બંધારણ ભંગની માગ કરતા વ્હાઈટ હાઉસ દ્વારા ટ્રમ્પની નિંદા

વોશિંગ્ટન, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના બંધારણને ભંગ કરવાની માંગ કરી હતી. આ માટે હવે વ્હાઈટ હાઉસે તેમની નિંદા કરી છે. ટ્રમ્પે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટ દ્વારા આ માંગણી કરી હતી. ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે, તેઓ ૨૦૨૦ની ચૂંટણી જીતી ગયા હતા. તેમણે આ ચૂંટણીઓને મોટા પાયે ફ્રોડ ગણાવી છે.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા એન્ડ્ર્યુ બેટ્સે કહ્યું કે, અમેરિકી બંધારણ અમેરિકાના લોકોને સાથે લાવે છે. બંધારણ પર હુમલો કરવો એ આપણા દેશની આત્મા માટે અભિશાપ છે. માત્ર જીતવા પર જ અમેરિકાને પ્રમ ન કરી શકાય, હાર પણ સ્વીકારવી જાેઈએ. પોતાની સોશિયલ નેટવર્ક એપ ટ્રૂથ પર પોસ્ટ કરતા ટ્રમ્પે લખ્યું કે, ૨૦૨૦ની ચૂંટણીમાં મોટાપાયે ગોટાળો થયો હતો.
તેથી બંધારણમાં મળેલા તમામ નિયમો, કાયદાઓ અને કલમો નાબૂદ કરવી જાેઈએ. એટલું જ નહીં, ટ્રમ્પે ડેમોક્રેટ્સની સાથે મોટી ટેક કંપનીઓ પર પણ તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ લિઝ ચેનીએ પણ આ મામલે નિવેદન જાહેર કર્યું છે. લિઝને ટ્રમ્પની સૌથી મોટી વિરોધી માનવામાં આવે છે. તેમણે કહ્યું કે, આપણે ૨૦૨૦ની ચૂંટણીના પરિણામને પલટાવવા માટે બંધારણના તમામ નિયમો, નિયમો અને કલમોને નાબૂદ કરી દેવા જાેઈએ. અગાઉ પણ તેમનો આ જ મત હતો અને આજે તેમનો મત યથાવત છે. તેમણે કહ્યું કે, કોઈ પણ ઈમાનદાર વ્યક્તિ એ વાતનો ઈન્કાર ન કરી શકે કે ટ્રમ્પ બંધારણના સૌથી મોટા દુશ્મન છે.