Western Times News

Gujarati News

“દર્શકો અશોકના પાત્રને આવકારશે અથવા ધિક્કારશે”: મોહિત ડાગા

એક દાયકાથી ટેલિવિઝન ઉદ્યોગમાં રહ્યા પછી અભિનેતા મોહિત ડાગા એન્ડટીવીના નવા ફેમિલી ડ્રામા દૂસરી મામાં અશોકના પાત્ર સાથે કમબેક કરી રહ્યો છે. ઝી સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત અને ઈમ્તિયાઝ પંજાબી દ્વારા સહ-નિર્મિત દૂસરી મા ઉત્તર પ્રદેશમાં પતિ અશોક અને બે પુત્રી તથા સાસરિયાં સાથે રહેતી યશોદા (નેહા જોશી) નામે મહિલાની વાર્તા છે.

તે અને તેનો પતિ અશોક અજ્ઞાત રીતે અશોકના જ અગાઉના સંબંધમાંથી જન્મેલા કૃષ્ણા (આયુધ ભાનુશાલી)ને દત્તક લઈ બેસે છે, જેને લઈ તેમના સુખી, શાંતિપૂર્ણ પારિવારિક જીવનમાં ઊથલપાથલ મચી જાય છે. નવા શો અને પાત્ર બાબતે રોમાંચિક મોહિત ટેલિવિઝન ઉદ્યોગમાં તેની કારકિર્દી, આગામી પ્રોજેક્ટ, અશોકની ભૂમિકા વગેરે વિશે મજેદાર વાતો કરે છે.

1.     દૂસરી મામાં તારા પાત્ર અશોક વિશે અમને કહેશે?

અશોક વહાલો અને કાળજી રાખનારો પતિ છે, જે પરિવારને બેહદ ચાહે છે. તે પત્ની યશોદા (નેહા જોશી) અને પુત્રીઓ પર ગર્વ મહેસૂસ કરે છે. તે તેના પારંપરિક અને પુરુષપ્રધાન વાલીઓની સામે તેમને ટેકો આપે છે. તે નાના ભાઈ અને પરિણીત બહેનને પણ ભાવનાત્મક અને નાણાકીય રીતે સાથ આપે છે. તે પોતાના ક્ષેત્રમાં પ્રસિદ્ધ વ્યાવસાયિક વકીલ છે અને મોટી સફળતા હાંસલ કરી છે. તે સુખી અને પરિપૂર્ણ જીવન વિતાવતો હોય છે ત્યાં તેના અગાઉના સંબંધમાંથી જન્મેલા કૃષ્ણ (આયુધ ભાનુશાલી)ના રૂપમાં તેના જીવનમાં મોટું વાવાઝોડું આવે છે. અશોકનો માલા સાથે પુત્રને પ્રેમ કરે છે. કૃષ્ણા અનાથ નથી. જોકે યશોદા માલા અને કૃષ્ણાને મળે તે પછી જ અશોક પોતાનું બાળક અસ્તિત્વમાં છે તે વિશે વાકેફ બને છે. જોકે કૃષ્ણા તેનું સંતાન છે એવી જાણ થતાં તે પરિવારમાં ભંગાણ પડશે એવા ભયથી યશોદાને આ વાત જણાવવા ડરે છે. જોકે તેનો પુત્ર અનાથાલયમાં છે એ વાત તેને પરેશાન કરે છે.

2.     અશોક જેવું પાત્ર લેવાનું કઈ રીતે મન થયું, શું દર્શકો પાત્ર સાથે પોતાને જોડશે એવું લાગે છે?

દૂસરી મામાં મારું પાત્ર અશોક રસપ્રદ અને મને રિલેટેબલ છે. તે પરિવાર પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે. તે વાલીઓ, પત્ની, સંતાન અને ભાઈ- બહેન સાથે રહેતો જવાબદાર પુરુષ છે. મારું જીવન અસલ જીવનમાં પણ મારા પરિવાર આસપાસ વીંટળાયેલું છે. આથી જ આ પાત્ર મને ગમે છે. જોકે ગૂંચભરી પાર્શ્વભૂ અને મારા પાત્ર સાથે ભાવનાત્મક આઘાતને લઈ દર્શકો અશોકને સ્વીકારશે અથવા ધિક્કારશે અને હું બધું જ સ્વીકારવા તૈયાર છું. કલાકાર તરીકે મને નવા પડકારો સ્વીકારવાનું ગમે છે. બધા અલગ અલગ સ્તરનો પેશન ધરાવે છે અને હું મારા કામ પ્રત્યે બહુ લગાવ ધરાવું છું. તે મને સંતોષ આપે છે અને કલાકાર તરીકે ઉત્ક્રાંતિ કરવામાં મદદ કરે છે. હંમેશાં નવી નવી શીખ તમારી વાટ જોતી હોય છે.

3.     બે વર્ષના ગાળા પછી પડદા પર પાછા આવવાનું કેવું લાગી રહ્યુંછે?

