Western Times News

Gujarati News

આણંદ જિલ્લાનો કોઈ કામદાર મતદાનથી વંચિત ન રહે તે જોવા ચૂંટણી અધિકારીનો અનુરોધ

નાના એકમો, મોલ, રેસ્ટોરન્ટ, મલ્ટિપ્લેક્સ સહિતના એકમો તેમને ત્યાં ફરજ બજાવતા માણસોને મતદાન કરાવવા સવેતન રજા આપે : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડી. એસ. ગઢવી

આણંદ, ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લામાં આગામી તારીખ પ મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે મતદાનના દિવસે આણંદ જિલ્લાના ખાનગી એકમોમાં કામ કરતા કામદારો, મોલમાં કામ કરતાં કામદારો, રેસ્ટોરન્ટ, મલ્ટિપ્લેક્સ, ઇન્ડસ્ટ્રીઝ અને

નાનામાં નાના એકમો, મોટી હોસ્પિટલો, ડી-માર્ટ, રિલાયન્સ મોલ સહિતની જગ્યાએ ફરજ બજાવતા માણસો મતાધિકારથી વંચિત ના રહે તે માટે દરેક કામદારોને સવેતન ઓછામાં ઓછા ચાર કલાકની રજા આપવા માટે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ડી. એસ. ગઢવીએ અનુરોધ કર્યો છે.

આણંદ જિલ્લાના વિવિધ એકમોમાં કામ કરતાં કામદારો મતદાનના દિવસે તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને સબંધિત વિભાગના અધિકારીઓની એક બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટરશ્રીએ મતદાન મથકોની આસપાસના વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરીને મતદાન મથકની આસપાસનો વિસ્તાર સાફ કરાવવા, દરેક મતદાન મથકે લાઇટ, પાણી, પંખો, વ્હિલ ચેર, ટોયલેટ સહિતની સુવિધાઓ મળી રહે તે પણ સુનિશ્ચિત કરવા તેમજ વૃદ્ધ મતદારો રિક્ષામાં આવે તો તેમને ઉતારીને રીક્ષા કોઈને અડચણરૂપ ન થાય તેવી રીતે ઉભી રાખવા માટે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતુ.

મતદાન મથકની આસપાસ પાર્કિંગ માટે વ્યવસ્થા ગોઠવવા તથા તે માટેના સાઈનબોર્ડ મુકવા, ફ્લેક્સ બેનર લગાવવા અને નોર્મલ ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ નહીં તે માટે ચીફ ઓફિસરોને ખાસ તકેદારી રાખવા પણ સૂચના આપી હતી.

તેમણે આણંદ જિલ્લામાં ગત વિધાનસભા દરમિયાન જ્યાં સૌથી ઓછું મતદાન થયું હતું તેવી જગ્યાએ મતદાન કરવા માટે ખાસ જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવા તેમજ ચીફ ઓફિસરશ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી, રોજગાર અધિકારી અને મદદનીશશ્રમ આયુક્ત જેમને આ અંગેની ફરજ સોંપવામાં આવી છે તેવા તમામ અધિકારીઓએ દરેક કંપનીઓ, હોસ્પિટલ, મોલ, સોમીલ, ઈન્ઙ એસોસિએશન સહિતના એકમો – સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ તેમને ત્યાં ફરજ બજાવતા કામદારો મતદાનથી વંચિત ન રહી જાય તે માટે તેમને સવેતન રજા આપે તે માટે તેમને સમજુત કરવા પણ જણાવ્યું હતુ.

કલેક્ટરશ્રીએ વધુમાં આણંદ જિલ્લાની વિવિધ કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર કામ કરતાં માણસો અને ડાઇનિંગ હોલમાં કામ કરતા માણસો પણ પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે જોવા જણાવી કોઈપણ કામદારને મતદાન કરવું હોય પરંતુ જો તેમના અધિકારી કે માલિક દ્વારા મતદાન માટે રજા આપવામાં ન આવે તો

તાત્કાલિક આ માટેના નોડલ અધિકારી શ્રી નેહલ અજમેરાના મોબાઈલ નંબર ૯૮૯૮૦ ૦૩૦૯૬ અથવા લેન્ડલાઈન નંબર ૦૨૬૯૨- ૨૬૬૧૯૪ અને ૦૨૬૯૨-૨૬૬૧૯૫ ઉપર સંપર્ક કરવા પણ તેમણે જાહેર જનતાને અપીલ કરી છે. આ બેઠકમાં ચૂંટણી સંદર્ભે હાથ ધરવામાં આવેલ કામગીરીની વિસ્તૃત સમિક્ષા પણ કરવામાં આવી હતી.

આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી લલિતકુમાર પટેલ, ચીફ ઓફિસરશ્રીઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રી, રોજગાર અધિકારીશ્રી, મદદનીશ શ્રમ અધિકારીશ્રી સહિતના સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.