સૌરાષ્ટ્રની આ બેઠક સૌથી વધુ ચર્ચાસ્પદ બનીઃ જામશે ચતુષ્કોણીય જંગ
રાજકોટ, રાજકીય પક્ષો દ્વારા તબક્કાવાર રીતે ઉમેદવારોની જાહેર કરવામાં આવી રહી છે. આ સાથે જ કેટલીક બેઠકો હાઇપ્રોફાઇલ બની છે તો કેટલીક બેઠકો પર નામ જાહેર થવાની સાથે જ ખરાખરીનો જંગ જાેવા મળી રહ્યો છે. આ દરમિયાન સૌરાષ્ટ્રની સૌથી ચર્ચાસ્પદ ગોંડલ બેઠક પર વધુ રસપ્રદ બની છે. અહીં ચતુષ્કોણીય જંગ જામશે.
હવે જાેવાનું રહેશે કે ચારેય ઉમેદવારો વચ્ચે એડીચોંટીના જાેર વચ્ચે કોણ મેદાન મારી જશે. ગોંડલની બેઠક પર એનસીપીએ પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. એનસીપીના ઉમેદવાર તરીકે રેશમા પટેલ ગોંડલથી ચૂંટણી લડશે.
બીજી બાજુ, આ બેઠક પર ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર યતિષ દેસાઈ છે. ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે મેદાને કૂદેલી આમ આદમી પાર્ટીના ઉમેદવાર નિમિષાબેન ખૂટ છે. ગોંડલ બેઠક પર એનસીપી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે આવતાં જ આ બેઠક વધુ ચર્ચાસ્પદ બની છે.
ભાજપે પ્રથમ યાદીમાં પહેલા તબક્કાના ૮૩ જયારે બીજા તબક્કાના ૭૭ ઉમેદવારોને ભાજપે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સ્પષ્ટ જાેઇ શકાય છે કે, સૌરાષ્ટ્રમાં હવે જૂના જાેગીઓનો દબદબો ખતમ થયો છે. સૌરાષ્ટ્રમાં ઘણા જૂના ચહેરાઓને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે.
ભાજપે હવે સૌરાષ્ટ્રમાં નવી પ્રણાલી શરૂ કરવાનો પ્રયાસ કરી મોટાભાગના યુવા ઉમેદવારોને સ્થાન આપ્યું છે. રાજકોટ શહેરની ચાર બેઠક સિનિયર નેતાની બાદબાકી કરવામાં આવી છે. ભાજપ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી યાદી મુજબ મોરબી દુર્ઘટનામાં તાત્કાલિક લોકોની મદદે આવેલી કાંતિ અમૃતિયાને ટિકિટ આપવામાં આવી છે.
વધુમા લાંબા સમયથી ચાલતી અટકળો સાચી ઠરી છે, કારણ કે, જામનગર ઉત્તર બેઠક ઉપર હકુભાને પડતા મુકી રિવાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ શહેરની ચાર બેઠકો પરથી સિનિયર નેતાની બાદબાકી કરી નવા ચહેરાને સ્થાન અપાયું છે.