Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વિશ્વામિત્રીના કોતરોમાં બનાવેલો ગેરકાયદે પુલ તોડી પડાયો

નાગરવાડા નવી ધરતી સ્લમ કવાર્ટસ પાછળ સ્થાનિક રહીશોએ અવર જવરની સરળતાના કારણે બનાવ્યો હતો ઝુલતો પુલ

વડોદરા, મોરબીમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તુટી પડવાની બનેલી ઘટનાના પગલે રાજયભરમાં તંત્ર સચેત થઈ ગયુ છે. વડોદરાના નાગરવાડા વિસ્તારમાં વિશ્વામિત્રી નદીની કોતરમાં નાગરિકોની સરળતા માટે અવર જવર માટે બનાવવામાં આવેલ ગેરકાયદે પુલને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો.

કોતરના ગંદા પાણીમાં વસતા મગરોથી બચવા માટે સ્થાનિક રહીશો દ્વારા આ પુલને બનાવવામાં આવ્યો હતો. તંત્રની કાર્યવાહી ટાણે તેઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

તાજેતરમાં મોરબીમાં ઝુલતા પુલ તુટવાની ગોજારી ઘટના બાદ વડોદરામાં પણ આવા કોઈ જાેખમી પુલ છે કે, નહી તે અંગે કોર્પોરેશન દ્વારા તપાસ કરવામાં આવી હતી દરમિયાન સ્થાનિક તંત્રને ધ્યાને આવ્યું હતું કે, નાગરવાડા વિસ્તારમાં ક્રિષ્ણાનગર, નાગરવાડા નવીધરતી સ્લમ કવાર્ટસ પાછળ

વિશ્વામિત્રી નદી પર એક ગેરકાયદે પાટીયા અને લોખંડથી બ્રિજ બનાવાયો છે જેનો ઉપયોગ સ્થાનિક લોકો એક તરફથી બીજા તરફજવા માટે કરે છે. જેથી ગત રાત્રે જ કોર્પોરેશન સતર્ક બન્યું હતું બપોરે ગેરકાયદે બનેલા એ પુલને તોડી પડાયો હતો.

વડોદરાના મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાનીએ અધિકારીઓને શહેરના વિવિધ મહત્વપૂર્ણ બ્રીજ, કેબલ બ્રીજ, ગાયકવાડી સમયના બ્રિજ, નાળા, મલ્ટિપ્લેકસ તેમજ શહેરમાં આવેલી જર્જરીત ઈમારતો ચેક કરીને સર્વે કરવાની સૂચના આપી છે. જેના પગલે સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર અને

તેમની ટીમે સયાજીબાગ ગેટ-૧ પાસેનો બ્રિજ, સયાજીબાગમાં વાઘખાના પાસેનો બ્રીજ તેમજ કોમર્સ કોલેજ પાસે વિશ્વામિત્ર બ્રિજ પર નિરીક્ષણ કર્યું હતું તદુપરાંત અન્ય ટીમોએ શહેરના સમા-હરણી બ્રીજ, ઉર્મિ સ્કૂલ પાસેનો બ્રીજ, મંગલ પાંડે બ્રીજ,

ઈએમઈ લો લેવલ બ્રીજ, ભીમનાથ બ્રીજ, કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ બ્રીજ, નરહરી હોસ્પિટલ પાસેનો બ્રીજ, તુલસીવાડી ખાડીબ્રીજ-૧, તુલસીવાડી ખાડી બ્રીજ-ર, કામસઆલા બ્રીજ, આરાધના ટોકીઝ પાસેનો બ્રીજ, પ્લેનેટોરિયમ પાસેના બ્રીજનું ચેકિંગ કર્યું હતું. મ્યુ. કમિશનરની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં આ અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers