યુવાને ૨૦ લાખ ભરેલી બેગ ઉઠાવનારનો ફિલ્મી સ્ટાઇલે કર્યો પીછો
બારડોલી, સુરતના બારડોલીમાંથી કારના કાંચ તોડીને ૨૦ લાખ ભરેલી બેગની ચિલઝડપ કરવામાં આવી હતી. જેમાં એક જાગૃત યુવાન આદિલ મેમણે ચિલઝડપ કરનાર લોકોનો ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરીને લાખો રૂપિયા ભરેલી બેગ બચાવી લીધી હતી.
આ અંગેનો દિલધડક વીડિયો સામે આવ્યો છે. જાેકે, આ રૂપિયા આપના નેતા રાજેન્દ્ર સોલંકીના હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, બારડોલીના પોલીસ મથકના દરવાજા પાસે પાર્ક કરેલી કારમાંથી રૂપિયા ૨૦ લાખ ભરેલી બેગની ચિલઝડપ થઇ હતી.
જેમાં એક જાગૃત યુવાને પૈસા ભરેલી બેગ બચાવી બારડોલી પોલીસ મથકે સોંપી દીધી હતી. જેનો વીડિયા હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ ફરી રહ્યો છે. બારડોલી તેમજ સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતાં ૨૦ લાખ રૂપિયા આમ આદમી પાર્ટીના બારડોલી વિધાનસભાના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીના હોવાનું સામે આવ્યું હતું.
જેથી બારડોલી પોલીસે રાજેન્દ્ર સોલંકીની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી. આ સાથે પોલીસે આઈ.ટી વિભાગને પણ જાણ કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજેન્દ્ર સોલંકીનું નામ લીધા વિના પ્રહારો કર્યા હતા. નોંધનીય છે કે, બારડોલીના અતિચકચારી ચિલઝડપના કિસ્સામાં નવો વળાંક આવ્યો છે.
બુધવારે સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે પોલીસ મથક સામે પાર્ક કરેલી એક ઇકો સ્પોર્ટ કારના કાચ તોડી બાઈક સવાર બે ઈસમો બેગ લઈ ફરાર થઈ ગયા હતા.
તે દરમિયાન બારડોલીના એક યુવાને ચિલઝડપ કરનાર બંને ઇસમોનો આશરે દોઢ કિલોમીટર સુધી પીછો કર્યો હતો. પીછો કરનાર યુવાન આદિલ મેમણે ચોર ચોરની બુમો મારતા ચિલઝડપ કરનાર ચોરટાઓ ગભરાઈને આર.ટી.ઓ નજીક કાળા રંગની બેગ ફેંકી ફરાર થઈ ગયા હતા. આદિલ મેમણે બેગ ઉઠાવી પોલીસ મથકમાં જમા કરાવી હતી.SS1MS