Western Times News

Gujarati News

ભારતનું સૌ પ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત મોઢેરા ‘સૂર્ય ગ્રામ’ રાષ્ટ્રને સમર્પણ

વડાપ્રધાન શ્રીના હસ્તે મહેસાણામા રૂ. ૩૦૯૨ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન

-: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી:-

Ø  પંચામૃત વિકાસ કામોને જનતાનું સમર્થન હંમેશા મળતું રહ્યું છે- પંચામૃત શક્તિના ધ્યેયને ગુજરાતીઓએ આવકાર્યો છે

Ø  રાજ્યમાં અવિરત વિજળી-પાણીના પગલે પશુ-પાલન, ખેતી અને ઉદ્યોગ જેવા ક્ષેત્રો માટે નવી દિશાઓ ખુલી છે

Ø  સાયકલ બનાવવાના સાંસા ધરાવતા ગુજરાતમાં હવે ગાડીઓ બનવા માંડી છે. હવે એ દિવસો દૂર નથી કે જ્યારે આપણે વિમાનો બનાવીશું.

-: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ:-

Ø  ગુજરાતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં વિકાસનો ચંદ્ર સોળે કળાએ ખીલ્યો

Ø  ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં પારદર્શી, સમયબદ્ધ રીતે અને પ્રજાના પૈસાનો પૂરેપૂરો સદુપયોગ કરી એક રૂપિયા સામે સવા રૂપિયાનું કામ થાય છે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ  મહેસાણા ખાતેથી ભારતના સૌ પ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત મોઢેરા ‘સૂર્ય ગ્રામ’ રાષ્ટ્રને સમર્પણ કરતા જણાવ્યું કે , આ સૂર્ય ગામના સમર્પણ સાથે જ સમગ્ર ઉત્તર ગુજરાત વિકાસની નવી ઉર્જાનું કેન્દ્ર બન્યું છે. ભગવાન સૂર્યના ધામ મોઢેરામાં શરદ પૂર્ણિમા અને મહર્ષિ વાલ્મિકીની પૂર્ણ્યતિથીનો ત્રિ-વેણી સંગમ રચાયો છે. સૂર્યની જેમ વિકાસનો પ્રકાશ દેશભરમાં સર્વત્ર ફેલાય તે માટે સરકાર કટીબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીએ વધુમાં કહ્યું કે, આસ્થા અને ટેક્નોલોજીનો સમન્વય થતા અનેક લોકોના સપના સાકાર થઇ રહ્યા છે. સાથે-સાથે સ્માર્ટ ગુજરાત – ભારતનો સંકલ્પ સાકાર થઇ રહ્યું છે. મોઢેરા ‘સૂર્યગ્રામ’ જાહેર થતા મોઢેરા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે આ અનેરો અવસર આવ્યો છે. સૂર્ય મંદિર માટે  ઓળખાતું ગામ હવે ‘સૂર્ય ગ્રામ’ તરીકે પ્રખ્યાત બન્યું છે.

તેમણે ઉમેર્યું કે, વિશ્વના પર્યાવરણ ઇતિહાસમાં મોઢેરાનું નામ સૂવર્ણ અક્ષરે અંકિત થશે. મોઢેરા સૂર્ય મંદિરને ધ્વસ્ત કરવા આક્રાંતાઓએ અનેક પ્રયાસો કર્યા હતા, સંખ્યાબંધ અત્યાચાર થયા હતા. આજે પૌરાણિક  મહત્વ સાથે વિશ્વ આખા માટે મોઢેરા મિશાલ બન્યું છે.

વિશ્વમાં સૌર ઉર્જાની વાત થશે ત્યારે મોઢેરાનો ઉલ્લેખ  અવશ્ય થશે. મોઢેરા ગામમાં બધુ જ સૂર્ય ઉર્જાથી ચાલતું થયું છે તે આપણા માટે ગૌરવની વાત છે. 21મી સદીના આત્મનિર્ભર ભારત માટે આ વિશેષ ભેટ છે. આગામી પેઢીને સુરક્ષા મળે તે માટે દિવસ-રાત નિરંતર પ્રયાસ આપણે કરી રહ્યા છીએ.

