Western Times News

Gujarati News

મેલબોર્નમાં પાકિસ્તાન સામેની દિલધડક મેચમાં ભારતનો વિજય

પાકિસ્તાને આપેલા ૧૬૦ રનના ટાર્ગેટ સામે ભારતે ૬ વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધોઃ ભારતીય ટીમે જીત મેળવી બે પોઈન્ટ્‌સ મેળવ્યા

મેલબોર્ન,  ભારતે ઐતિહાસિક મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં છેલ્લા દડા સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં પાકિસ્તાનને હરાવી દેશને દિવાળી ગિફ્ટ આપી છે. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની ઐતિહાસિક બેટિંગને આખું પાકિસ્તાન યાદ રાખશે. આજથી ૨૬૪ દિવસ પહેલા ૨૦૨૧માં મળેલી હારનો ભારતીય ટીમે બદલો લઈ લીધો છે.

છેલ્લી ઓવરમાં ભારતને ૧૬ રન જાેઈતા હતા અને નવાઝની આ ઓવરમાં વાઈટ, નૉ બોલ, છગ્ગો અને વિકેટ બધું જાેવા મળ્યું અને આખરે ભારતીય ટીમે જીત મેળવી બે પોઈન્ટ્‌સ મેળવવાની સાથે, પાકિસ્તાનનું અભિમાન પણ ચકનાચૂર કરી દીધું.
્‌૨૦ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવીને શાનદાર શરુઆત કરી છે.

પાકિસ્તાને આપેલા ૧૬૦ રનના ટાર્ગેટ સામે ભારતે ૬ વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો. આજની મેચમાં વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા મેચના હિરો સાબિત થયા હતા. વિરાટ કોહલીએ ૮૨ રનની શાનદાર ઈનિંગ રમીને રનની આતબાજી સમાન બેટિંગ કરીને અણનમ રહ્યો હતો. આ સાથે હાર્દિક પંડ્યાએ પણ ૩૭ બોલમાં ૪૦ રનનું યોગદાન આપ્યું હતું.

૧૬૦ રનના ટાર્ગેટ સામે ભારત શરૂઆત નબળી રહી હતી. કેએલ. રાહુલ અને રોહિત શર્મા ૪-૪ રન બનાવીને આઉટ થયા હતા અને ૧૦ રનમાં ભારતે બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી હતી જાે કે, સૂર્યકુમાર ૧૫ રન બનાવીને આઉટ થઈ હતો.

ભારતનો સ્કોર ૧૦ ઓવર બાદ ૪૫ રન પર જ હતો ત્યારે વિરાટ કોહલી ૧૨ રન અને હાર્દિક પંડ્યા ૭ રન સાથે રમતમાં હતા. ત્યાર બાદ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરતાં ભારતે અંતિમ ઓવરમાં ૧૬૦ રન બનાવી લીધા હતા. આ દરમિયાન અક્ષર પટેલ ૨ રન, દિનેશ કાર્તિક ૧ રન બનાવી આઉટ થયા હતા. જ્યારે આર. અશ્વિન ૧ રન બનાવી અણનમ રહ્યો હતો.

વિરાટ કોહલીએ મુશ્કેલ સમયમાં હાર્દિક પંડ્યા સાથે મળીને ભારતની બાજી સંભાળી હતી. એક સમયે ભારતની જરૂરી રન રેટ ૧૨ નજીક પહોંચી ગઈ હતી. પરંતુ કોહલી અને હાર્દિકે ધીરજ ગુમાવ્યા વગર બેટિંગ કરી હતી. જ્યારે જરૂર પડી ત્યારે બંનેએ રન ગતિ ઝડપી બનાવી હતી.

હાર્દિક પંડ્યા અને કોહલીએ ૧૧૩ રનની મેચ વિનિંગ ભાગીદારી નોંધાવી હતી. હાર્દિક પંડ્યા ૩૭ બોલમાં ૪૦ રન નોંધાવીને અંતિમ ઓવરના પ્રથમ બોલ પર આઉટ થઈ ગયો હતો. તેણે એક ચોગ્ગો અને બે સિક્સર ફટકારી હતી. જ્યારે કોહલીએ ૫૩ બોલમાં છ ચોગ્ગા અને ચાર સિક્સર સાથે ૮૨ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી.

ભારતને અંતિમ ઓવરમાં જીતવા માટે છ બોલમાં ૧૬ રનની જરૂર હતી. પ્રથમ બોલ પર હાર્દિક પંડ્યા આઉટ થયો હતો. સ્પિનર મોહમ્મદ નવાઝે કરેલી ઓવરના બીજા બોલ પર દિનેશ કાર્તિકે એક રન લીધો હતો જ્યારે ત્રીજા બોલ પર કોહલીએ બે રન લીધા હતા. ચોથો બોલ ફૂલટોસ હતો જેના પર કોહલીએ સિક્સર ફટકારી હતી.

આ બોલ હાઈટ પ્રમાણે નો બોલ હતો તેથી ભારતને એક ફ્રી હિટ પણ મળી હતી. ફ્રી હિટનો બોલ વાઈડ ગયો હતો. તેથી ફ્રી હિટ ચાલું રહી હતી. તેથી ફ્રી હિટના બોલ પર કોહલી બોલ્ડ થયો હતો અને બોલ બાઉન્ડ્રી બાજુ જતાં ત્રણ રન દોડી લીધા હતા. અંતિમ બે બોલમાં ભારતને બે રનની જરૂર હતી. પાંચમાં બોલ પર કાર્તિક આઉટ થયો હતો. ભારતને હવે એક બોલમાં બે રન જાેઈતા હતા. પરંતુ અંતિમ બોલ વાઈડ જતાં ભારતને વધારાનો એક બોલ મળ્યો હતો. અંતિમ બોલ પર અશ્વિને સફળતાપૂર્વક શોટ રમ્યો હતો અને ભારતનો વિજય થયો હતો.

પાકિસ્તાનની શરૂઆત નબળી થઈ હતી. કેપ્ટન બાબર આઝમ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. રિઝવાન ૪ રન બનાવી આઉટ થયો હતો. જે બાદ ઈફ્તિખાર અહેમદ અને મસૂદે ત્રીજી વિકેટ માટે ૭૬ રનની પાર્ટનરશિપ કરી હતી. ૧૪મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ એક જ ઓવરમાં બે વિકેટ લઈને પાકિસ્તાનને બેકફૂટ પર ધકેલી દીધું હતું.

પાકિસ્તાને ૨૦ ઓવરમાં ૮ વિકેટના નુકસાન પર ૧૫૯ રન બનાવ્યા હતા. શાન મસૂદે સર્વાધિક ૫૨ રન બનાવ્યા હતા. ઈફ્તિખાર અહેમદે ૩૪ બોલમાં ૫૧ રનની ઈનિંગ રમી હતી. શાહિન આફ્રિદીએ ૭ બોલમાં ૧૬ રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપે ૩૨ રનમાં ૩, હાર્દિક પંડ્યાએ ૩૦ રનમાં ૩ અને મોહમ્મદ શમીએ ૨૫ રનમાં ૧, ભુવનેશ્વર કુમારે વિકેટ લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.