Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પોલીસ અકાદમી કરાઇ ખાતે  પોલીસ શહિદ સ્મૃતિ દિવસ મનાવાયો

શાંતિ અને સુરક્ષા માટે ફરજ બજાવતા જીવ ગુમાવનાર તમામ પોલીસ કર્મીઓને  દિલથી સલામ-અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલિ : ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી

પોલીસ અકાદમી કરાઇ ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં ૨૧ ઓક્ટોબર-પોલીસ શહિદ સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો હતો. જેમાં  શહિદ પોલીસ કર્મીઓને ભાવસભર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીએ દેશમાં સામાજિક સુરક્ષા અને શાંતિ માટે ફરજ બજાવતા જીવ ગુમાવનાર તમામ પોલીસ કર્મીઓને દિલથી સલામ કરીને અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. શહિદોનું બલીદાન આપણને દેશ પ્રત્યે ફરજ નિષ્ઠા, અને દેશ પ્રથમનો સંદેશ આપે છે. શહીદ સ્મૃતિ દિવસના કાર્યક્રમો ભાવિ પેઢીને પ્રોત્સાહિત કરવાનું મહત્વનું કાર્ય કરે છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ, તાલીમાર્થીઓ, શહીદ થયેલ જવાનોના  પરિજનો તેમજ તમામને શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે  હદયપૂર્વક આવકારતા કહ્યું હતું કે  તમામ બહાદુર પોલીસકર્મીઓને મારી સલામ કે જેમણે ફરજ માટે પોતાનો જીવ આપ્યો

અને તેમના પરિવારજનોને પણ વંદન જેમણે રાષ્ટ્ર માટે પોતાના પ્રિયજનોનું બલિદાન આપ્યું છે. સમાજ વચ્ચે રહીને કાર્યરત પોલીસ જવાનો અનેક મોરચે લડતા હોય છે. સામાજિક સુરક્ષા અને શાંતિ સલામતી માટે કોઈ ઘટનામાં જીવ ગુમાવનાર પોલીસ કર્મિનું બલીદાન બોર્ડર પર શહીદ જવાન જેટલું જ મહત્વનું છે.

તેમણે કહ્યું હતુ કે કાયદો અને વ્યવસ્થા જાળવવાથી લઈને ભયંકર ગુનાઓ ઉકેલવા, આપત્તિ વ્યવસ્થાપનમાં સહાયથી લઈને કોવિડ-19 સામે લડવા સુધી, પોલીસ કર્મચારીઓ હંમેશા ખચકાટ વિના પોતાનું કર્તવ્ય નિભાવે છે. આપની મહેનત, નિષ્ઠા, ફરજ પ્રત્યેની વફાદારી અને નાગરિકોને મદદ કરવાની તત્પરતા પર સૌને ગર્વ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હી ખાતે શહિદોની સ્મૃતિ કાયમ રહે, અને દેશ એમની શહાદત પર ગર્વ કરે તે માટે શહીદ સ્મારક અને નેશનલ વોર મેમોરિયલ્નું નિર્માણ કર્યું છે.

તેમણે પોલીસ શહિદ સ્મૃતિ દિવસ વિષેની વિગતો આપતાં કહ્યું હતું કે 21 ઓક્ટોબર, 1959ના રોજ ચીની સૈનિકોએ લદ્દાખમાં વીસ ભારતીય સૈનિકો પર ગોળીબાર કર્યો અને ગ્રેનેડ ફેંક્યા. આ ઘટનામાં દસ બહાદુર પોલીસ કર્મચારીઓ શહીદ થયા હતા. એક મહિનાથી વધુ સમય પછી, ચીની સૈનિકોએ શહીદ પોલીસકર્મીઓના મૃતદેહો ભારતને સોંપ્યા. જેમના સંપૂર્ણ સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શહીદ એ ગ્રીક શબ્દ “શહીદો” સાથે સંબંધિત અરબી શબ્દ છે જેનો અર્થ “સાક્ષી અને શહીદ બંને” થાય છે. “ભારતમાં, આ શબ્દ રાષ્ટ્ર માટે પોતાનું જીવન બલિદાન આપનાર માટે વપરાતો આવ્યો છે. વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સૈનિકોને તેમના ઉમદા આત્મ બલિદાન માટે ‘શહીદ’ ઉપસર્ગ મળ્યો છે.

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે આપણે સૌ સાથે મળીને ગુજરાત તથા દેશમાં સુરક્ષા અને શાંતિ જળવાઇ રહે અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા હરહંમેશ પ્રયાસો  કરીએ. વિકાસની હરણફાળમાં સમાજના તમામ વર્ગો -ધર્મના નાગરિકો સાથે મળીને આગળ વધીએ તેવી ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ શુભકામના પાઠવી હતી.

શહીદ થયેલા પોલીસ જવાનોને યાદ કરીને ઉપસ્થિત મહાનુભાવો અને પોલીસ પરિવારના કુટુંબીજનો દ્વારા ભાવસભર પુષ્પાંજલિ આપીને મંત્રીશ્રીના હસ્તે શહીદી પરિવારોને શહીદી સ્મૃતિ સહાય અર્પણ કરવામાં આવી હતી.

પોલીસ અકાદમી કરાઇ ખાતે પોલીસ શહિદ સ્મૃતિ દિવસ નિમિત્તે રાજ્યના પોલીસ વડા શ્રી આશિષ ભાટિયા, તાલીમ અકાદમીના ડી.જી.પી., ઉચ્ચ પોલીસ અધિકારીઓ-કર્મીઓ સહિત શહીદોના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતા.  -જનક દેસાઇ

Copyright © All rights reserved. | Developed by Aneri Developers