Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કલેક્ટરની ઓફિસે ફોન આવતા દોડતું થયું તંત્ર, નીકળ્યો ફેક કૉલ

મોરબી, ૩૦મી ઓક્ટોબરના રોજ મોરબીમાં જે દુર્ઘટના બની તે ગુજરાત ભૂલી નહીં શકે. જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા તેમના માટે તો આ પીડા આજીવન રહેશે.

તંત્રની કાર્યવાહી પણ હજી પૂરી નથી થઈ. પોલીસે મૃતકોનો સત્તાવાર આંકડો જાહેર કર્યો છે, પરંતુ તેમ છતાં લોકોનુ કહેવું છે કે સત્તાવાર આંકડા કરતા વધારે સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન જિલ્લા કલેક્ટરની ઓફિસમાં એક ફોન એવો આવ્યો જેનાથી તંત્ર દોડતુ થઈ ગયુ હતું. ઓફિસમાં ફોન કરીને કહેવામાં આવ્યું કે ગુરપ્રીત કૌર નામની એક પંજાબી મહિલા ગુમ થઈ ગઈ છે.

ગુરુવાર સાંજ સુધી નદીમાં તે મહિલાને શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જાે કે, પોલીસને પછીથી સમજાયું કે આ નામની કોઈ મહિલા ગુમ નથી થઈ. તેમને કરવામાં આવેલો ફોન માત્ર એક પ્રેન્ક કૉલ હતો. ગુરુવારે સાંજે તંત્ર દ્વારા સત્તાવાર ધોરણે સર્ચ ઓપરેશન સમાપ્ત કરવામાં આવ્યું છે.

અત્યારે ઓન પેપર કોઈ પણ વ્યક્તિ ગુમ હોવાની ફરિયાદ નથી, તેમજ તંત્ર દ્વારા મૃત્યુનો સત્તાવાર આંકડો ૧૩૫ જાહેર કરવામાં આવ્યો છે. મોરબીના કલેક્ટર જી.ટી.પંડ્યાએ જણાવ્યું કે, અમારા રેકોર્ડ અનુસાર, અત્યારે મિસિંગનો કેસ એક પણ નથી.

રીલીફ કમિશનર તેમજ બચાવ કાર્ય સાથે સંકળાયેલી તમામ એજન્સીઓ જેમકે SDRF, NDRF, નેવી, આર્મી અને કોસ્ટ ગાર્ડ સાથે અમારી વિસ્તારપૂર્વક ચર્ચા થઈ છે. રેસ્ક્યુ ટીમ દ્વારા અદ્યતન ટેક્નોલોજી વાળા કેમેરા અને સાધનોની મદદથી પાણીની અંદર જઈને તપાસ કરી હતી.

હવે આ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મહિલા ગુમ હોવાનો ફોન આવ્યા પછી વિવિધ સર્ચ ટીમ કામે લાગી ગઈ હતી, પરંતુ તેમને પાણીમાંથી માત્ર વોલેટ અને ફોન જેવી વસ્તુઓ જ મળી આવી હતી. નોંધનીય છે કે, સર્ચ ઓપરેશનમાં કુલ ૭૦૦ લોકો જાેડાયા હતા.

વિવિધ જિલ્લાના ફાયર બ્રિગેડના ૩૦૦ કર્મચારીઓ તેમજ NDRFના ૧૨૫ લોકો પણ તેમાં સામેલ હતા. જે નંબર પરથી કલેક્ટર કચેરીમાં ફોન આવ્યો હતો તે પોલીસને આપવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ એક ફેક કોલ હતો. એક અધિકારીએ જણાવ્યું કે, અમને એવી જાણકારી મળી હતી કે એક મહિલા ઝૂલતા પૂલની મુલાકાતે આવી હતી પરંતુ ત્યારપછીથી ગુમ છે.

અમે તે મહિલાને શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો. અમે તે મહિલાના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ પ્રતિક્રિયા નહોતી મળી. પોલીસ અધિકારી જણાવે છે કે, અમને શંકા થઈ કે આ કોઈની ટીખળ હોઈ શકે છે. કારણકે પોલીસ કંટ્રોલ રુમમાં આ પ્રકારના અન્ય ફોન પણ આવ્યા હતા. લોકો મુશ્કેલીના આવા સમયમાં પણ આ પ્રકારની મજાક કરી શકે છે તે ખરેખર ચોંકાવનારી અને ધૃણાસ્પદ બાબત છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers