Western Times News

Gujarati News

પાટણના વિવિધ વિસ્તારોમાં સતત નિરીક્ષણ કરતા ઓબઝર્વર

(માહિતી બ્યુરો, પાટણ) પાટણ જિલ્લામાં આગામી તા.૦૫.૧૨.૨૦૨૨ના રોજ બીજા તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે ચૂંટણી પ્રક્રિયાની તમામ બાબતો પર ઓબઝર્વરશ્રીઓ પાટણમાં રહીને વોચ રાખી રહ્યા છે. કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયા પર વોચ રાખવા માટે અને તેનું નિરિક્ષણ કરવા માટે પાંચ જેટલા ઓબઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. આજરોજ પાટણ જિલ્લાની ૧૮-પાટણ અને ૧૯-સિદ્ધપુર વિધાનસભા બેઠક માટે નિયુક્ત કરાયેલ ખર્ચ ઓબઝર્વરશ્રી સર્વેશસિંઘે પાટણના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તેઓને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી.

આજરોજ ખર્ચ ઓબઝર્વરશ્રી સર્વેશસિંઘે ૧૮-પાટણ વિધાનસભા મતવિસ્તારના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને અહી રહેતા મતદારો સાથે સીધો સંપર્ક કર્યો હતો. મતદારોને ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર કરીને તેઓને મતદાન વિશેની સમજણ ઓબઝર્વશ્રીએ આપી હતી. ખર્ચ ઓબઝર્વરશ્રી સર્વેશસિંઘે આજે ૧૮-પાટણના સંખારી,રણુંજ,મણુંદ અને સંડેર ગામોની મુલાકાત લીધી હતી અને ત્યાં જઈને લોકોને કોઈ પણ જાતની લોભ-લાલચમાં આવ્યા વગર સો ટકા મતદાન કરવા માટે પ્રેરીત કર્યા હતા.

હાલમાં જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા એવા વિસ્તારોમાં જઈને પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે જ્યાં ઓછું મતદાન થયું હોય અથવા ઓછું મતદાન થવાની શક્યતા હોય. તેથી હાલમાં જિલ્લામાં આવેલા ઓબઝર્વર્સ દ્વારા પણ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.