Western Times News

Gujarati News

મહારાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર

મુંબઇ, મુંબઈમાં કાળાંડિબાંગ વાદળો સાથે અંધારુ છવાયા બાદ ભારે વરસાદ તૂટી પડયો હતો. પશ્ચિમનાં બોરીવલી, કાંદિવલી, અંધેરી, વિલે પાર્લે, સાંતાક્રૂઝ, બાંદ્રાથી લઇને દાદર, લોઅર પરેલ અને ચર્ચગેટ સુધી જ્યારે પૂર્વનાં પરાં ઘાટકોપર, મુલુંડ, પવઇમાં ચોમાસા જેવું ભારે તોફાની વાતાવરણ જામ્યું હતું.

બીજીબાજુ ગોંદિયા, આપ્ટી(બીડ), ધુળે, સતારા, પુણે, મહાબળેશ્વર, માથેરાનમાં પણ અસલ ચોમાસા જેવો રસતરબોળ માહોલ સર્જાયો હતો.

બે-ત્રણ દિવસના સતત વરસાદથી આ તમામ વિસ્તારમાંનાં ખેતરો અને વાડીઓમાં વરસાદી પાણી ભરાઇ ગયાં હોવાથી સોયાબીન, શેરડી, કપાસ, દ્રાક્ષ વગેરે ઉભો પાક વેરવિખેર થઇ ગયો હોવાના સમાચાર મળે છે. લીલા દુકાળ જેવી ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઇ હોવાથી આ તમામ વિસ્તારના ખેડૂતો રાજ્ય સરકાર સમક્ષ રાહત અને મદદની માગણી કરે તેવી ચર્ચા પણ થઇ રહી છે.

હવામાન ખાતાએ આવતા ચાર દિવસ(૧૪થી ૧૭–ઓક્ટોબર) દરમિયાન કોંકણ(રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ– યલો એલર્ટ), મધ્ય મહારાષ્ટ્ર(નાશિક, અહમદનગર, પુણે, સાતારા, સાંગલી, સોલાપુર-એલર્ટ), મરાઠવાડા(બીડ,નાંદેડ, લાતુર, જાલના-યલો એલર્ટ) સહિત વિદર્ભનાં અમુક સ્થળોએ મેઘગર્જના, વીજળીના કડાકા, તીવ્ર પવન સાથે હળવી વર્ષા થવાનો સંકેત આપ્યો છે.

હવામાન ખાતાના મુંબઇ કેન્દ્રના ડાયરેક્ટર ડો. જયંત સરકારના અહેવાલ મુજબ હાલ કોંકણ-ગોવાના સમુદ્ર કિનારાથી દૂરના આકાશમાં ૩.૧થી૫.૮ કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્‌યુલેશનની અસર છે.

વળી, હાલ મુંબઇ – મહારાષ્ટ્ર પર પૂર્વના બંગાળના ઉપસાગર પરથી ભરપૂર ભેજવાળા પવનો જ્યારે ઉત્તર દિશામાંથી સૂકા પવનો વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાઇ રહ્યા છે. ભેજવાળા અને સૂકા પવનોની જબરી ટક્કરને કારણે મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં મેઘગર્જના અને વીજળીના કડાકા થાય છે.

હાલ મુંબઇ -મહારાષ્ટ્ર પર ઉત્તર-પૂર્વના પવનો પણ ફૂંકાવા શરૃ થયા છે. અત્યારસુધી મુંબઇ-મહારાષ્ટ્ર પર નૈઋત્યના ભેજવાળા વરસાદી પવનો ફૂંકાતા હતા પણ હવે પવનની દિશા નૈઋત્યમાંથી તબક્કાવાર બદલાઇ ને ઉત્તર-પૂર્વ(હિમાલય પર્વતમાળા)માંથી શરૃ થઇ છે.

પરિણામે થોડા દિવસ બાદ મુંબઇ-મહારાષ્ટ્રનું વાતાવરણ પણ સૂકું થતું જશે. ઠંડકનો ગમતીલો અનુભવ થશે. સમગ્ર રીતે કહીએ તો હાલ વર્ષા ઋતુ પૂરી થઇ અને શિયાળાની મોસમનાં એંધાણ શરૃ થયાં છે.એટલે કે આ સમયગાળો ચોમાસાની સમાપ્તિ અને શિયાળાના આગમનનો સંધિકાળ કહેવાય છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.