Western Times News

Gujarati News

તાશ્કંદ આઇ.ટી. પાર્કનું ગૃપ ર૦ નવેમ્બરે ગુજરાત આવશે

ઉઝબેકિસ્તાનના ભારત સ્થિત રાજદૂતે મુખ્યમંત્રીશ્રી સાથે ગાંધીનગરમાં ફળદાયી બેઠક યોજી- ઉઝબેકિસ્તાન ડેલિગેશનમાં ગયેલા અગ્રણીઓ બેઠકમાં જોડાયા 

ઉઝબેકિસ્તાન – ગુજરાત વચ્ચે વિવિધ ૧૧ MoUના ફોલોઅપ – પ્રગતિની સમીક્ષા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તાજેતરમાં તા. ૧૯ થી ર૩ ઓકટોબર દરમ્યાન ગુજરાત ડેલિગેશન સાથે ઉઝબેકિસ્તાનની લીધેલી મૂલાકાત અત્યંત ફળદાયી નિવડી છે.  આ મૂલાકાત દરમ્યાન ઉઝબેકિસ્તાન-ગુજરાત વચ્ચે પરસ્પર સહયોગના વિવિધ ૧૧ જેટલા MoU કરવામાં આવેલા. આ સંદર્ભમાં ઉઝબેકિસ્તાનના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત ફરહોદ અર્ઝીવે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી સાથે મૂલાકાત – બેઠક યોજીને આ આપસી સમજૂતિ કરારને પ્રગતિની દિશામાં ઝડપભેર આગળ વધારવા ફળદાયી પરામર્શ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી સાથેની વાતચીતમાં ઉઝબેકિસ્તાન રાજદૂતે જણાવ્યું કે, ગુજરાત ડેલિગેશનના ઉઝબેકિસ્તાન પ્રવાસ દરમ્યાન થયેલા MoU અને બેઠકોની ચર્ચાઓને નક્કર રૂપ આપવાના હેતુથી ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપતિ શ્રીયુત શવકત મિરીઝીયોવેવ એ તેમના વિદેશ વેપાર મંત્રી, ઇનોવેશન મંત્રી તથા વિવિધ વિભાગોના ડેપ્યુટી મિનીસ્ટર્સ અને ડેપ્યુટી ગર્વનર્સ તેમજ વેપાર ઊદ્યોગ મંડળના પ્રતિનિધિઓને તાશ્કંદ સ્થિત ભારતીય રાજદૂત સાથે બેઠક કરવા સુચવ્યું હતું.

આ બેઠકમાં ઉઝબેકિસ્તાન – ગુજરાત વચ્ચેના પરસ્પર સંબંધો વધુ સુદ્રઢ કરવા અને થયેલા MoU સાકાર કરવા ત્રણ એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યા હતા.  મુખ્યમંત્રીશ્રી સાથેની બેઠકમાં આ અંગે ઉઝબેકિસ્તાનના ભારત સ્થિત રાજદૂતે જણાવ્યું કે, નવેમ્બર માસના અંતે ઉઝબેકિસ્તાનનું એક હાઇપાવર ડેલિગેશન ગુજરાત આવશે.

ઉઝબેકિસ્તાનના મિનિસ્ટર ઓફ ઇનોવેશન, ડેપ્યુટી મિનીસ્ટર ઓફ એગ્રીકલ્ચર અને ચેમ્બર ઓફ કોમર્સના વડાનું આ ડેલિગેશન એગ્રીકલ્ચર યુનિવર્સિટી, GFSU, PDPU, આઇ-ક્રિયેટ જેવી તજ્જ્ઞ સંસ્થાઓ અને કચ્છ વગેરે પ્રદેશમાં નેચરલ – ઓર્ગેનિક ફાર્મીંગ સેન્ટર્સની મૂલાકાત કરશે.

મુખ્યમંત્રીશ્રીને તેમણે એવી પણ માહિતી આપી કે, શિક્ષણ, ઊર્જા, સાયન્સ ટેકનોલોજી ક્ષેત્ર તથા ઇનોવેશન સેન્ટર્સ વગેરેમાં ઉઝબેકિસ્તાન–ગુજરાત સહકાર સંભાવનાઓ તપાસવા ઉઝબેકિસ્તાનના સંબંધિત મંત્રાલયોના મંત્રીઓનું એક વર્કીંગ ગૃપ તા. ૧ર થી ૧૭ નવેમ્બર દરમ્યાન ગુજરાત આવવાનું છે.

એટલું જ નહિ, ઉઝબેકિસ્તાનના ડાયરેકટર ઓફ ટેકનોલોજી પાર્કના નેતૃત્વમાં તાશ્કંદ આઇ.ટી. પાર્કનું એક ગૃપ ર૦ નવેમ્બરે ગુજરાત આવશે. ગુજરાત ડેલિગેશનના ઉઝબેકિસ્તાન પ્રવાસ દરમયાન જે આઇ.ટી. કંપનીઓએ સહયોગ માટે રસ દાખવેલો તેમની સાથે સહયોગનો સેતુ વધુ વ્યાપક બનાવવાના હેતુસર આ ગૃપ ગુજરાત આવવાનું છે.

મુખ્યમંત્રીશ્રી સાથે ઉઝબેકિસ્તાનના ભારત સ્થિત રાજદૂતની આ મહત્વપૂર્ણ મૂલાકાત બેઠકમાં શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ઉઝબેકિસ્તાન પ્રવાસે ગયેલા ડેલિગેશનના સભ્યો, કૃષિના અધિક મુખ્ય સચિવ શ્રી પી. કે. પરમાર, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી મનોજકુમાર દાસ તેમજ ડેલિગેશનમાં જોડાયેલા વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.