Western Times News

Gujarati News

વરસાદનાં કારણે ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાન માટે ૧૪ જિલ્લાના ગામોમાં અપાશે રાહત પેકેજ

પ્રતિકાત્મક

રાહત પેકેજમાં ખેડા જિલ્લાના ખેડા તાલુકાનાં ૬ ગામોનાં ખેડુતોનો સમાવેશ થાય છે-ગુજરાત સરકાર દ્વારા ખેડુતો માટે જાહેર કરવામાં આવ્યું “કૃષિ રાહત પેકેજ”

રાજ્યમાં ચાલુ વર્ષે ખરીફ-૨૦૨૨ ઋતુમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયેલ અને ખેતી પાકોને નુકસાન થયાના અહેવાલ રાજ્ય સરકારને મળેલ.

જે અન્વયે જિલ્લા કક્ષાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાક નુકસાન અંગે કરવામાં આવેલ આકલન મુજબના અહેવાલના આધારે અસરગ્રસ્ત જિલ્લાઓના નુકસાનગ્રસ્ત રાજ્યના કુલ ૨૫૫૪ ગામોમાં ઉદભવેલી પરિસ્થિતિને ધ્યાને લઈ ખેડૂતોને સહાય માટે “કૃષિ રાહત પેકેજ” આપવા સરકારે નિર્ણય લીધો છે.

રાજ્યમાં ખરીફ-૨૦૨૨ ઋતુમાં થયેલ ભારે વરસાદના કારણે ઉદભવેલી પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્યના છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, કચ્છ, આણંદ, ખેડા, પોરબંદર, મોરબી અને જુનાગઢ એમ કુલ ૧૪ જિલ્લાઓના નુકસાનગ્રસ્ત કુલ ૨૫૫૪ ગામોને રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ આપવાનું આથી ઠરાવવામાં આવે છે. જે અંતર્ગત ખેડા જિલ્લાના ખેડા તાલુકા વારસંગ, રઢુ, રસિકપુરા, કલોલી, ધરોડા, ચિત્રાસર એમ કુલ 6 ગામોના ખેડૂતો લાભ મળવા પાત્ર છે.

સહાય મળવા પાત્ર જિલ્લાઓ અને ગામોના ખાતેદાર ખેડૂતો કે જેના પાકને ૩૩% અને તેથી વધુ નુકસાન હોય તેવા ખાતેદાર ખેડૂતોને કેળ સિવાયના તમામ અસરગ્રસ્ત પાકોને બિનપિયત પાક ગણી SDRFના ધોરણો મુજબ રૂ.૬૮૦૦/- પ્રતિ હેક્ટર, કેળ પાકનો વિસ્તાર પિયતગણી

SDRF ધોરણો મુજબ રૂ. ૧૩૫૦૦/પ્રતિ હેકટર તેમજ રાજય બજેટમાંથી રૂ.૧૬૫૦૦/- પ્રતિ હેકટર એમ મળી કુલ રૂ.૩૦૦૦૦/- પ્રતિ હેકટર મુજબ અનુક્રમે મહેસૂલ વિભાગના ઠરાવ ક્રમાંક સીએલએસ/૧૦૨૦૧૨/૨૫૩/સ.૩, તા.૨૭/૪/૨૦૧૫ મુજબ SDRF ની ગ્રાન્ટમાંથી તથા રાજ્ય બજેટમાંથી સહાય ચૂકવાશે. પાત્રતા ધરાવતા ખાતેદાર ખેડૂતોને ઉક્ત કોઇ પણ સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં જ મળવાપાત્ર રહેશે.

આ ઉપરાંત જમીન ધારકતાના આધારે SDRFના ધોરણો મુજબ જો સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ.૪૦૦૦/- કરતા ઓછી થતી હોય તો પણ તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા રૂ.૪૦૦૦/ ચૂકવાશે.

આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮ અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨, આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો

અન્ય ખાતેદારોની સહી વાળો “ના – વાંધા અંગેનો સંમતિ પત્ર” વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી તારીખ ૦૧ નવેમ્બર, ૨૦૨૨ થી તારીખ ૨૫ નવેમ્બર, ૨૦૨૨ સુધીમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર VCE/VLE મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહીં.

અરજીની તારીખે રેવન્યુ લેન્ડ રેકર્ડ મુજબ અરજદાર ખાતા ધારક હોવો જોઇશે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લેન્ડ રેકર્ડ ઇન્ટીગ્રેટ કરવા માટે લેન્ડ રેકર્ડની વિગત મહેસૂલ વિભાગે NICને પુરી પાડવાની રહેશે.

આ પેકેજ અંતર્ગતની સહાય ખેડાણ હેઠળના ખાતા દીઠ (ગામ નમૂના નં. ૮/અ દીઠ) એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી કોઇ એક જ ખેડૂતને સહાય મળશે અને તેણે ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે.

લાભાર્થી ખેડૂતે ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પર સંબંધિત VLE/VCE મારફત સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

આ કૃષિ રાહત પેકેજ અંતર્ગત થનાર જિલ્લા કક્ષાની તમામ કાર્યવાહીનું સંકલન, મોનિટરીંગ, સમીક્ષા સંબંધિત જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.