Western Times News

Gujarati News

૪૧૮ કરોડના ખર્ચે તૈયાર થયેલી કિડની હોસ્પિટલ ૮૫૦ બેડ અને આધુનિક સુવિધાઓ

File

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ૧૧ ઓક્ટોબરે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ કરશે

નવીન કિડની ઇન્સ્ટીટ્યુટમાં ઉપલબ્ધ સુવિધાઓ-સેવાઓ

કિડની હોસ્પિટલમાં દેશનું સૌથી મોટું મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર
૨૨ પૈકી ૧૦ મોડ્યુલર અને ૧૨ નોન મોડ્યુલર ઓપરેશન થિયેટર
કિડની ટ્રાન્સપ્લાન્ટ સહિત કિડનીને લગતા તમામ ઓપરેશન, લીવર ટ્રાન્સપ્લાન્ટ, પિત્તાશય ટ્રાન્સપ્લાન્ટ અને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટેની અદ્યતન સુવિધાઓ
હાઇ રીસ્ક પ્રેગનેંસી, યુરો અને એસ્થેટીક ગાઇનેકોલોજી માટેના અધ્યતન સાધનો, IVF માટેના હાઇ ટેક ઓપરેશન થીયેટર  
એક સાથે ૬૨ દર્દીઓના ડાયાલિસિસ થઈ શકે તેવી સુવિધા
અદ્યતન બ્લડ બેંક સાથે ઇમ્યુનોલોજી,H.L.A.અને સ્ટેમ સેલની તપાસ માટેની અદ્યતન અને ગુણવત્તાસભર લેબોરેટરીની સુવિધા

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ૧૧ ઓક્ટોબરની અમદાવાદ ખાતેની મુલાકાત દરમિયાન  વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ – ખાતમુહૂર્તની સાથે સાથે અમદાવાદની સિવિલ મેડિસીટીમાં નિર્માણ પામેલ દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ કરશે.

 

અંદાજીત રૂ. ૪૧૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલી નવીન કિડની હોસ્પિટલ ૮૫૦ બેડ ક્ષમતા સાથેની ભારતની સૌથી મોટી કિડની હોસ્પિટલ સાથે જ વિશ્વની ટોચની કિડની હોસ્પિટલમાંથી એક છે. તદ્ઉપરાંત કિડની હોસ્પિટલમાં દેશનું સૌથી મોટું મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર પણ કાર્યરત બનશે‌.

નવીન કિડની હોસ્પિટલ ઓપરેશન માટેની તમામ સુવિધાઓથી સજ્જ ૨૨ હાઈટેક ઓપરેશન થિયેટર છે. ૨૨ પૈકી ૧૦ મોડ્યુલર અને ૧૨ નોન મોડ્યુલર ઓપરેશન થિયેટર છે. જેમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સહિત કિડનીને લગતા તમામ ઓપરેશન, લીવર ટ્રાન્સપ્લાન્ટ, પિત્તાશય ટ્રાન્સપ્લાન્ટ અને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટેની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.

ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પહેલા અને ટ્રાન્સપ્લાન્ટ પછીની સારવારમાં દર્દીને કોઇ પણ પ્રકારનું ઇંફેક્શન ન લાગે તેની કાળજી માટેના ગુણવતાયુક્ત ૧૨ આઇ.સી.યુ છે.

ગુજરાતમાં એક માત્ર સરકારી સંસ્થા છે જ્યાં હાઇ રીસ્ક પ્રેગનેંસી, યુરો ગાઇનેકોલોજી એસ્થેટીક ગાઇનેકોલોજી માટેના અધ્યતન સાધનો અને આઇ.વી.એફ. માટેના હાઇ ટેક ઓપરેશન થીયેટર છે.

નવીન કિડની હોસ્પિટલમાં એક સાથે ૬૨ દર્દીઓનું ડાયાલિસિસ થઈ શકે તેવી સુવિધા કાર્યરત કરવામાં આવી છે.આ તમામ ડાયાલિસીસ રૂમમાં બેડ પર ટેલીવિઝન અને બ્લ્યુટુથ હેડ ફોનની સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે જેના પરિણામે ૩ થી ૪ કલાક ચાલતા ડાયાલિસીસમાં દર્દીઓને કંટાળા અને પીડામાંથી મુક્તિ મળે..

નવનિર્મિત કિડની હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તરીય અને તમામ ગુણવત્તાયુક્ત એક જ સમયે મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય તેવી અદ્યતન બ્લડ બેંક છે તેમજ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પહેલા કરવામાં આવતા ઇમ્યુનોલોજી,H.L.A.અને સ્ટેમ સેલની તપાસ માટેની અધ્યતન અને તમામ ગુણવત્તાસભર લેબોરેટરી પણ આ હોસ્પિટલમાં કાર્યરત છે.

કિડની હોસ્પિટલમાં આધુનિક ઉપકરણોથી સજ્જ અને ખાસ ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર કરવામાં આવેલા આઈ.સી.યુ, એચ.ડી.યુ, એન.આઈ.સી.યુ, પ્રી અને પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ વોર્ડ, રિકવરી આઈ.સી.યુ, વિશ્વ સ્તરીય ડાયાલિસિસ વોર્ડ, ટ્રાન્સપ્લાન્ટ અને ઇમ્યુનોલોજી લેબોરેટરી જેવી અનેક અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.

અત્રે નોંધનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ અમદાવાદ સિવિલ મેડિસીટીમાં મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ નિર્માણ કાર્યનું આરંભ કરીને વૈશ્વિક સ્તરીય મેડિસીટી બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું જેના ફળ આજે મળતા થયા છે.

વડાપ્રધાનશ્રી એ જોયેલા સ્વપ્નને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર આગળ ધપાવી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ અમદાવાદ સિવિલ મેડિસીટીની તર્જ પર સુરત, વડોદરા અને રાજકોટ ખાતે પણ સિવિલ હોસ્પિટલમાં મલ્ટી સ્પેશ્યાલિસ્ટ સેવાઓ કાર્યરત કરવાની દિશામાં કાર્યરત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૮૧માં ગુજરાત સરકાર તરફથી ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડીસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર સ્થાપવાની પરવાનગી આપવામાં આવી હતી.

કિડની હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY), શાળા આરોગ્ય કાર્યક્રમ, એસ.સી અને એસ.ટી કાર્ડ, બી.પી.એલ કાર્ડ, એલ.આઈ.જી, સી.એમ.ફંડ, પી.એમ ફંડ જેવી સરકારી સહાય હેઠળ તદ્દન મફત અથવા ખૂબ નજીવા દરે દરેક સારવાર ઉપલબ્ધ છે.

સિવિલ મેડિસીટીમાં કાર્યરત કિડની હોસ્પિટલમાં ડિસેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૬૧૯૧ કિડની ટ્રાન્સપ્લાન્ટ, ૪૨૦ લીવર ટ્રાન્સપ્લાન્ટ, ૫૭૨ રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે.

તાજેતરમાં જ સરકાર તરફથી ગુજરાત રાજ્યમાં પ્રથમ અને સમગ્ર દેશની સરકારી અને અર્ધસરકારી સંસ્થામા પ્રથમ વખત યુટેરસ (ગર્ભાશય) ટ્રાંસ્પ્લાંટ માટેની મંજુરી આપવામાં આવી છે. હાલ દેશમા એક માત્ર ગર્ભાશય ટ્રાંસ્પ્લાંટ કરતી સંસ્થા છે. તાજેતરમા એક જ દિવસમા બે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

કિડની હોસ્પિટલનું વર્તમાન બિલ્ડિંગ NABH પ્રમાણિત છે. તેમજ કિડની રોગ સારવાર અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનેક એવોર્ડ મળેલા છે. -અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.