ટેલિવિઝન પર પાછા આવવાનું બહુ સારું લાગી રહ્યું છે. મારો પરિવાર, ખાસ કરીને મારી પત્નીની ખુશીનો પાર નથી. મેં ઘણા બધા ટેલિવિઝન શોમાં કામ કર્યું છે અને નામના મળી છે, પરંતુ એક સમય આવ્યો જ્યારે મારી કારકિર્દી અટકી ગઈ છે એવું મહેસૂસ થયું. હું નિરાશ હતો કારણ કે મારી પાસે કશું રસપ્રદ આવતું નહોતું. 2020માં હું મધ્ય પ્રદેશમાં ગદરવારામાં મારા વતનમાં પાછો આવ્યો અને મારો પોતાનો સિમેન્ટનો ધંધો શરૂ કર્યો ધંધો સારો ચાલતો હતો તે છતાં મને અભિનયમાં પાછા આવવાની તીવ્ર તાલાવેલી રહી હતી. આભારવશ મારી પ્રાર્થના ફળી અને મને લોકડાઉન પછી ઓડિશન માટે કોલ આવવાનું શરૂ થયું. તેમાંથી જ એક અશોકની ભૂમિકા માટે કોલ હતો. આ આશીર્વાદરૂપ હતું.

4.     જયપુરમાં શૂટનો અનુભવ કેવો રહ્યો. શું તારા પરિવારની ખોટ સાલે છે?

જયપુરમાં દૂસરી મા માટે શૂટિંગમાં મજા આવી રહી છે. લોકેશન અદભુત છે અને મને સંપૂર્ણ નહીં તો પણ શહેરમાં ફરવા થોડો સમય મળે છે. અમારા બધા માટે શિડ્યુલ તંગ છે. ટીમ સાથે કામ કરવાની મજા આવી રહી છે અને અમે બધા જ પરિવારથી દૂર એકત્ર મજેદાર સમય વિતાવીએ છીએ, જેથી મિત્ર બની ગયા છીએ. એક રીતે એકબીજા સાથે કામ, એકત્ર ભોજન, ઉજવણી સાથે આ અમારો બીજો પરિવાર બની ગયો છે. દરેક વીતતા દિવસ સાથે આ જોડાણ મજબૂત બની રહ્યું છે. સેટ્સ પર અમે રિહર્સલ કરીએ છીએ એકત્ર ખાઈએ છીએ. શૂટિંગ નહીં હોય ત્યારે અમે બધા સ્થાનિક વાનગીઓ, ગલીઓમાં મળતાં ખાદ્યો માણીએ છીએ અને શહેરના સમૃદ્ધ વારસાને પણ માણીએ છીએ. મને મારા પરિવારની બહુ ખોટ સાલે છે અને રોજ હું સમય કાઢીને એક વાર તેમની જોડે વાત કરી લઉં છું. તેઓ, ખાસ કરીને મારી પત્ની મને બહુ સાથ આપે છે. મને આ ભૂમિકા મળી ત્યારે તે બહુ ખુશ થઈ ગઈ હતી અને મારી પુત્રીઓને પણ સારું લાગ્યું. તેઓ કોઈક વાર મને મળવા આવવા માગે છે અને અમે પછી બહાર ફરવા જઈશું.

5.     નેહા જોશી અને આયુધ ભાનુશાલી સાથે શૂટિંગ કરવાનો અનુભવ કેવો રહ્યો છે?

નેહા જોશી અને આયુધ ભાનુશાળી સાથે શૂટિંગનો અનુભવ અતુલનીય છે. આનાથી વધુ સારા સહ- કલાકારો મળી નહીં શકે. અમારા શૂટિંગના શિડ્યુલ અમને વ્યસ્ત રાખે છે તે છતાં અમે ત્રણેય શક્ય હોય ત્યારે બહાર નીકળીને આ ગુલાબી શહેર માણીએ છીએ. નેહા અને આયુધ બહુ પ્રતિભાશાળી છે અને એકદમ પ્રોફેશનલ છે. આયુધ એકદમ પૂર્વસક્રિય બાળક છે અને એક જગ્યાએ ક્યારેય બેસતો નથી. સેટ્સ પર તેની ઊર્જા મને ગમે છે. દરમિયાન નેહા અને હું રમતગમત, કળા અને રાજકારણ પર લાંબી ચર્ચાઓ કરતાં રહીએ છીએ. તેમની પાસેથી ઘણું બધું શીખવા મળે છે.

6.     તમારા દર્શકો માટે કોઈ સંદેશ આપવા માગે છે?

દૂસરી મા ભાવનાઓ, મજબૂત કેરેક્ટરાઈઝેશન અને શક્તિશાળી વાર્તારેખા સાથે ભરચક ફેમિલી ડ્રામા છે. મને ખાતરી છે કે દર્શકોને તે ગમશે. મને આશા છે કે અમારા દર્શકો વાર્તા સાથે પોતાને જોડે, અમારી સખત મહેનતની કદર કરે અને અમારા પ્રવાસમાં અમને ટેકો આપીને આ શોને ભવ્ય સફળતા અપાવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.