Western Times News

Latest News in Gujarat

ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા વ્યવસ્થા દૂર કરાઈ

File Photo

નવીદિલ્હી : સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાઢેરાની એસપીજી સુરક્ષા વ્યવસ્થાને આખરે દૂર કરી દેવામાં આવી છે. મોદી સરકારના આ નિર્ણયને લઇને કોંગ્રેસ પાર્ટી નારાજ દેખાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીના લોકો માની રહ્યા છે કે, બદલાની ભાવના સાથે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાર્ટીએ આને મોદી સરકારની અંગત બદલાની કાર્યવાહી તરીકે ગણાવી છે. ગાંધી પરિવારના નજીકી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે કહ્યું છે કે, આનાથી દેશના એવા બે પૂર્વ વડાપ્રધાનોના પરિવારની સુરક્ષા સાથે બાંધછોડ કરવામાં આવી છે જે લોકોએ આતંકવાદ અને હિંસાની સામે કાર્યવાહી કરી હતી.

અહેમદ પટેલે ટિવટ  કરીને કહ્યું હતું કે, બે પૂર્વ વડાપ્રધાનો જેમના દ્વારા ત્રાસવાદ સામે કઠોર કાર્યવાહી કરવામાં આવી હતી. તેમના પરિવારના સભ્યો સાથે મળીને ભાજપના નેતાઓ અંગત બદલો લેવાની પ્રક્રિયામાં લાગેલા છે. તાજેતરમાં જ સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની એસપીજી સુરક્ષા વ્યવસ્થાને દૂર કરવાનો પણ નિર્ણય કર્યો હતો.

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાઢેરાની એસપીજી સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લેવામાં આવી છે. હવે માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાસે એસપીજી સુરક્ષા કવચ છે. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ અથવા તો એસપીજીની સ્થાપના ૧૯૮૮માં સંસદ મારફતે કાનૂન બનાવીને કરવામાં આવી હતી. વડાપ્રધાન ઉપરાંત પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારને એસપીજીની સુરક્ષા આપવામાં આવે છે.