Western Times News

Gujarati News

વિધાનસભા સામાન્ય ચૂંટણીને લઈ ડાંગ જિલ્લાની બોર્ડર ચેકપોસ્ટ ઉપર ઘનિષ્ઠ ચેકીંગ

(ડાંગ માહિતી) આહવાઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિભાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ જાહેર કરવામા આવી છે. જે મુજબ ૧૭૩-ડાંગ (અ.જ.જા) બેઠક ઉપર પ્રથમ ચરણમા તા.૧/૧૨/૨૦૨૨ના મતદાન યોજાનાર છે, ત્યારે ચૂંટણી પ્રક્રિયા ભયમુક્ત રીતે યોજાય, તેમજ જિલ્લામા કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની બોર્ડર ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરવામા આવ્યુ છે.

વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખી ડાંગ જિલ્લાની સરહદી વિસ્તારની કુલ ૧૩ ચેકપોસ્ટ ઉપર સી.આર.પી.એફ. ના જવાનો સહિત સ્થાનિક પોલીસના જવાનો તથા હોમગાર્ડ અને જી.આર.ડી. ના જવાનો તૈનાત કરી સઘન ચેકીંગ પ્રક્રિયા હાથ ધરવામા આવી છે. મહારાષ્ટ્ર રાજ્યની આંતરરાજય ચેકપોસ્ટ ઉપરાંત તાપી, અને નવસારી જિલ્લાને અડીને આવેલ ચેકપોસ્ટ ઉપર ૨૪×૭ સુરક્ષાકર્મીઓ તેનાત કરવામા આવ્યા છે.

બોડી વોર્ન કેમેરા, આર્મ્સ હથિયાર, વોકીટોકી, તેમજ દરેક ચેકપોસ્ટ ઉપર સી.આર.પી.એફ. ના ૮ જવાનો, ૨ પોલીસ કર્મીઓ, ૩ હોમગાર્ડ, ૩ જી. આર. ડી. તેમજ પોલીસ ફોરેસ્ટ કર્મીઓને તેનાત કરવામા આવ્યા છે. ચૂંટણી સમયે અન્ય રાજ્ય કે જિલ્લામાંથી ગેરકાયદેસરની પ્રતિબંધક વસ્તુઓ, તેમજ રોકડ રકમ વિગેરેનુ સઘન ચેકીંગ કરવામા આવી રહ્યુ છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી ભયમુક્ત રીતના યોજાય, જિલ્લામા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે, તેમજ કોઈ મતદાતાઓને ધાક ધમકી કે લોભ લાલચ આપીને ભ્રમિત ન કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે.

ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલા ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીના સુબિર તાલુકામા નંદુરબાર જિલ્લાને અડીને શિંગાણા ફોરેસ્ટ ચેકપોસ્ટ તથા ધુલિયા જિલ્લાને અડીને ઝાકરાયબારી, અને નકટ્યાહનવત ફોરેસ્ટ ચેકપોસ્ટ કાર્યરત છે. જ્યારે આહવા તાલુકામા પાડોશી નાશીક જિલ્લાને અડીને ચિંચલી, કાંચન ઘાટ, અને સાપુતારા ઉપરાંત વધઇ તાલુકામા માળુંગા, બરડા, દગુનિયા અને બારખાંદ્યા ખાતે ફોરેસ્ટ ચેકપોસ્ટ કાર્યરત છે.

આંતર રાજ્ય સરહદીય ચેકપોસ્ટ ઉપરાંત પાડાશી તાપી જિલ્લાને અડીને સુબીર તાલુકાની બરડીપાડા, અને વધઇ તાલુકાની ભેંસકાતરી ચેકપોસ્ટ તથા નવસારી જિલ્લાને અડીને આવેલી વધઇ તાલુકાની વઘઈ આર. ટી.ઓ. ચેકપોસ્ટ મળી કુલ ૧૩ જેટલી ચેકપોસ્ટ કાર્યરત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.