Western Times News

Gujarati News

અમદાવાદ સિવિલના તબીબોએ કઝાકિસ્તાનમાં તબીબી નિપૂણતાનો ડંકો વગાડ્યો 

કઝાકિસ્તાનના પીડીત બાળકો પર બ્લેડર એસ્ટ્રોફી પ્રકારની અત્યંત જટીલ સર્જરી સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળતાપૂર્ણ પાર પાડી

*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪ વર્ષમાં ૨૦૬ બાળકો પર બ્લેડર એસ્ટ્રોફી સર્જરી સફળતાપૂર્ણ કરવામાં આવી છે*

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો પોતાની તબીબી નિપુણતાના પરિણામે દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. જેનું વધુ એક જવલંત ઉદાહરણ જોવા મળ્યું છે.

તાજેતરમાં જ ૧૬ નવેમ્બર થી ૨૦ નવેમ્બર સુધી કઝાકિસ્તાનમાં યુનિવર્સિટી મેડિકલ સેન્ટર દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમને બ્લેડર એસ્ટ્રોફી પ્રકારની અત્યંત જટીલ સર્જરી માટે નિમંત્રણ પાઠવીને મદદ માંગવામાં આવી હતી.

જેમાં બાળરોગ સર્જરી વિભાગના વડા અને સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી, એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી, એસોસિએટ પ્રોફસર ,ઓર્થોપેડિક અને સ્પાઇન સર્જન ડૉ. પિયુષ મિત્તલે આ નિમંત્રણ સ્વીકારીને પાંચ દિવસ માટે કઝાકિસ્તાનની મુલાકાત લીધી હતી.

પાંચ દિવસમાં આ તબીબોએ પાંચ જટીલ પ્રકારની સર્જરી પોતાની નિપુણતાથી સફળતાપૂર્ણ પાર પાડી. જેમાં ત્રણ બ્લેડર એસ્ટ્રોફી કરવામાં આવી હતી. ચાર મહિના, દસ મહિના અને પંદર મહિનાના બાળકમાં આ સર્જરી કરવામાં આવી હતી.

યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના તબીબો, નર્સિંગ સ્ટાફ, રેસીડન્ટ તબીબો અને નર્સિંગ સ્ટુડન્ટસને બ્લેડર એસ્ટ્રોફીની તાલીમ સિવિલના તબીબો દ્વારા આપવામાં આવી હતી.

કઝાકિસ્તાનની ટીમ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની આ પ્રકારની જટીલ સર્જરીમાં નિપુણતા જોઇને પ્રશંસા વ્યક્ત કરી હતી.

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી આ સર્જરી અને બિમારીની જટીલતા વિશે જણાવે છે કે, બ્લેડર એસ્ટ્રોફી જન્મજાત પેશાબની કોથળીમાં બિમારી હોય છે. જેમાં પેશાબની કોથળી અને ઇન્દ્રી સંપૂર્ણ પણે ખુલ્લું રહે છે.

જેનાથી પેશાબ લીકેજ થવાની ઘટના સતત ચાલુ રહે છે. બાળકોને જન્મજાત જોવા મળતી ખોળ-ખાંપણ સૌથી જટીલ પ્રકારની સર્જરી બ્લેડર એસ્ટ્રોફીને માનવામાં આવે છે. આ પ્રકારની સર્જરી સતત ૭ થી ૧૦ કલાક ચાલે છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલનું બાળરોગ સર્જરી વિભાગ સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે વિશ્વવિખ્યાત છે.સમગ્ર દેશમાંથી આ પ્રકારના બાળકો અને તદ્ઉપરાંત નેપાળ,

શ્રીલંકા, બાંગ્લાદેશ જેવા અન્ય દેશોના બાળકો પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની જટીલ સર્જરી માટે આવતા હોય છે. ભારત દેશના જ ૧૩ થી ૧૪ જેટલા રાજ્યોમાંથી આ પ્રકારની સમસ્યાથી પીડાતા બાળકો પીડામુક્ત થવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવે છે. અત્યારસુધીમાં ૨૦૬ થી વધુ બ્લેડર એસ્ટ્રોફી સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૦૯ થી દર જાન્યુઆરી મહિનામાં વિદેશમાંથી તબીબો સાત થી દસ દિવસ બ્લેડર એસ્ટ્રોફીના વર્કશોપ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવે છે.

જેના પરિણામે મેડિકલ ટુરિઝમના વિકાસ સાથે, મેડિકલ ક્ષેત્રના નવોન્મેષ તકનીકી, સંસોધન અને પ્રેકટિસનું પણ આદાન-પ્રદાન થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.