યોગી આદિત્યનાથ- સ્મૃતિ ઈરાની તેમજ અન્ય દિગ્ગજો ગુજરાતમાં પ્રચાર માટે આવશે
ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનનું નેતૃત્વ પ્રધાનમંત્રી મોદી કરશે-નરેન્દ્ર મોદીના કાર્યક્રમોને ૧૨ નવેમ્બર સુધીમાં અંતિમ સ્વરૂપ અપાશે-લગભગ ૨૫ રેલીઓ કરશે -૧૦થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશે.
જે.પી નડ્ડા, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, ભુપેન્દ્ર યાદવ, શિવરાજસિંહ ચૌહાણ, યોગી આદિત્યનાથ, પૂર્વ દેવેન્દ્ર ફડણવીસ ગુજરાતમાં પ્રચાર માટે આવશે.
ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જાેરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે.
ભાજપે ગતરોજ ૧૬૦ ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. તો કોંગ્રેસે પણ ગતરોજ ૪૬ ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી દીધી છે. આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનનું પીએમ મોદી નેતૃત્વ કરવા જઈ રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર અભિયાનનું નેતૃત્વ કરશે.
તેઓ લગભગ ૨૫ રેલીઓ કરશે તેવી આશા છે, જેના દ્વારા સત્તાધારી પક્ષનું લક્ષ્ય ૧૫૦ વિધાનસભા ક્ષેત્રોમાં મતદારો સુધી પહોંચવાનું છે. આ રેલીઓની તારીખોને વડાપ્રધાન કાર્યાલયમાંથી પીએમ મોદીના કાર્યક્રમને મંજૂરી મળ્યા બાદ અંતિમ રૂપ આપવામાં આવશે.
પીએમ મોદી સહિત સ્ટાર પ્રચારકોના નેતૃત્વમાં આ ચૂંટણી રેલીઓ આગામી સપ્તાહથી શરૂ થાય તેવી આશા છે. પીએમ મોદીના કાર્યક્રમોને ૧૨ નવેમ્બર સુધીમાં અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવશે. પીએમ મોદી ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ભાજપના સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતનો પ્રવાસ કરશે. ભાજપે ૩૫થી વધુ સ્ટાર કેમ્પેઇન ચૂંટણીના મેદાને ઉતાર્યા છે.
૧૦થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ૨૦થી વધુ સભાઓ કરશે. સાથે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અર્જુન મુંડા પણ સભા ગજાવશે.આ ઉપરાંત સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્રપ્રધાન, ભુપેન્દ્ર યાદવ, શિવરાજસિંહ ચૌહાણ, યોગી આદિત્યનાથ, પૂર્વ દેવેન્દ્ર ફડણવીસ ગુજરાતમાં પ્રચાર માટે આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે બીજા તબક્કા માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે.