‘તમારે ટિકિટ જાેઈતી હોય તો નિરીક્ષકોની સરભરા કરો’: બોગસ કોલથી છેતરપિંડી
રાહુલ ગાંધીના પીએના નામે આવ્યો બોગસ ફોન-વડોદરાના પૂર્વ સાંસદ સત્યજિત ગાયકવાડે સાયબર ક્રાઈમમાં આપી ફરિયાદ
વડોદરા, વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરના કોંગ્રેસના દાવેદાર એવા અખિલ ભારતીય યુવક કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વડોદરાના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને રાહુલ ગાંધીના પીએ કનિષ્ક સિંઘના નામે ખંખેરી લેવાનો ભેજાભાજે પ્રયાસ કર્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે જે અંગેની ગાયકવાડે સાયબર ક્રાઈમ બ્રાન્ચને જાણકારી આપીને તપાસ કરવાની માંગણી કરી છે.
પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડના જણાવ્યા અનુસાર તેના મોબાઈલ પર રાહુલ ગાંધીના પીએ કનિષ્ક સિંઘના નામે ફોન આવ્યો હતો જેમાં કનિષ્ક સિંઘે કેટલીક રાજકીય ચર્ચાઓ કરી હતી બાદમાં રાહુલ ગાંધીના ગુપ્તચરોની એક ટીમ વડોદરા આવી રહી હોવાનું જણાવ્યું હતું.
વાઘોડિયા વિધાનસભાની બેઠક પર જાે ટિકિટ જાેઈતી હોય તો તેઓની સરભરાની વ્યવસ્થા તથા રોકડા આપવા માટે જણાવ્યું હતું તેઓને નાણાં મળી જશે તો મી ખડગે (કોંગ્રેસના અધ્યક્ષ) તરફથી ફોન આવી જશે.
રાજકીય ક્ષેત્રે દિલ્હીમાં સક્રિય રહેલા સત્યજીત ગાયકવાડને આ મામલે શંકા ઉઠતાં તેમના અવાજમાં કેમ ફેરફાર જણાય છે? તેવો સીધો સવાલ કર્યો હતો જેના પગલે તેઓએ એવો બચાવ કર્યો હતો કે, હાલમાં પદયાત્રામાં વ્યસ્ત હોવાથી થાક લાગી ગયો છે.
જાેકે આ દરમિયાન આ ભેજાબાજ દ્વારા સ્ટેટ બેન્ક ઓફ મોરેશિયસ ખાતે રાજબીર કૌર નામના એક બેન્ક એકાઉન્ટની ડીટેઈલ મોકલી હતી. નાણાં કેટલા મોકલવાના છે તે બાબતે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. ત્યારબાદ ભેજાબાજ દ્વારા હરજાપસિંઘ નામની વ્યક્તિની બેન્ક ડીટેઈલ શેર કરાઈ હતી.
સત્યજીત ગાયકવાડ દ્વારા પાર્ટીમાં ચકાસણી કરવામાં આવી હતી. એક તબક્કે તો કનિષ્ક સિંઘની સાથે વાતચીત કરીને જાણકારી મેળવ્યા બાદ આખી હકીકતની તપાસ કરવા માટે વડોદરા પોલીસની સાયબર બ્રાન્ચમાં અરજી કરી હતી.