શ્રી મોદીએ કહ્યું કે, આ યોજનાથી માત્ર વીજળી જ નહીં પરંતુ તેના વપરાશ બાદ પૈસા પણ મળશે. તેનાથી વિજબીલમાંથી છુટકારો અને નાણાં પણ મળશે. અત્યાર સુધી સરકાર વીજળી ઉત્પાદન કરતી અને લોકો ખરીદતા હતા, પણ હવે તેમાં બદલાવ આવ્યો છે. લોકો ઘરોમાં સોલાર પેનલ લગાવે, ખેડૂતો ખેતરમાં વીજળી ઉત્પન કરે અને સરકાર ખરીદે છે, આ પરિસ્થિતિના કારણે લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે. હવે સરકાર લોકોને સોલાર ઉર્જા માટે સહાયરૂપ થાય છે. દેશમાં સૌર ઉર્જાથી ચાલતા પમ્પોનું ઉત્પાદન પણ વધ્યું છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

શ્રી મોદીએ કહ્યું કે, મહેસાણા સહિત અનેક વિસ્તારોને વિજળી અને પાણી માટે વલખા મારવા પડતા હતા, એ કપરા દિવસો આપણે જોયા છે, આજની પેઢીને તેની જાણ નહીં હોય. પરંતુ હવે સમગ્ર ચિત્ર બદલાયું છે. આજની યુવા પેઢીને આ બદલાયેલી સ્થિતિનો સમુચિત ઉપયોગ કરવાનો અવસર પણ મળ્યો છે.

ગુજરાતમાં છાશવારે હુલ્લડો થતા પણ આજે સમગ્ર સ્થિતિમાં હકારાત્મક બદલાવ આવ્યો છે. એક સમય હતો કે વિકાસના વિરોધનું વાતાવરણ હતુ અને આજે ગુજરાત અને ભારત દેશ વિશ્વમાં પોતાની આગવી છાપ ઉપસાવી રહ્યા છે.

પોતાને મળેલા જનસમર્થનનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે, મારા પંચામૃત વિકાસકામોને જનતાનું સમર્થન હંમેશા મળતું રહ્યું છે. પંચામૃત શક્તિના ધ્યેયને ગુજરાતીઓએ આવકાર્યો છે. વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થયના પંચશક્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રસ્તા, રેલ કનેક્ટિવિટી પર એટલું જ ધ્યાન આપ્યું છે તેના ફળ આપણને મળ્યા છે. જ્યોતિ ગ્રામ યોજના અંતર્ગત એક હજાર દિવસમાં ગામે-ગામ વિજળી ઉપલબ્ધ કરી અને દેશમાં પણ યોજનાનો સફળતાપૂર્વક અમલ કર્યો એમ તેમણે ઉમેર્યું હતું.

પાણી પ્રકૃતિનો પ્રસાદ હોવાનો ઉલ્લેખ કરી શ્રી મોદીએ કહ્યું કે, સુઝલામ-સુફલામ કેનાલ નિર્માણ પામી અને અગાઉ વેડફાતું પાણી હવે ખેતરો સુધી પહોંચ્યુ છે. ઉત્તર ગુજરાતના વિસનગર-વડનગર, ખેરાલું જેવા વિસ્તારોમાં પાણીની સુવિધા પહોંચી અને તેના પગલે આર્થિક સમુદ્ધિ પણ વધી છે. વિજળી પાણીના પગલે પશુ-પાલન, ખેતી અને ઉદ્યોગ જેવા ક્ષેત્રો માટે પણ નવી દિશાઓ ખુલી છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

શ્રી મોદીએ કહ્યું કે, સાયકલ બનાવવાના સાંસા હતા એ ગુજરાતમાં હવે ગાડીઓ બનવા માંડી છે. હવે એ દિવસો પણ દૂર નથી કે જ્યારે આપણે વિમાનો બનાવીશું. બહુચરાજી, મોઢેરા, ચાણસ્મા વિસ્તારમાં ફોરલેન રોડ બનાવવાના છે. એ જ રીતે તારંગા-અંબાજી રેલવે લાઇન પ્રોજેક્ટથી આ વિસ્તારની કાયાપલટ કરવી છે.

શ્રી મોદીએ કહ્યું કે, વડનગરમાં મેડિકલ કોલેજ, રાજ્યના તમામ જિલ્લામાં સ્વાસ્થ્ય સુવિધા, પ્રધાનમંત્રી જૈનઔષધી કેન્દ્રો જેવી અનેક યોજનાઓ લોકો માટે ઉપયોગી છે. સમગ્ર ઉત્તર ગુજરાત વિસ્તારમાં અનેક પ્રવાસન સ્થળો છે તેનો હજી વધુ વિકાસ કરવો છે. આ સ્થળો ગુજરાત જ નહીં, સમગ્ર દેશ આખાનું આકર્ષણ બને તેવા વિકસાવવા છે.

-: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ :-

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં વિકાસનો ચંદ્ર સોળે કળાએ ખીલ્યો છે. વડાપ્રધાનશ્રીએ સુશાસનની એક એવી પરંપરા વિકસાવી છે કે જેના ખાતમુહૂર્ત થાય તેના લોકાર્પણ પણ તેમના જ કાર્યકાળમાં થાય. પારદર્શી, સમયબદ્ધ અને પ્રજાના પૈસાનો પૂરેપૂરો સદુપયોગ કરી એક રૂપિયા સામે સવા રૂપિયાનું કામ ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થાય છે.

મુખ્યમંત્રી શ્રી એ કહ્યું કે, વિકાસની પહેલી શરત વીજળી અને પાણી છે. બે દાયકા પહેલા ગુજરાતમાં આવી પ્રાથમિક સુવિધાઓના પણ અભાવ હતો. પ્રજાની પીડા પારખીને એનું સમાધાન લાવનારા જૂજારૂ નેતા શ્રી નરેન્દ્રભાઈએ શાસનધૂરા સંભાળી રાજ્યમાં વિવિધ ક્ષેત્રે મોટા બદલાવની શરૂઆત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, મોઢેરા ગામના દરેક ઘર ઉપર સોલાર રૂફટોપથી સૂર્ય ઉર્જા મળતી થઈ છે અને તે નેટ રીન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરનારું ગામ બન્યું છે. મોઢેરા ગામને 24×7 સોલાર એનર્જીથી ઉત્પન્ન વીજળી મળતી થઈ છે. સાથે-સાથે, ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર એવું મોઢેરા સૂર્યમંદિર પણ સોલાર એનર્જી લાઈટથી ઝળહળતું થયું છે.

આ સંદર્ભે તેમણે કહ્યું કે, જે સમયે દેશમાં સોલાર એનર્જીની માત્ર વાતો થતી હતી ત્યારે વડાપ્રધાનશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બનાસકાંઠાના ચારણકામાં એશિયાના વિશાળ સોલાર એનર્જી પાર્કની સ્થાપના કરી હતી, જે હવે વિશ્વ સમક્ષ એક દ્રષ્ટાંત બની ગઈ છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં કચ્છમાં ૩૦ હજાર મેગાવોટનો હાઇબ્રીડ એનર્જી પાર્ક સરકાર સ્થાપી રહી છે. ગુજરાતમાં પાછલા બે દાયકામાં રાજ્યની સ્થાપિત ઉર્જા ક્ષમતામાં ૩૧,૦૦૦ મેગા વોટનો વધારો થયો છે. અને સોલાર એનર્જીની ઉત્પાદન ક્ષમતામાં ૭૧૮૦ મેગાવોટનો વધારો થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં અમલી પાણી પુરવઠા યોજનાઓ સંદર્ભે કહ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રીએ સુજલામ સુફલામ યોજનાઓના નેટવર્ક, નર્મદા આધારિત પાણી વિતરણની યોજનાઓ તેમજ બલ્ક પાઇપલાઇનથી ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડી ગુજરાતને પાણીદાર બનાવ્યું છે, તેનાથી રાજ્યમાં પાણીના સ્તર ઊંચા આવ્યા છે અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું થયું છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈએ પાણી, વીજળી, તાલીમબદ્ધ માનવબળ માટેની જરૂરી સુવિધાઓ વગેરેને પ્રોત્સાહનો આપી અને વાઇબ્રન્ટ સમિટની સફળ શ્રેણીઓ યોજીને ગુજરાતને એક ઔદ્યોગિક હબ બનાવ્યું છે. ભૂતકાળમાં ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ વાપીથી તાપી સુધી સીમિત હતો, બેચરાજી -મોઢેરા -હાંસલપુર- માંડલનો પટ્ટો સૂકો ભઠ્ઠ અને બાવળિયા વાળો હતો. આજે આખોય વિસ્તાર ઓટોમોબાઇલ હબ તરીકે જાણીતો બન્યો છે અને કેટલાય ઉદ્યોગો ઉત્તર ગુજરાતના યુવાનોને રોજગારી પણ પૂરી પાડે છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાતની જનતાને ડબલ એન્જિન સરકારને પરિણામે રેલ્વે, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, વિવિધ માર્ગોના વિસ્તૃતિકરણ, ગેજ કન્વર્ઝેશન અને પ્રવાસન ધામોના વિકાસ જેવા ઇન્ફ્રાસ્ટ્રકચરલ ડેવલોપમેન્ટના કામોનો મોટા પાયે લાભ મળી રહ્યો છે.

