અમદાવાદ(પૂર્વ) RTO દ્વારા વાહનોની જૂની સીરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરૂ થશે
સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, અમદાવાદ (પૂર્વ) દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છૂક વાહનમાલિકોએ આગામી તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૨ બપોરે ૦૪.૦૦ કલાકથી તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૨ બપોરે ૦૪.૦૦ કલાક સુધીમાં ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાની રહેશે.
મોટર સાઇકલ, મોટર કાર, ઓટો રિક્ષા અને ટ્રાન્સપોર્ટ વાહનોની જૂની સીરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન માટે શરૂ કરવામાં આવનાર છે.
આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનનું રજિસ્ટ્રેશન કરાવી http://parivahan.gov.in/fancynumber પર આગામી તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૨ બપોરે ૦૪.૦૦ કલાકથી તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૨ બપોરે ૦૪.૦૦ કલાક સુધીમાં ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૨ બપોરે ૦૪.૦૦ કલાકથી તા. ૧૯ ઓક્ટોબર ૨૦૨૨ બપોરે ૦૪.૦૦ કલાક સુધીમાં ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે. અને તા. ૨૦ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ઈ-ઓક્શનના ફોર્મ અત્રેની કચેરીમાં જમા કરાવવાના રહેશે.
ફેન્સી નંબર મેળવવા ઈચ્છૂક અરજદારોએ http://parivahan.gov.in/fancynumber વેબસાઈટ પર જઈ સેલ ઇન્વોઇસની તારીખ અથવા વિમાની તારીખ એ બેમાંથી જે વહેલું હશે તે તારીખથી સાત દિવસમાં અરજી કરી દેવાની રહેશે. અરજી કરેલ હોય તેવા જ અરજદારો વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસના અંદર હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. નિયત સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.
જો અરજદારએ હરાજીની પ્રકિયા પૂર્ણ થયાના પાંચ દિવસ સુધીમાં બીડની રકમના નાણાં જમા કરાવવાના રહેશે. આ સમયમર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે.
અસફળ અરજદારને રીફંડ હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના હોવાથી જે રીતે ચૂકવાનું કર્યું હોય તે જ Modeથી અરજદારના તે જ ખાતામાં નાણાં પરત કરવામાં આવશે.