Western Times News

Gujarati News

પરવાનગી મેળવ્યા સિવાય જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ

ચૂંટણી પ્રચારમાં લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે નિયમો જાહેર કરતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી

ભારતના ચૂંટણીપંચ દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો કાર્યક્રમ જાહેર કરેલ છે. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેના કાર્યકર્તાઓ, સમર્થકો, ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટા પાયે કરે છે. પ્રચાર માટે ઉંચા અવાજે લાઉડ સ્પીકરોના ઉપયોગના કારણે ખુબ જ ધ્વનિ પ્રદુષણ પેદા થાય છે

અને આમ જનતાની શાંતીમાં ખલેલ પહોંચે છે. જેથી ચૂંટણી પ્રક્રિયા તથા પ્રચાર દરમ્યાન અનિયંત્રીત અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મુકવાનું જરૂરી જણાતા અમદાવાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું બહાર પાડ્યું છે.

જે અંતર્ગત સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવ્યા સિવાય જાહેરમાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. લાઉડ સ્પીકર વગાડવા સક્ષમ અધિકારીશ્રી તરફથી શરતોને આધિન પાલન કરવાનું રહેશે.

કોઇપણ પ્રકારના સ્થાયી અથવા વાહન પર લગાડેલા લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવીને સવારના ૬:૦૦ કલાક થી રાતના ૧૦:૦૦ ક્લાક સુધી જ થઈ શકશે.

પરવાનગી મળેલ હોય છતા પરવાનગીના સ્થળ નજીક સરકારી કે અર્ધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક કે ધાર્મિક સંસ્થાઓ, દવાખાના આવેલા હોય તે કચેરીઓની કામગીરીમાં દખલ ન થાય તે રીતે ધીમા અવાજે વગાડવાના રહેશે. ઉપરાંત ફરતા વાહન પર લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો હોય

ત્યારે આવા વાહન ચૂંટણી પ્રચારના હેતુ સબબ સંબધિત ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી પાસેથી પરમીટ/રજીસ્ટ્રેશન વગર ઉપયોગ કરી શકશે નહીં. મોટર વ્હીકલ એક્ટ હેઠળના સક્ષમ અધિકારીશ્રીની નિયમોનુસારની પરવાનગી મેળવવાની રહેશે.

જે અનુસાર લેખિત પરવાનગી વગર કોઇપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે તો, ઉપયોગમાં લેવાયેલ લાઉડ સ્પીકર તથા લાઉડ સ્પીકર મુકવા માટે ઉપયોગમાં લેવાયેલ તમામ સાધન,વાહન કે ઉપકરણો જપ્ત કરવામાં આવશે. કોઇપણ મતદાન વિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલા સમયના ૪૮ કલાક પહેલાના સમયગાળા દરમ્યાન કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં.

આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંધન કરનાર સામે મુંબઈ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૧ ની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ઘરવામાં આવશે. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.