Western Times News

Gujarati News

ચૂંટણીને અવસર તરીકે ઊજવતા ગુજરાતની ઝાંખી કરાવતું ‘ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી’ એક્ઝિબિશન

અમદાવાદ અને ગુજરાતની ચૂંટણીના ઇતિહાસ અને પરંપરાઓને દર્શાવતી તસવીરોમાં ઝળકે છે ગુજરાતીઓનો મતાધિકાર માટેનો ઉત્સાહ

અમદાવાદમાં ઈ.સ. 1885માં યોજાયેલી સૌથી પહેલી ચૂંટણીના ઇતિહાસથી લઈને વર્ષ 1962માં થયેલી ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણીની અલભ્ય તસવીરો પણ આ એક્ઝિબિશનમાં જોઈ શકાશે

‘ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી’ ફોટો એક્ઝિબિશન AMCના સરદાર પટેલ ભવન ખાતે 30મી નવેમ્બર, 2022 સુધી નાગરિકો માટે ખુલ્લું રહેશે

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 યોજાઈ રહી છે અને રાજ્યના નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સાહી છે ત્યારે અમદાવાદ શહેરમાં ‘ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી’ શીર્ષક સાથે એક ફોટો એક્ઝિબિશન યોજાયું છે.

મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત તથા રાજ્ય ચૂંટણી પંચ, ગુજરાત દ્વારા આયોજિત ‘ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી’ એક્ઝિબિશનમાં ચૂંટણીને લોકશાહીના અવસર તરીકે ઊજવતા ગુજરાતીઓની ઝાંખી જોવા મળે છે. અમદાવાદ અને ગુજરાતની ચૂંટણીઓના ઇતિહાસ અને પરંપરાઓને દર્શાવતી તસવીરોમાં ગુજરાતીઓનો મતાધિકાર માટેનો ઉત્સાહ ઝળકે છે. આ એક્ઝિબિશન નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ વધારે એવી અનેક તસવીરોથી સુસજ્જ છે.

અમદાવાદ મહાનગરપાલિકાના મુખ્ય કાર્યાલયના પરિસરમાં સરદાર પટેલ ભવન ખાતે આયોજિત ‘ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી’ એક્ઝિબિશન નાગરિકો માટે 30મી નવેમ્બર, 2022 સુધી સવારના 11.00થી સાંજના 5.00 સુધી ખુલ્લું રહેશે.

આ એક્ઝિબિશનના સંયોજક અને ઇતિહાસના અભ્યાસુ એવા શ્રી રિઝવાન કાદરી જણાવે છે કે ગુજરાતમાં, એમાંય ખાસ તો સૌથી પહેલાં અમદાવાદમાં મતાધિકારનો ઇતિહાસ કઈ રીતે ઉદભવ્યો અને આગળ વધ્યો, તેની ઝલક આ એક્ઝિબિશનમાં રજૂ કરવામાં આવી છે.

અમદાવાદનો ઇતિહાસ રહ્યો છે કે જેમ આ શહેરના નાગરિકોએ સામેથી કર આપવાનું સ્વીકારીને સ્થાનિક સ્વશાસનની સંસ્થાનો પાયો નાખ્યો તેમ 1874માં નાગરિકોએ સામેથી ચૂંટણી કરાવવાની માગણી કરી હતી. એ વખતે માગણી નકારવામાં આવેલી, પરંતુ 1885ની 15મી ઑગસ્ટે અમદાવાદ શહેરમાં ગુજરાતની સર્વપ્રથમ ચૂંટણી યોજાઈ હતી.

સાત વોર્ડની 14 બેઠકો માટે યોજાયેલી એ ચૂંટણીમાં 1914 મતદારોના મત માન્ય ઠર્યા હતા. એ ચૂંટણી અંગેના દસ્તાવેજની ઝલક પણ આ એક્ઝિબિશનમાં માણી શકાશે. દેશની સર્વપ્રથમ ચૂંટણી વખતે નાગરિકોની સમજ માટે તૈયાર કરવામાં આવેલી પુસ્તિકાનાં પાનાં પણ આ એક્ઝિબિશનમાં રજૂ કરાયાં છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ એક્ઝિબિશનમાં વરિષ્ઠ ફોટોગ્રાફર સ્વ. શુકદેવ ભચેચ અને વરિષ્ઠ ફોટો જર્નલિસ્ટ શ્રી કલ્પિત ભચેચની ચૂંટણીની પ્રક્રિયા અને લોકોનો ઉત્સાહ દર્શાવતી જીવંત તસવીરો મૂકવામાં આવી છે. શ્રી કલ્પિત ભચેચ આ એક્ઝિબિશન અંગે જણાવે છે કે અહીં મૂકવામાં આવેલી તસવીરો મતપેટીથી લઈને ઈવીએમ સુધીના મતદાન પ્રક્રિયામાં આવેલાં પરિવર્તનોની ઝાંખી કરાવે છે.

અલગ ગુજરાત રાજ્ય થયા પછી 1962માં થયેલી ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણીથી લઈને અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓની અલભ્ય તસવીરો અહીં રજૂ કરવામાં આવી છે. આ તસવીરોમાં ગુજરાત અને ખાસ તો અમદાવાદ શહેરના લોકોમાં મતાધિકાર માટેનો ઉત્સાહ અને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થવાનો ઉમંગ ઊડીને આંખે વળગે એવો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.