Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

10 લાખની કિંમતના સોલિટેરની માંગના ઘટાડાને કારણે કિંમત 7 લાખ થઈ

૧૦ લાખથી વધારેના ભાવના સોલિટેર અત્યારે સાત લાખમાં ખરીદી શકાય છેઃ સોલિટેર ખરીદવા રસ વધ્યો-સોલિટેરના ભાવમાં ૧૫થી ૩૦ ટકાનો જંગી ઘટાડો

અમદાવાદ,  ડાયમંડ જાેતા જ તમારી આંખોમાં ચમક આવી જતી હોય તો તમારે સોલિટેર ખરીદવાનો વિચાર કરવો જાેઈએ. હાલમાં સોલિટેરના ભાવમાં ૧૫થી ૩૦ ટકા જેટલો જંગી ઘટાડો થયો છે. ભાવમાં ઘટાડાનો આધાર સોલિટેરની કેટેગરી પર છે. છેલ્લા બે મહિનામાં સોના અને ડાયમંડના ભાવમાં થયેલા ઘટાડાના કારણે આ અસર જાેવા મળી છે અને જ્વેલર્સને તહેવારોમાં તથા ત્યાર પછી પણ ભારે ઘરાકીની આશા છે.

ઈન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે સોલિટેરના ભાવમાં કરેક્શન આવ્યું છે. આંતરિક કટોકટીના કારણે ચીનમાં સપ્લાયને અસર થઈ છે. ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટના ચેરમેને જણાવ્યું કે, ચીનમાં સોલિટેરના સપ્લાય અંગે અનિશ્ચિતતા છે.

આ ઉપરાંત તેમાં કેટલાક નિયંત્રણો પણ વધ્યા છે. તેના કારણે આંતરરાષ્ટ્રીય ભાવમાં પણ ઘટાડો થયો છે. પરિણામે ઉત્પાદકો માટે આ એક મુશ્કેલ સ્થિતિ છે, પરંતુ ગ્રાહકોને ફાયદો થયો છે.”જ્વેલર્સ જણાવે છે કે એક સોલિટેરનો ભાવ ત્રણ લાખ રૂપિયાથી વધારે હોઈ શકે છે. હાલના પ્રાઈસિંગ મુજબ ૧૦ લાખથી વધારેના ભાવના સોલિટેર અત્યારે સાત લાખ રૂપિયામાં ખરીદી શકાય છે.

સુરત જ્વેલર્સ એસોસિયેશનના પ્રેસિડન્ટે જણાવ્યું કે, “આ વખતે ધનતેરસે એકંદરે માર્કેટ બહુ સારું રહ્યું હતું. હજુ આગામી કેટલાક મહિના સુધી ખરીદી સારી રહેવાની શક્યતા છે. સોલિટેર ખરીદવા માટે અત્યારે બેસ્ટ સમય છે કારણ કે ભાવમાં ૩૦ ટકા સુધી ઘટાડો થયો છે.”

તેમણે કહ્યું કે સોલિટેરના ભાવમાં ઘટાડાના કારણે લોકો તેના તરફ આકર્ષાશે એવું લાગે છે. આ ઉપરાંત સોનાના ભાવમાં પણ ૧૨થી ૧૫ ટકાનો ઘટાડો થયો છે. અન્ય એક જ્વેલરે જણાવ્યું કે સારી ક્વોલિટીના સોલિટેરનો બહુ મર્યાદિત સપ્લાય છે. હાલમાં પ્રાઈસિંગ બહુ આકર્ષક છે અને અમને સોલિટેર તથા ગોલ્ડ જ્વેલરી બંનેના ઓર્ડર મળી રહ્યા છે.

હાલમાં ઈકોનોમી વિશે ચિંતા હોવા છતાં ગ્રાહકોએ આ વખતે જ્વેલરીની ખરીદીમાં કોઈ કસર છોડી નથી. એક અંદાજ પ્રમાણે ગઈકાલે ધનતેરસ નિમિતે ગુજરાતમાં લગભગ ૪૦૦ કિલોથી વધારે સોનાનું વેચાણ થયું હતું. ગોલ્ડના ભાવ અત્યારે પ્રેશરમાં છે જેના કારણે ખરીદીને વેગ મળ્યો છે. શનિવારે એક જ દિવસની અંદર રાજ્યમાં લગભગ ૨૫ ટન ચાંદીનું વેચાણ પણ નોંધાયું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers