાયના લાભો ગરીબ કલ્યાણ મેળાના માધ્યમ દ્વારા લાભાર્થીઓને એક જ સ્થળે પુરા પાડવા અને જરૂરિયાતમંદોને લાભો પહોંચે તે માટે વચેટિયાઓને દૂર કરી સીધા પારદર્શી રીતે લાભો મળી રહે

તે હેતુસર વર્તમાન વડાપ્રધાનશ્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૯-૧૦થી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવી આ નવતર અભિગમ વિકસાવ્યો હતો. અત્યાર સુધી ૧૨ તબક્કાઓનું આયોજન થઈ ચૂક્યું છે. જેમાં કુલ ૧૫૬૭ ગરીબ કલ્યાણ મેળાઓ થકી ૧.૬૫ કરોડ લાભાર્થીઓને રૂ. ૩૪,૫૯૬ કરોડથી વધુ રકમની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે.

આ ૧૩માં તબક્કામાં લાભાર્થીઓ-દરિદ્ર નારાયણને કરોડો રૂપિયાના સાધન-સહાય અને વ્યક્તિગત સહાયનું રાજ્યવ્યાપી વિતરણ થવાનું છે. ૩૩ જિલ્લાઓમાં ૩૭ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાઓમાં અપાતી સાધન સહાયમાં મળતા સાધનો ગુણવત્તાયુક્ત પુરા પાડવામાં આવે તેની ખાસ તકેદારી રાખવા મુખ્યમંત્રીશ્રી કક્ષાએથી સંબંધિતોને સુચનાઓ આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.