ગીરનારની પરિક્રમા ધાર્મિકના બદલે પિકનિક પોઈન્ટ બનીઃ યુવાનો ધીંગામસ્તીમાં મસ્ત
શ્રદ્ધા પર્વને યુવાધને મનોરંજનનું માધ્યમ બનાવ્યુંઃ ધીંગામસ્તીમાં વડીલોની પરવા પણ કરતા નથી
જૂનાગઢ, ગરવા ગિરનારમાં ૩૩ કરોડ દેવતાનો વાસ મનાય છે. આથી જીવનની આથમતી સંધ્યાએ પુણ્યનું ભાથું બાંધવા ભાવિકો પાંચ રાત્રિનું રોકાણ પ્રકૃતિને ખોળે કરે છે.
આ પરંપરા વર્ષોથી છે. પણ છેલ્લા એક દોઢ દાયકાથી પરિક્રમામાં યુવાધન મોટા પ્રમાણમાં ઉમટે છે, પીકનીકનો આનંદ લૂટે છે તે પરિક્રમાની પરંપરાને લાંછન સમાન છે. ધાર્મિક એવી પરિક્રમાને પીકનીક પોઈન્ટ બનતો અટકાવવાનો કોઈ ઉપાય ખરો ? તે પ્રશ્ન ભાવિકોમાં ઉઠયો છે.
ગિરનારની ગોદમાં ૩૬ કિ.મી.ની પરિક્રમાનો દેવઉઠી અગીયારસની મધરાત્રે વિધિવત પ્રારંભ થાય છે. ભવનાથ તળેટીમાં પડાવ નાખેલ ભાવિકો હર હર મહાદેવના નાદ સાથે પરિક્રમાનો પ્રારંભ કરે છે. ભક્તિમય માહોલ, પારિવારિક સ્નેહ સાથે ભાવિકો પગપાળા ઈટવા ચાર ચોકથી થઈ જીણાબાવાની મઢી પહોંચી પ્રથમ રાત્રી રોકાણ ત્યાં કરે છે સાથે લાવેલ સીધો સામાનથી રસોઈ બનાવી વન ભોજનનો આનંદ લૂટે છે.
બીજા દિવસે સવારે જીણાબાવાની મઢીથી માળવેલા તરફ પ્રયાણ કરે છે તેમાં ઈટવા ઘોડી કષ્ટદાયક છે છતાં શ્રદ્ધાના બળે માળવેલા પહોંચી બીજી રાત્રી રોકાણ કરે છે તેમાં મઢીથી સરકડિયા હનુમાન સુધી કેડી છે સુખનાળાથી માળવેલા સુધી માર્ગ નથી, કેડી છે.
ત્રીજા દિવસે ભાવિકો માળવેલાથી નળપાણીની ઘોડી વટાવી પરિક્રમાના અંતિમ પડાવ બોરદેવી પહોંચે છે ત્યાં રાત્રી રોકાણ કરી, બીજા દિવસે ભવનાથ તળેટી પહોંચી ત્યાં વિસામો લઈ દામોદર કુંડમાં સ્નાન કરી પરિક્રમા પૂર્ણ કરે છે. પરંતુ છેલ્લા દોઢ દાયકાથી સેવાભાવી સંસ્થાઓએ અન્નક્ષેત્ર ચાલુ કર્યાં છે
તેમાં મનગમતું ભોજન પીરસાતુ હોવાથી યુવાધનને માત્ર કપડા, ટુવાલ, ચાદર સિવાય કોઈ વસ્તુ અંદર લઈ જવાની જરૂર પડતી નથી. આથી પીકનીક પોઈન્ટ માની મોટી સંખ્યામાં યુવાધન ઉમટી પડે છે. ઉપરાંત પરિક્રમા માર્ગ ઉપર વડીલોની પરવા કર્યા વગર ધીંગામસ્તી કરતા આગળ વધે છે.
આ સ્થિતિ જાેઈ સાચા પરિક્રમાર્થીઓ દ્રવી ઉઠે છે પણ ટોળા સામે ચુપ રહે છે આ વર્ષ પણ યુવાધનની સંખ્યા વધવાની સંભાવના છે તે સાચા પરિક્રમાર્થીઓને ખલેલ પહોંચાડે છે ત્યારે તેઓને નિયંત્રિત કરવા માટે સાધુ, સંતો, સંસ્થાઓ કોઈ ઉપાય શોધે તે સમયની માંગ છે.