તેમણે કહ્યું કે, ગુજરાતનો સર્વગ્રાહી વિકાસ સુરજની જેમ જળહળી રહ્યો છે ત્યારે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણે ગુજરાતની વિકાસ યાત્રા હજુ ખૂબ આગળ લઈ જવાની છે. આત્મનિર્ભર અને વિકસિત ગુજરાતના નિર્માણથી આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાનું છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉત્તમ ગુજરાતને સર્વોત્તમ ગુજરાત બનાવવાની નેમ સૌ ગુજરાતીઓ સાથે મળીને પાર પાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રીના હસ્તે મહેસાણા ખાતે રૂ. ૫૧૧ કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝનનું લોકાર્પણ, રૂ. ૩૩૫ કરોડના ખર્ચે ONGC-નંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ, રૂપિયા 108 કરોડના ખર્ચે સુજલામ સુફલામ સ્પેડિંગ કેનાલ(ખેરવા)થી શીગોડા તળાવ(વિસનગર) સુધી પાણીના વાહન માટે પાઇપલાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ, રૂપિયા 39.83 કરોડના ખર્ચે ધરોઇ ડેમ આધારિત વડનગર ગ્રુપ- ખેરાલુ ગ્રુપ અને ધરોઇ ગ્રુપનો સુધારણ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ રૂપિયા 26.50 કરોડના ખર્ચે ચાર માર્ગીય બેચરાજી-મોઢેરા-ચાણસ્મા માર્ગ પ્રોજેક્ટનું લોકાર્પણ, રૂ. 23.50 કરોડના ખર્ચે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પલ્બિક એડમિનિસ્ટ્રેશન પ્રાદેશિક છાત્રાવલયના નવી માકન બાંધકામનો પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ રૂ. 22 કરોડના ખર્ચે  ઉંઝા-દાસજ-ઉપેરા-લાડોલના રસ્તા પહોળા કરવાના પ્રોજેક્ટનું લોકાર્પણ સંપન્ન થયું છે.

જ્યારે રૂપિયા 1184.34 કરોડના ખર્ચે ચારમાર્ગીય પાટણ-ગોઝારીયા માર્ગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, રૂપિયા 300 કરોડના ખર્ચે મહેસાણા દુધ સાગર ડેરી ખાતે પાઉડર પ્લાન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, રૂપિયા 171 કરોડના ખર્ચે મહેસાણા સિવિવલ હોસ્પિટલનું પુન : નિર્માણનું કામ, રૂપિયા 125 કરોડના ખર્ચે મહેસાણા દુધસાગર ડેરી ખાતે યુએચટી મિલ્ક પ્લાન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા 143 કરોડના ખર્ચે ઓએનજીસી –નોર્થ કડી ખાતે પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાન શ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આમ, કુલ મળીને મહેસાણાને રૂ. ૩૦૯૨ કરોડના વિકાસકાર્યોની ભેટ મળી છે .

આ અવસરે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ,  સાંસદ શ્રી સી. આર. પાટીલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ, ધારાસભ્યશ્રી, મહાનુભાવો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.